Jitesh Donga's Blog, page 8
April 17, 2015
Vishwamanav book release by Jitesh Donga, Jay Vasavada and Dipak Soliya
નવા જન્મેલા બાળકની છઠ્ઠીની જેમ જ નવા ઉગેલા લેખકને પોતાની પહેલી બુક બધા લોકો સામે લોંચ થાય તેનો કઈંક વધારે જ હરખ હોય છે. દોઢ-બે મહિના પહેલા યોજાઈ ગયેલો ‘વિશ્વમાનવ’ નો બુક લોંચ કાર્યક્રમ કેટલાયે વાંચકો બિરાદરોએ મીસ કરી દીધો હતો. એટલે આજે ફરીથી આ માતાએ પોતાના બાળકની છઠ્ઠી ઈન્ટરનેટ પર ઉજવવાનું નક્કી કર્યું છે.
તો દોસ્તો…તમારા દિવસની 35 મિનીટ અહી અમારા બાળકની છઠ્ઠી જોવામાં ઇન્વેસ્ટ કરી નાખો.
હા…અમારા બાળકની ગળથૂથી કોઈ ઢીલા-પોચા ધોતીધારી લેખકે નથી કરી પરંતુ અમે જેને વાંચીને લખતા થયા છીએ એવા થોડું માખણ ચોપડીને કહું તો ‘ગુજરાતના શેર’ એવા Jay Vasavada અને ‘અટક સોલિયા પણ સ્વભાવે ઓલિયા’ એવા Dipak Soliyaઆવ્યા છે.
P.S: બાળકને ગળથૂથી પાનારા વ્યક્તિ જેવું બાળક બંને એવું કહેવાય છે. હા…બની જ ગયું છે :)
(વિડીયો ગમે તો શેર કરી નાખવાની છૂટ.!!)
Filed under: Uncategorized Tagged: Best seller gujarati book, book launch, Dipak Soliya, GLF, Gujarat literature festival, gujarati novel, Jay Vasavada, jitesh donga, Vishwamanav, vishwamanav launch, vishwamanav reviews
April 16, 2015
જો ચાહતી હે દુનિયા વો નહી હોગા…સમજોતા કોઈ ખ્વાબ કે બદલે નહી હોગા.
(અમદાવાદમાં ચોમાસાની એક રાત્રીએ લખેલો લેખ…)
———————————————————-
હું ડ્રાઈવ-ઇન-રોડના ડીવાઈડર પર બેઠો છું. તમરાઓનો અવાજ આવી રહ્યો છે. ધીમો વરસાદ ચાલુ છે. રાત્રીના દસ વાગ્યા છે. વાહનો ઓછા છે. મારી સામે રહેલા ‘હિમાલયા’ મોલ માંથી યુવાન કપલ બહાર આવીને પલળી રહ્યા છે. ઘણા દિવસ પછી આજે નિરાંત થઇ છે. બહારની દુનિયાને જોઇને એમજ ભડકે બળતી અંદરની દુનિયાને આ વરસાદે ઠારી દીધી. વરસાદ હંમેશા સારા માણસોને જન્મ આપે છે. સારા વિચારોને જન્મ આપે છે. સામે મેક-ડી ના ગેટ પર એક ક્યુટ કપલે નાનકડી કિસ કરી. વરસાદ જૂની યાદોને કોમા માંથી બહાર કાઢે છે. વરસાદમાં આંખો બંધ કરીને લાઈફને વિચારું છું ત્યારે સડસડાટ ભાગી ચુકેલી ત્રેવીસ વરસ લાંબી મુવી દેખાય છે. છેલ્લા થોડા વર્ષો હાઈ-ડેફિનેશનમાં છે! છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં જોયેલી દુનિયા કહું? આ વર્ષોમાં અમે યુવાનો ઉમાશંકર જોશીના સપનાના વિશ્વ-માનવ બની ચુક્યા છીએ.
વિશ્વમાનવ. અદભુત વર્ડ છે. અમે યુવાનો હવે એ શબ્દને સાર્થક કરી રહ્યા છીએ. પૂરી રીતે નહી, આંશિક. અધૂરામાં જ મજા છે. અમે યુવાનો હવે હાર્ડ-કોર દોસ્તી કરવા લાગ્યા છીએ. અમે સર ઊંચા રાખીને દોડી રહ્યા છીએ. અમારા સપના ઘેલા છે. પાગલ છે. અમારે પામવા છે. અમે નવા રસ્તાઓ ખોળ્યાં છે. કાંટા વધુ છે એ રસ્તે, પણ અમને એની મજા લેતા આવડે છે. પીડાનું સુખ હોય છે! અમને શોર્ટ-કટ પસંદ નથી. શોર્ટ-કટ લઈને સફળ થયેલા વડીલોની આ દુનિયામાં નિરર્થકતા અમને ખબર છે. અમે યુવાનો એવા મોટા આદર્શવાદી નથી. ના. બનીશું પણ નહી, પણ અમારા આદર્શો આ વરસાદની જેમ ગુંજન કરશે જરૂર.
જુઓને…અમે સરેઆમ કેટલાયે નિયમો તોડીને વિશ્વ-માનવ બની ચુક્યા છીએ: અમે સરહદો તોડીને પ્રેમ કરી શકીએ છીએ. દોસ્ત બનાવતી સમયે જ્ઞાતિ પૂછતાં નથી. અમે ટાઈટ હગ કરીએ છીએ. અમે દુનિયાભરના લોકો સાથે કનેક્ટ છીએ. અમારા વિચારો કહીએ છીએ. એમના વિચારોને સ્વીકારીએ-સમજીએ છીએ. અમારી લાઇફને ફેસબુક-ઇન્સ્ટોગામ-બ્લોગ્સ-વોટ્સએપ પર આસાનીથી શેર કરીએ છીએ. સારું ઈંગ્લીશ બોલીએ છીએ, સારું ગુજરાતી બોલીએ છીએ. બધું ખાઈએ છીએ. હવેતો ફૂટબોલ-ક્રિકેટ-હોકી બધું રમીએ છીએ. બધી ભાષાની મુવીઝ અને ટીવી સીરીઝ જોઈએ છીએ. દરેક ન્યુઝની અપડેટ હોય છે. વિશ્વના દરેક ખૂણામાં રહેલા માણસની વાતો-સ્ટોરી-પીડા-ખુશી પામી જઈએ છીએ. અમને ગમતી વસ્તુઓ કરીએ છીએ. ગમેં તે ભોગે! ખુશ છીએ. રડવાના-હસવાના કારણોની અમારે જરૂર નથી. છાતી ખોલીને જીવીએ છીએ. જુઓને…અમને ના ગમતું ફેંકી દઈએ છીએ. નથી જોવું તે નથી જ જોતા. સર ઊંચા છે. કાન ખુલ્લા છે. આંખો આકાશ તરફ છે. અમને વરસાદમાં ભીંજાતા આવડે છે. આખા વિશ્વના કોઈ પણ ખૂણે અમે ખુશ રહી શકીએ છીએ. અમને જોઇને રવીન્દ્રનાથ ટાગોરને આંસુ આવી જાત. જુઓ…અમારા દિમાગ કોઈ ભય વિના જીવી રહ્યા છે. જ્ઞાન ક્લિક દુર છે. અમે ઘડેલું વિશ્વ ટુકડાઓમાં છે જ નહી, મુઠીમાં છે. અમે સાચું-કડવું કહી દેવાની હિંમત રાખીએ છીએ. અમે ભૂખ્યા છીએ. તમે કહો છો તે પરફેક્શન માટે મહેનત કરીએ છીએ. અમારા કારણો ખુબ જ ચોખ્ખા છે. કોઈ ખોટી કુટેવો નથી. અમારા દિમાગ વિચારે છે, અને કશુંક કરી બતાવે છે. ટાગોરજી…એવા જ સ્વતંત્ર સ્વર્ગમાં તમારે તમારા દેશને જોવો હતોને? હવે જન્મ લઈલો ફરીથી.
હવે આ યુવાન વાંચે છે. હજારો પુસ્તકો વાંચે છે. તેને ખબર પડી ગઈ છે કે- આ વિશ્વને પુસ્તકો જ બદલી શકે છે. યુવાન વાંચી રહ્યો છે. કાલે ઉઠીને અમારા બાળકોને કદાચ ઈમેજીનેશન અને ક્રિયેટીવીટીની ખોટ નહી લાગે. અમે તેમને બચપણથી જ પુસ્તકો આપીશું. અમને સમજાયું છે કે- આ વિશ્વને ‘વોર’ નહી, ‘વર્ડ્સ’ બદલાવી શકે છે.
આહ…એક મોટો વીજળીનો કડાકો થયો. જુઓ. સામે પેલા બધા યુવાન કપલ અલગ-અલગ દિશામાં ભાગવા લાગ્યા. જોયું? કુદરતને કસોટી જ પસંદ છે. માણસોને જ પરીક્ષાઓ ગમતી નથી. હવે મને એ પરીક્ષાનો ડર લાગી રહ્યો છે. હજુ હું ડીવાઈડર પર જ પલળી રહ્યો છું. વિચાર આવે છે. ડર. ભવિષ્ય અલગ બન્યું તો? લડી લઈશું? રખે ને…અમે યુવાનો ટેકનોલોજીના ગુલામ બની ગયા તો? અમે ઇન્ટરનેટ વિશ્વમાં વધુ નજીક આવીને એકબીજાના જીવનને ખલેલ પહોંચાડવા લાગ્યા તો? જે સ્માર્ટફોન અમને કરોડો કિલોમીટર દુરથી નજીક લાવ્યો, તે જ ફોન બે પાકા મિત્રોને બાજુમાં બેઠા હોય તો પણ દુર નહી કરી નાખેને? અમે બધા વાંચતા બંધ થઇ ગયા તો? કાલે ઉઠીને કોમ્પ્યુટરે અમારા દિમાગને રિપ્લેસ કરી દીધું તો? સ્પાઈક જોન્સના મુવી ‘HER’ જેવું થશે તો? કાલે મેં શેર કરેલી મારી લાઈફને કોઈ વીંખવાનું-પીંખવાનું વિચારશે તો? લોકો એકબીજાને ટાઈટ હગ નહી આપી શકે તો? પ્રેમીઓ એકબીજાને રડાવી નહી શકે તો? અરેરે…યુવાનો યાંત્રિક નહી બની જાયને? યુવાનો વરસાદમાં પલળશે તો ખરાને? તેઓની લાગણીઓ પર્સનલ નહી બની જાયને? તેમના સપનાઓ સ્વાર્થી નહી હોયને? તેમને આ વિશ્વમાં બદલાવ લાવવાની ખેવના હશેને? નહી હોય?
જુઓ…વીજળીનો બીજો કડાકો થયો. ખેર…હું તો નહી ડરું. કેમ ડરવાનું? આશા છે મને. ટાગોર અને ઉમાશંકરના સપનાનું વિશ્વ જ રહેશે આ. અમે પ્રેમ કરીશું. રીવાજો તોડીશું. જ્હોન લેનનની જેમ…”ઉપર ખુલ્લું આકાશ છે. ક્યાંયે નર્ક છે જ નહી. અહી કોઈ દેશ નથી.કોઈ સરહદ નથી. કોઈને મારવાના નથી. કોઈને મરવાનું નથી. કોઈ ધર્મ નથી. સહુ શાંતિથી સપનાઓ લઈને જીવે છે. તમને લાગે છે આવું કહેનારો હું એકલો છું. ના. કેટલાયે માણસો મારા જેવું જ વિચારે છે. સૌ શાંતિથી જીવે છે. કદાચ તમે પણ મારી સાથે જોડાઈને વિશ્વ-માનવ બની જાશો. આપણે એવું વિશ્વ વિચારીશું જ્યાં કોઈ લાલચ, ભૂખમરો, લુંટ નહી હોય. જ્યાં બધા ભાઈઓની જેમ રહેતા હશે. નાનકડી દુનિયાને એકબીજા સાથે પથારીની જેમ શેર કરતા હશે. આપણે એકલા આવા સપના જોનારા નથી. ઘણા બધા છે!”
વરસાદ વધી ગયો છે. તમરાનો અવાજ બંધ થઇ ગયો છે. આ ધરતી પર આશા સૌથી છેલ્લે મરનારી હોય છે. મને એ આશા છે- આપણે વિશ્વમાનવ બની રહેશું. દિલથી જીવીશું. ખુશ. હસતા. કિલ્લોલ કરતા. ભીંજાતા. આપણા આંસુની-પીડાની પણ આપણે ઉજાણી કરી નાખીશું દોસ્ત. આ વરસાદની જેમ જીવીશું. ગરજશું. મન મુકીને વરસશું. બીજાને ભીના કરીશું. પોતાના આ વિશ્વ પરના જન્મને ઉત્સવ બનાવી દેશું. જેમ વરસાદ એક ઉત્સવ છે તેમ. આપણા એ જીવનમાં બીજા પણ નાચી શકશે. વહી જશું એક દિવસ. આ વરસાદની જેમ કોઈ સરહદ જોયા વિના રસ્તાઓ બનાવી લેશું. સુગંધ ફેલાવીશું. ભલે આપણે અત્યારે અધૂરા છીએ, પણ અધુરાની જ તો મજા છે! અહી કોને પરફેક્ટ થવું છે? બસ…તેની નજીક રહીને જીવનનો ઉત્સવ કરીશું. સૌને ખબર છે કેમ જીવવું! નથી ખબર? બસ…ઉપર કહ્યું તેમ! વિશ્વ-માનવ બનીને. જીવનના વરસાદમાં સપનાઓની હોડી ચલાવીને. લાગણીઓમાં ભીના થઈને. વિશ્વમાનવ એટલે શું? સ્વતંત્રતા. ચાહત. સંઘર્ષ. આંસુ. મુસ્કાન. આશા. ખુશીઓ. વેદના. ઉત્સવ. મૃત્યુ. બસ…આજકલ અમે યુવાનો એવા બની રહ્યા છીએ. અમને દુનિયાની પડી છે. સામે પાણીમાં તરતા કચરાની પડી છે. વરસાદમાં ભળી ગયેલા પ્રદુષણની પડી છે. આ દુનિયા મારા નાચવા માટેનું સ્ટેજ છે. મારી પછીની પેઢી પણ અહી નાચશે. રંગ-મંચ પર દિલ ફાડીને નાચવું છે. લોકોને હસાવવા છે. જુઓને આ વરસાદ કેવી ગાંડી વાતો કરાવે છે! અમે યુવાનો આવા જ છીએ! વિશ્વ-માનવ. મસ્ત શબ્દ છેને?
Filed under: Uncategorized Tagged: Articles, future, gujarati writing, jitesh donga, ravindranath tagor, Vishwamanav, Young, Young spirit
April 3, 2015
Books I read in Summer. Part- 2
પુસ્તક-રસિયાઓ…આવી ગયું છે બીજું લીસ્ટ: છેલ્લા બાર-પંદર દિવસમાં મેં વાંચેલા પુસ્તકો અને રિવ્યુઝ… માણો:
૧) A thing beyond forever: ખુબ સારી બુક છે. વાપીના રેલ્વે સ્ટેશન પરથી લીધેલી. આમ તો હું આજકાલ લવ સ્ટોરીઝ ઓછી વાંચું છું છતાં આ બુકના બંગાળી લેખક પર ભરોસો રાખીને લીધી. (બંગાળી લેખકો-સર્જકો ખુબ વાંચે છે, પ્લસ બધા ડર્યા વિના સાચું લખે છે.) બુકમાં ક્યાંક ટિપિકલ લેખક પણું પણ દેખાય છે, પણ પહેલી બુક લખનારા લેખકને એ માટે માફ કરવો જ પડે. વાંચજો. My favorite sentence: He suffers from the Piles. And first time he realized it he thought he was menstruating from his ass!
૨) સમુદ્રાન્તિકે: લેખક? ધ્રુવ ભટ્ટ! રોકસ્ટાર. હું તો માનું છું કે તમને જયારે ગુમાન ચડી જાય કે તમે ખુબ મોટા લેખક છો કે ખુબ સારું લખો છો ત્યારે આ કુદરતના ખોળે રખડીને પોતાની અનુભૂતિને થોડા શબ્દોમાં તમને જીવાડતાં, બધી સફળતા છતાં ડાઉન ટુ અર્થ અને વિસ્મય ભરેલી આંખો ધરાવતા બાળક જેવા આ મહાન જીવને વાંચી લેવો. મેં તો ધ્રુવ ભટ્ટ સાથે ક્યારેય વાત નથી કરી પરંતુ એના શબ્દોના સાક્ષાત્કાર પછી એમ કહી શકું કે આ દાદાનું પર્સનલ જીવન જાણશો તો તમારો જીવ બળશે! આજના યુવાન લેખકો અને ધ્રુવ દાદામાં ફરક એટલો છે કે જે સમયે એ મેઘાણીની જેમ રખડી જાણીને, દરેક પળને નિચોવીને જીવ્યા પછી લખે છે… તે સમયે બીજા બધા લેખક થોડી લાઈક્સ વધુ આવે એ માટે છેલ્લી પોસ્ટને બેઠા-બેઠા એડિટ કરતા હોય છે. અહોહો… સૌથી મોટી ખુશી તો ત્યારે થઇ જયારે આ નાદાન પરિંદાને એના જેવો જ પ્રમાણિક પબ્લીશર Chetan Sangani મળી ગયો. ચેતનભાઈને ફોન કરીને મેં ધ્રુવ ભટ્ટની આવનારી બુક ‘તિમિરપંથી’ મગાવી ત્યારે ખબર પડી કે હું તો ધ્રુવદાદા નામના દરિયાના કિનારે ઉભા રહીને એની વિશાળતાની વાહ-વાહ કરતો હતો…આનું પેટાળ તો જોયું જ નથી.
એક અપીલ: ખાસ યુવાનો ધ્રુવ-ભટ્ટના બધા જ પુસ્તકો વાંચે. આમેન…
૩) માણસાઈના દીવા: ઝવેરચંદ મેઘાણીની કૃતિ! “શું મેઘાણી કાઠીયાવાડ માટે જ લખે? બાકીના ગુજરાતની ભૂમિ કઈ વાંઝણી છે?” મેઘાણીએ આ સવાલનો જવાબ આપ્યો છે બીજી ધરતી ખૂંદીને! મહારાજ-ચોર-લુંટારા-ખૂનીઓ અને ખમીરવંતી માનવતાના ઉદાહરણો. સાચા પ્રસંગો. એવા દીવાઓ ની વાત જે ખાલી દીવા નથી…દીવાદાંડી છે.
૪) The Lady with the dog and other stories: Anton Chekhovની શોર્ટ-સ્ટોરીઝ. હજુ થોડી સ્ટોરીઝ બાકી છે વાંચવાની. ચેકોવ અને એના પુસ્તકો વિષે તો ગુગલ જ કરી લેજો. વન્ડરફુલ વર્ક.
૫) Atlas Shrugged: Ayn Randની આ બુક સૌ પુસ્તક-રસિયાને ખબર જ હશે, ખુબ ઓછાએ વાંચી હશે. ૧૦૭૦ પેજની આ મહાન- બ્રેધ-ટેકિંગ- અને ઓબ્જેક્ટીવિઝ્મની બેતાજ બાદશાહ એવી બુક. મારી ઓલ-ટાઈમ ફેવરીટમાં આવી જશે આ પુસ્તક! આ બુક પર આખો લેખ લખીશ. એક વિક પછી.
લેખક ક્યારેય મરતો નથી હોતો…સાલો એકાદ-બે મહાન સર્જન કરીને વર્ષો સુધી શબ્દોના વિશ્વ થકી હજારો વાંચકોની દિમાગની કોશિકાઓ અને નસ-નસમાં ઘૂસીને દ્રશ્યો-પાત્રો-અને વિચારો બનીને જીવી લેતો હોય છે.
મારો અને તમારો ઈશ્વર-અલ્લાહ આપણને બસ એક સામર્થ્ય આપે: ઈમેજીનેશન નું!
હા…ખુબ મોટી તાકાત છે એ!
Filed under: Uncategorized Tagged: anton chekhov, atlas shrugged, ayn rand, Best seller gujarati book, Books, dhruv bhatt, gujarati novel, jitesh donga, samudrantike, Vishwamanav
March 31, 2015
કહો દુશ્મનને દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ… એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે.
મારી સામે પથરાયેલા ભીના ખેતરને જોઈ રહ્યો છું. ચારે તરફ આકાશ ઘેરાયેલું છે. થોડીવાર પહેલા એક ઝાપટું આ કાળી-સુકી જમીનને ભીની કરી ગયું. મારા શ્વાસમાં માટીની સુગંધ છલકાઈ રહી છે. જમીનને ભીની કરીને એ વાદળ દુર ભાગી ગયું છે. મારું ગામ, મારી સીમ કોરી રાખી ગયું છે. માત્ર સુગંધ છોડીને આ જમીન નિ:સાસો નાખી રહી છે. સામે શેઢે વધારે પડતું લીલું લાગતું રાયણનું ઝાડ ઠંડી હવામાં કલબલી રહ્યું છે. દુર વરસાદ ગાજ્યો. પેલું ઝાડ જોઇને જૂની વાત યાદ આવી.
બે વરસ પહેલા આવી જ એક સંધ્યાએ હું અને મારા ખેડૂત પપ્પા અહી ઉભા હતા. હવાને લીધે અમારા શર્ટનો ફફડવાનો અવાજ આવતો હતો. ચુપકીદી હતી. ભીની સુગંધ અને પોતપોતાનું એકાંત હતું. કુદરત સાથેનું એકાંત મૂંગી રીતે જીવતા માણસોને બોલકા કરી દેતું હોય છે. મારા પપ્પાએ મને પૂછ્યું: ખબર છે આ સામે દેખાતી કુદરત, પેલું રાયણનું ઝાડ આ બધું આટલું સુંદર કેમ દેખાય છે? મેં પપ્પાને મારું સાયન્સનું જ્ઞાન દેવાનું ચાલુ કર્યું! કઈ રીતે ફોટો-સિન્થેટીક પ્રોસેસમાં ક્લોરોફીલ કામ કરે છે, અને સામે દેખાતી કુદરત લીલીછમ દેખાય છે એ બધું મેં તેમને સમજાવ્યું. તેઓ હસી પડ્યા. મેં હસવાનું કારણ પૂછ્યું તો મને કહે: મને મારા અજ્ઞાન ઉપર હસવું આવે છે. મને તો એમ કે- આ કુદરત જેવી છે એવી જ રીતે દેખાય છે, અને જેવી છે એ રીતે જ મસ્ત રહીને જીવી રહી છે એટલે આટલી સુંદર દેખાતી હશે.
એમનો જવાબ મને ધ્રુજાવી ગયો હતો. સાચે જ કુદરતની સુંદરતાનું કારણ તેનું કુદરતી હોવું એ જ હશે. માણસ પણ કુદરતી રીતે જીવે ત્યારે આપોઆપ સુંદર બની જતો હોય છે. કદાચ.
આ ભીની માટીની સુગંધ એક બીજો વિચાર જન્માવી રહી છે. ભવિષ્યની પેઢી આ દ્રશ્ય જોઈ શકશે? આવનારા ચહેરાઓને ખેતરની માટીની સુગંધ મળી શકશે? આજે હું એન્જીનીયર બનીને શહેરમાં જોબ કરું છું. છુટ્ટી હોય ત્યારે ગામડે આવું છું. ખેતર આવું છું. મારા જેવા હજારો યુવાનો છે જેમના પપ્પા ખેડૂત છે, પરંતુ દીકરાને ખેતી આવડતી નથી. પપ્પાએ પેટે પાટા બાંધીને ભણાવ્યા. કેમ? દીકરા…આ ખેતી ના કરશો. ભણો. આ ગામડે કશું કાઢી લેવાનું નથી. અમે ઢસરડા કરીને મરી જશું તોયે ક્યારેય બે છેડા ભેગા નહી થાય. બેટા…તમે ભણો અને પગારદાર બનો. ખેતી અમે સંભાળી લેશું.
એવું જ થયું છે! પેલી દુર થતી વીજળીના ચમકારા પછી હૃદયમાં અવાજ આવી રહ્યો છે કે- હવે અમારા કુટુંબે ઉછેરેલી ખેતીનું શું? અમારા ખેતરો સુગંધી ની:સાસો નાખશે ત્યારે કોને સુગંધ આવશે? આ શરીરમાં ખેડૂતનું લોહી દોડી રહ્યું છે, પણ દિમાગને ચાસ પાડતા આવડતા નથી! આપણા સડીને ચુથો થઇ ગયેલા સમાજની વિચારસરણી અંદર એક એવું ગંદુ ચિત્ર ઘુસી ગયું છે જે ગુસ્સો અપાવે છે: દીકરો આજકાલ શહેરમાં પોતાને ન ગમતી દસ-પંદર હજારની જોબ કરશે પરંતુ ગામડે બાપે જતન કરેલી ગમતી ખેતી નહી કરી શકે! કેમ? અરે આજકાલ જો યુવાન ખેતી કરતો હોય તો લગ્ન નથી થતા! બાપને પૂછીને મુરતિયો પસંદ કરતી ડાહી દીકરી ખેતી કરનારા યુવાનમાં ફ્યુચર સિક્યોરીટી જોતી નથી!
વાત સાવ ખોટી પણ નથી. સોલ્યુશન છે: ભણેલો યુવાન સર્વશ્રેષ્ઠ ખેડૂત બની શકે. હા. ટેકનોલોજી અને કુદરત મળીને કમાણી કરી આપે. જય વસાવડાએ રાડો નાખી-નાખીને આ વિષય પર, ઇઝરાયેલની ટેકનોલોજીથી સજ્જ ખેતી પર લખ્યું હતું. કોણ એ શબ્દો હૃદયમાં ઉતારે? ઉતારીને રીયલ-લાઇફમાં કયો યુવાન ખેતીમાં કરિયર બનાવવા ઉભો થાય? જયારે કોઈ શ્રેષ્ઠ માણસના-લેખકના શબ્દોને કોઈ ‘લખવા ખાતર લખેલા’ સમજે ત્યારે દિમાગને નપુંસકતા આવી જાય છે. થાય છે મારી પેઢીમાં સાવજ-પણું મરી પરવાર્યું છે અને ઘેટા-પણું છલોછલ ભર્યું છે. કોઈ પણ એક્સક્યુઝ આપ્યા વિના બધી સમસ્યા પાર કરીને ખેતીમાં કરિયર બનાવનારા સિંહ જીવે છે ખરા? કે લુપ્ત પ્રજાતિ?
મેં મારા 23 વરસમાં મારા પપ્પા અને ગામડાના ખેડૂતની નજરે જોયેલી જીવની જોઇને કહી શકું છું કે- અત્યારે ૪૫-૫૦ વરસની ઉપર જીવતા ખેડૂતોએ ભવ્ય જીંદગી જીવી છે. તેમને પોતાના શરીરને ઘસીને, કસીને, નિચોવીને જીવ્યું છે. શુદ્ધ ઓક્સીજન અને એથીયે શુદ્ધ હૃદય શરીરમાં ભરીને જીવી રહ્યા છે. દુનિયા વિશેના અજ્ઞાનને ભરપુર માણ્યું છે. તેઓએ આ ખુલ્લી ધરતીના પુત્ર બનીને માંને ખોળે જીવી જાણ્યું છે. આકાશની ચાદર ઓઢીને આંખો મીંચેલી છે. શહેરની હવા-પાણી-ખોરાક અને ટૂંકા જીવના માણસો એ બધા કરતા ચોખ્ખી જીંદગી ગામડાનો ખેડૂત જીવ્યો છે.
તોયે તેઓની નિરક્ષરતા નડી છે. અજ્ઞાન સૌથી મોટું કલંક બની રહ્યું. ખેડૂત સ્થિર બની ગયા. ટેકનોલોજીનું પરિવર્તન તેઓ અજ્ઞાનને લીધે ના સમજ્યા. ખેતીને કોસતા રહ્યા. દીકરાઓને મહામહેનતે ડોક્ટર-એન્જીનીયર બનાવીને તેઓ અસ્ત બાજુ પહોચી ગયા. હવે છેલ્લા વર્ષોમાં તેઓ ઓટલા ઘસવા સિવાય કશું કરી નથી શકતા. પુસ્તકો વાંચી નથી શકતા. આવા સમયે નિરક્ષરતા સૌથી મોટો ડાઘ બંને છે. સાવજ સમી જીવની જીવીને સમાજની અંદર ઘાસ ખાવાનો સમય!
મારા પપ્પા કહે છે: એક દિવસ ગામડાઓ ખાલી થઇ જશે. બધા યુવાનો શહેરમાં જ છે. અમે બુઢા થઈને મરશું એટલે ગામડે પૂરું!
એમનું વાક્ય અજાણી ઉપાધિમાં નાખી દે છે. ગામડાઓ ખાલી નહી થાય. હું આશાવાદી છું. આજકાલ પોતાને ન ગમતી જોબ કરવામાં દિવસો વેડફતો દીકરો એક દિવસ આ ગામડે આવશે. એક દિવસ આ માટીની સુગંધ મારી પેઢી પણ લેતી હશે. જમાનો ફરી ગયો હશે. ટેકનોલોજીથી અમે ખેતી કરીશું. કરિયર બનાવીશું. ઘરે ઈન્ટરનેટ પર માર્કેટ, પેકેજિંગ, એક્સપોર્ટ કરી નાખીશું. એગ્રો-ટુરીઝમ ઉભું થશે. ચોખ્ખી હવા, ખોરાક, પાણી બધું જ! મારા પપ્પાને પાણી વાળતી સમયે પેન્ટને ગોઠણ ઉપર ચડાવવું પડતું, અમે કેપ્રી-શોર્ટ્સ પહેરીને ટપક ચિંચાઈમાં, ગ્રીન-હાઉસમાં આંટા મારીશું! મારા પપ્પાએ દુકાળના વરસમાં કોરા ખેતર સામે જોઇને ભીની આંખે વરસ કાઢી નાખેલા છે, અમે ખેતરો કોરા રહેશે તો તંબુઓ પાથરીને ગૃહ-ઉદ્યોગો ચાલુ કરી દેશું. સાંજ પડ્યે ગામને ઓટલે નહી, પરંતુ પોતાની શોર્ટ્સ પહેરેલી વાઈફ સાથે બેસીને બાજરાના રોટલા બનાવવાની રેસીપી યુ-ટ્યુબ પર અપલોડ કરતા હોઈશું. જમાનો દુર નથી.
એક દિવસ આ ગામડાના જુના મકાનોમાં આપણે યુવાનો કમ્યુટર કંપનીઓ ચલાવતા હોઈશું. મોડી રાત્રે ખુલ્લા આકાશની ચાદર નીચે ફોરેઈનના કસ્ટમર સાથે ડીલ ફિક્સ કરતા હોઈશું. માટીના રમકડા બનાવીને આપણા દીકરા-દીકરીને ગીફ્ટ આપતા હોઈશું. દેખાઈ રહ્યું છે કે એ દિવસો, એ વર્ષો વધુ દુર નથી. પરંતુ આપણી જન્મજાત કુટેવ છે કે જ્યાં સુધી પરિસ્થિતિમાં ભરાઈ ના પડીએ ત્યાં સુધી સાવચેત થતા આવડતું નથી.
મારા પપ્પાના શબ્દો ખોટા નથી. એક દિવસ ગામડાઓ જરૂર ખાલી થઇ જશે. પરંતુ મને એ સુર્યાસ્ત પછીનો નવો સુરજ પણ દેખાય છે. જો આપણો ઘેટા-સમાજ અને યુવાન સમજે તો.
આગળના વાક્યમાં આગળ આવતો ‘જો’, અને છેલ્લે આવતો ‘તો’ હંમેશા આપણી સંસ્કૃતિના ધીમા ગ્રોથનું કારણ રહ્યો છે. સોલ્યુશન છે: એક પણ એક્સક્યુઝ વિના, શરમ ફગાવીને આપણે યુવાનો જયારે પડકારોને જીલતા શીખી લેશું ‘તો’
સાંજ પડી ગઈ છે. માટીની સુગંધ હજુ આવે છે. હવે મને તો આવતીકાલના સુર્યોદયમાં રસ છે. બસ.
Filed under: Uncategorized Tagged: Farming, Father, future, life, Love;philosophy;life
March 25, 2015
Books I read in Summer: Part- 1
હું ઉનાળામાં નોવેલનું લખવાનું કામ ઓછું રાખું છું. પણ વાંચન ખુબ વધારી દઉં છું. લખવા માટે ચોમાસાનો ગરજતો વરસાદ અને શિયાળાની ઠંડી-એકાંત રાત બેસ્ટ સમય છે. હા..આ બંને મનગમતી સિઝનમાં શું લખવું એનું મટીરીયલ હું ઉનાળામાં નક્કી કરી લઉં છું. આ ચાર મહિના હું ગાંડાની જેમ વાંચતો હોઉં છું. આખો દિવસ બીજી જ સર્જેલી દુનિયામાં ટહેલતા રહીને એટલીસ્ટ આ ગરમીના ભયંકર દિવસો પસાર થઇ જાય છે. મોજમાં! વિચાર્યું આ સિઝનમાં વાંચકો સાથે મેં વાંચેલી બુક્સ શેર કરતો રહું. તો આ રહી છેલ્લા વીકમાં વાંચેલી બુક્સ:
૧) Animal Farm: માનવજાતને એક ભયંકર સત્ય સમજાવતી… All animals are equal, but some animals are more equal than others. માત્ર એકવાક્યમાં ભૂંડને માણસ અને માણસને ભૂંડ બનાવી દેતી જબરદસ્ત નવલકથા. Must Read.
૨) Eat,Pray, Love: One of my favorite female writer Elizabeth Gilbert ની માસ્ટર પીસ. ખાસતો આ મેમોઈરમાં લખાયેલા નાજુક સત્યો અને એક લેખિકાની પોતાની જ લાઈફને ખુબ જ ધીમીધારે બદલાવાની કલાને સલામ. આ નોવેલ વાંચીને જ તમને કોઈને મેં ગોવાનો અનુભવ શેર કર્યો નથી. હૃદયમાં માત્ર મૂકી રાખ્યો છે.
૩) Hind Swarajya: મારા દોસ્ત એવા Avval Amdavadi એ મને ‘વિશ્વમાનવ’ ના લોંચ સમયે આ બુક ગીફ્ટ કરી. માત્ર ત્રણ શબ્દો છે ગાંધીના આ સચોટ દસ્તાવેજ માટે: અદભુત…અદભુત…અદભુત… હું મારું બસ ચાલે તો પેલા Markandey Katjuનો કાઠલો પકડીને, પછવાડે પાટું મારીને કહી આવું કે…નાલાયક પહેલા ગાંધીને વાંચ. આખો વાંચ. પછી એના પુતળા કેમ મુકાય છે એનો વિરોધ કર. યુવાનોએ ખાસ વાંચવા જેવી.
4) 20 Short stories of Leo Tolstoy: ગોવામાં એક રશિયન દોસ્ત બનેલી. તેણે ગીફ્ટ આપી. મેં તેને મારી બુક ગીફ્ટ આપી. તે ગુજરાતી વાંચી નહોતી શકતી પણ કહેતી હતી કે રશિયામાં તેના એક ગુજ્જુ દોસ્તને આપશે! વેલ…તોલ્સતોયની માટે વખાણ શક્ય નથી. આ બુક વાંચીને પણ માણસ ચુપ થઇ જતો હોય છે. હા…ફિલ્મ બનાવવા માટે જબરદસ્ત મટીરીયલ.
૫) 1984: George Orwell ની આ બીજી બુક. અ ક્લાસિક. અત્યારે જો કે ઈમેજીન કરવું મુશ્કેલ પડે છે એ દુનિયા. ખબર નહી કેમ. પણ અદ્વિતીય સર્જન. કાશ…આપણો કોઈ નવયુવાન આવું સાયન્સ ફિક્શન લખી શકે. ગુજરાતીમાં. મને તો ખુબ મન છે અને મોડું થાય એ પહેલા એકવાર સાયન્સ-બુક લખીશ પણ ખરો.
ખેર…આમતો ગુજરાતીઓ વાંચવામાં વાંઝીયા છે. અફસોસ. હું પણ આવી ગયો તેમાં. (Nicholas Spark, Stephen King, Neil Gainman કે જેફરી આર્ચર વરસના ૩૬૫ દિવસમાં ૨૦૦ થી વધુ બુક વાંચે છે…સામે ગુજરાતી જીતેશ દોંગા માંડ 100 પર પહોંચે છે. કહે છે કે : મને જોબ માંથી ટાઈમ નથી મળતો! ) પણ જો કોઈ માઈનો લાલ હોય તો સારી બુક મને કોમેન્ટમાં કહી શકે. પોપ્યુલર બુક્સ નહી…અલગ.વિચિત્ર.ખલેલ પહોંચાડે તેવી.
એક કડવું સત્ય: ફ્રાંસ, જર્મની,સ્પેન અને રશિયા વસ્તીમાં ગુજરાત સમોવડા જ છે. છતાં તેમાંથી મહાન-ભવ્ય સર્જકો અને સર્જનો પેદા થયા છે અને વૈશ્વિક લેવલ પર મુકાયા છે. તેમના ઈમેજીનેશન આપણા સર્જકો કરતા ક્યાય ઊંચા છે…ગુજરાતીમાં આંગળીને વેઢે ગણાય એટલા જ છે. આવું કેમ? આપણી ભૂમિ માત્ર વેપારીઓ જ પેદા કરે છે? ના. આપણા લેખકો માત્ર ઢીલું-પોચું-સામાજિક ફિલોસોફી ભરેલું લખ્યા કરે છે એટલે? ના.
સંસ્કૃતિ નબળી છે? ના. ધાવણમાં તાકાત નથી? ના રે…
મને બે કારણ દેખાય છે: ૧) લેખકનું ખુબ ઓછું વાંચન…અને એથી ઓછું દિમાગનું એકસ્પ્લોરેશન.
૨) લખતા સમયે સામે કાગડા ઉડતા હોય તેવો કાચો વાંચક. એથી કાચો પબ્લીશર.
આનું સોલ્યુશન: રીડ…રીડ…રીડ…રીડ…રીડ…
અને પછી ઉલેચો. હૃદયના અને દિમાગના પેટાળ માંથી કાઢો નવા વિશ્વોને. બસ..
Filed under: Uncategorized Tagged: Art, Books, gujarati writing, Novels, Philosophy, writing
March 24, 2015
હાર્યો- પડ્યો- થાક્યો- ભાંગ્યો…એટલે જ તું યુવાન કહેવાયો!
અત્યારે હું આ ભાડાની રૂમની બારી પાસે બેઠો છું. મારી આંખો વાદળો ભર્યું કાળું આકાશ પથરાયેલું જોઈ રહી છે. થોડે દુર એક જુના મકાનની દીવાલ પર ઉગી નીકળેલા વડલા પર સુગરી પોતાનો માળો બનાવી રહી છે. જીવન ખાલી-ખાલી લાગી રહ્યું છે. કેમ? ગઈ કાલે મને જોબ માંથી ફાયર કરી દીધો. અત્યારે મને એકલા-એકલા હસવું આવી રહ્યું છે!
યુવાની. ભૂલો ભરેલી. ખબર છે…યુવાની એ ઉંમરની સ્થિતિ નથી, પણ માણસના જીવવાનો અંદાજ છે. યુવાન બળવાખોર હોવો જોઈએ, અને મધ જેવો મીઠો પણ! સમય આવ્યે તે લડવૈયો ઉભો થવો જોઈએ, અને કોઈવાર એક સ્ત્રીની જેમ હીબકા ભરીને રડી શકવો જોઈએ. થોડે મોટેથી રડી શકવો જોઈએ. યુવાન મોજીલો, રંગીલો, ખંતીલો હોવો જોઈએ. તે મહેનત કરે ત્યારે તે મહેનતનો પણ નશો ચડવો જોઈએ. તે જયારે પ્રેમ કરે ત્યારે સામાન્ય જીવનના નિયમો, જ્ઞાતિઓની સરહદો, રીવાજોના રજવાડાને તોડીને પ્રેમમાં પડવો જોઈએ. સમાજ સામે શાંત બળવો એટલે યુવાન. જુના રીવાજો, જૂની શિખામણો, જુના રસ્તાઓ અને જુના સફળતાના મોડેલોને દાટી દઈને એ પોતાની રીતે ક્રિયેટીવ, ઇનોવેટીવ રસ્તાઓ પેદા કરવો જોઈએ.
અત્યારે મારી સામે વાદળો ભર્યું આકાશ છે. થાય છે કે યુવાનીને આ ચોમાસાના વાદળો જેવો ભીનો ગડગડાટ હોવો જોઈએ, અને ઉનાળાના આભ જેવો સન્નાટો પણ. યુવાન આ વાદળોની જેમ આકાર બદલતો હોવો જોઈએ. વાદળોની જેમ તે ગરજતો, વરસતો, ભાગતો, બદલાતો, અને પરિવર્તનને પ્રેમ કરતો હોવો જોઈએ.
ખેર…મારી આંખો સામે અત્યારે પેલો સુગરીનો માળો ભાંગી ગયો. નીચે પડી ગયો. હવે તે પક્ષી નવો માળો ગુંથવા લાગ્યું છે. તે પક્ષી ફરી નવા ગીત ગાઈ રહ્યું છે. શીખી ગયું છે જીવનનો ઉત્સવ મનાવતા. યુવાન જીવનનો ઉત્સવ મનાવી શકવો જોઈએ. ગમે તે ભોગે. ગમે તે ભોગે તે આ સુગરીની જેમ શીખતો હોવો જોઈએ, અને નાની-નાની નિષ્ફળતાઓનો તેને આનંદ હોવો જોઈએ. આ સુગરીની જેમ યુવાન પેશનથી જીવવો જોઈએ. યુવાનને ખબર હોવી જોઈએ કે જે રીતે તે પોતાનો દિવસ પસાર કરશે એજ રીતે તે પોતાની જીંદગી પસાર કરી નાખવાનો છે. એ આખા દિવસમાં એટલું શીખે, જાણે, સમજે…કે સાંજે તેની પાસે એકસેલન્સ હોય. સફળતા પગમાં પડી હોય. યુવાનને સફળતાની તો ઠીક, પણ શીખવાની પડી હોય. પોતાને ગમતું કામ કરીને એ કામનો નશો પોતાની રગ-રગમાં ભરવાની ધૂન ચડી હોય. જો યુવાનને પોતાનું ગમતું કામ ખબર ન હોય તો તેને શોધતા આવડવું જોઈએ.
યુવાનને ખબર હોવી જોઈએ કે પોતાના હૃદયને ગમતી વસ્તુ-કામ શોધવાનો એક જ ઉપાય છે- હજાર કામ કરવા. દરેક કામ પુરા ખંત-ઊંડાણ-પરફેક્શનથી કરવું. ખુશ રહીને કરવું. દરેક કામમાં ઊંડે ઉતરતા તેને કોઈ કામનું ઊંડાણ એટલું ગમી જશે કે તે કામને તે પોતાના હૃદયના ઊંડાણમાં સંઘરીને મોજથી જીવતો થઇ જશે. ખેર…ગમતા કામની ખબર ન પડે તો પણ યુવાન ખુશ હોવો જોઈએ. ગમે તે ભોગે.
તમને ખબર છે…હજુ ત્રણ વરસ પહેલા જ હું ફ્રસ્ટ્રેટ-નિરાશ-રડતો યુવાન હતો. હા, યુવાન વારે-વારે નિરાશ થવો જોઈએ. પોતાની નિરાશાનો ખૂની પણ તે પોતે જ હોવો જોઈએ. ત્રણ વરસ પહેલા મને મારા દિલના અવાજને અનુસરતા આવડતું ન હતું. અંદર કશુંક કરવાની તમન્ના-સ્પાર્ક હતો, પણ દિશા ન હતી. મેં નવા-નવા કામ શરુ કર્યા. કોલેજના ટેક-ફેસ્ટ, કલ્ચરલ-ફેસ્ટમાં ભાગ લીધો. મ્યુઝીક, પેઈન્ટીંગ, ડાન્સિંગ, સ્ટેજ પર્ફોર્મન્સ બધું કર્યું. સ્પોર્ટ્સ, બુક્સ, અને મુવીઝ ઘસી માર્યા. ખુબ રખડ્યો. ન ગમતું છતાં મારા એન્જીનીયરીંગમાં ઊંડું નોલેજ મેળવ્યું. લાઈબ્રેરી જૂની કરી નાખી. નવા સવાલો, નવા જવાબો શોધ્યા. સાલું…ક્યાંયે મજા ન આવી! ફાઈનલી એક દિવસ સવારે હોસ્ટલની બાલ્કનીમાં બેસીને લખવા બેઠો. તેમાં જીવન દેખાયું. હૃદયમાં સ્પાર્ક થયો અને અંદરથી મૂંગો અવાજ આવ્યો- ‘આ કામ જોરદાર છે. મજા પડી ગઈ!’ બસ…દિલનો અવાજ સાંભળ્યો! જીવનનો નવો રસ્તો દેખાયો. યુવાન જીવન શોધતો ફરવો જોઈએ. એ માટે મરણીયા પ્રયત્નો કરતો હોવો જોઈએ. નાની-નાની સ્વીટ નિષ્ફળતાઓ ચાખતો હોવો જોઈએ. યુવાનનું પેટ ઠંડુ, અને છાતી ગરમ હોવા જોઈએ. અને હા…એ ગરમ છાતી અંદર એક હુંફાળું, મસ્તીખોર, ફ્લર્ટ કરી શકે એવી દિલ હોવું જોઈએ!
હા. કેમ નહી? યુવાન ફ્લર્ટ કરતો હોવો જોઈએ. બુઢા થઈને લાઈન મારવી થોડી શરમજનક દેખાશે! પ્રેમ કરતો બુઢો સારો દેખાય, પણ લાઈન મારતો બુઢો ખરાબ. પોતાનું ગમતું કામ શોધવામાં તેને દિલનો અવાજ ખબર ન હોય તો પણ ગમતી છોકરી/છોકરો શોધવામાં ખબર હોવી જોઈએ. પ્રેમની બાબતમાં યુવાની ફૂંકી-ફૂંકીને જીવનારી ન હોવી જોઈએ. યુવાની ફરી-ફરીને પ્રેમ કરી શકવી જોઈએ. યુવાનીને ખબર હોવી જોઈએ કે ઘણીવાર સમય આવ્યે પ્રેમ મરી જતો હોય છે, કારણકે તે ફરીથી જન્મી શકે. દોસ્તી અને ડાર્લિંગ મેં કહ્યું તેમ પેલા વાદળો જેવા જ રહેવાના.
ખેર…એક દિલની વાત કહું? યુવાનમાં બુદ્ધ અને રોમિયો બંને હોવા જોઈએ. યુવાનમાં ભગતસિંહ અને ગાંધી સાથે જીવવા જોઈએ. યુવાનમાં ચાણક્ય અને સરદાર પીગળેલા હોવા જોઈએ. તેની અંદર મધર-ટેરેસા અને હિટલર સમાયેલા હોવા જોઈએ. કવિ અંકિત ત્રિવેદી કહે છે તેમ યુવાનના રુંવાડે રામ અને શ્વાસમાં શ્યામ હોવા જોઈએ!
સામે વરસાદ ચાલુ થઇ ગયો. અરેરે…પેલી સુગરીનો બીજો અધુરો માળો પણ પડી ગયો! એ હારી નથી લાગતી. કદાચ યુવાન હશે. એ રડી રહી હોય એવું લાગે છે. ખેર…એ યુવાન છે…હારવું, રડવું, પડવું, ભાંગવું, પ્રેમ, આંસુ, મુસ્કાન, નિષ્ફળતા, ખુશીઓ, સંઘર્ષ, ઉડાન, મસ્તી, નિરાશા, દુઃખ, સપનાઓ, વાસ્તવ, બળવો, બળાપો, થું…આ બધું જ યુવાનીની ડેફિનેશન આપે છે. ગઈ કાલે હું હારી ગયો. મારે હવે આ પક્ષીની જેમ ફરી માળો બાંધવો પડશે. વધુ મજબુત. વધુ યુવાન.
[image error]
Filed under: Uncategorized Tagged: future, jitesh donga, life, motivation, Philosophy, Young, Young spirit
March 13, 2015
છાતી ઠોકીને કહું છું દોસ્ત…આ દુનિયાને બદલી શકાય છે.
સવારે રિક્ષામાંથી ઊતર્યો અને ઈયર-ફોન્સ ભરાવ્યા . પ્લેલિસ્ટ શફલ મોડ પર મૂકીને મારી મસ્તીમાં ચાલતો જતો હતો . સવારનો સમય હતો એટલે રોડની એકબાજુ 30-40 જેટલા લોકો ટોળે વળીને ઊભા હતા . એમના દીદાર અને અધીરાઈ જોઈને લાગતું હતું કે બધા મજૂર-વર્ગના છે , અને એમને કામ પર લઈ જવા આવતા છકડા કે એવા કોઈ વાહનની રાહ જોઈને ઊભા છે .
હું બધાંના ચહેરા જોઈ રહ્યો હતો, એમની જિંદગી કેવી હશે એની કલ્પના કરતો હતો . જે વાતો કરતા હતા એ બધાંના દાંત લાલાશ પડતા હતા , કેટલાક ત્યારે પણ ગલોફામાં ભરીને માવો કે મસાલો ચાવતા જ હતા . હું એમની બાજુમાંથી જ પસાર થયો , રોડ પર ઠેકઠેકાણે તાજી કે આગલા દિવસોની પાન-મસાલાની પિચકારીઓ દેખાતી હતી . કેટલો સરસ રોડ છે , એકદમ ચકચકાટ ! એને આ લોકોએ પિચકારીઓ મારી-મારીને રોડ ઓરિજનલ કયા કલરનો હતો એ જ ના ઓળખાય એવો બનાવી દીધો છે . મનમાં દેશની સંપત્તિનો દેશના જ નાસમજ લોકો કેવો કચરો કરી નાખે છે એનો અફસોસ થયો, અને વિચારો ચાલુ થયા :” કાશ આ લોકો થોડું ભણેલા હોત , તો એ આવું ના કરત . જે દેશની ચોથા ભાગની વસ્તી અશિક્ષિત છે , ત્યાં ગમ્મે એટલી સારી વસ્તુ બનાવીને આપો , એનો દુરુપયોગ થવાનો જ . આ લોકોને એવું તો શિખવાડવામાં જ નથી આવ્યું કે ભાઈ આ દેશની એટલે કે આપણાં સૌની સંપત્તિ છે , એને આ રીતે બગાડાય નહીં . જ્યાં સાંજે રોટલા-ભેગા થવાશે કે નહીં એ જ પ્રાણ-પ્રશ્ન હોય ત્યાં દેશ ને દેશભક્તિ ને રાષ્ટ્રીય સંપત્તિ ને એવું બધું શું સમજે એ લોકો ? કોણ સમજાવે ? કાશ એ થોડા શિક્ષિત હોત !”
બરાબર એ જ સમયે મારી વિચાર-શૃંખલાને તોડતી એક કાર પસાર થઈ . રાષ્ટ્રીય સંપત્તિ ગઈ તેલ પીવા , આ વ્યક્તિગત સંપત્તિ તો જો બૉસ !! શું લાગે યાર …!! મનોમન જ અડસટ્ટો વાગી ગ્યો કે આરામથી 30-40 લાખની તો હશે જ ! પવનને ચીરતી એ નીકળી અને હું તાત્કાલિક મોહી પડ્યો . કાર જસ્ટ થોડેક જ આગળ ગઈ હશે, અચાનક ઝડપથી એનો લેફ્ટ સાઇડનો ડોર થોડોક ઓપન થયો , એક માથું જરીક બહાર નીકળીને નમ્યું અને પચ્ચ કરીને પિચકારી મારી … ચાલુ ગાડીએ , રોડ પર જ !! મારા રૂંવે-રૂંવે આગ લાગેલી , હાથમાં રહેલો મોબાઈલ એના માથા પર છૂટ્ટો મારવાનું મન થઈ ગયું . પણ એક ગમાર ગધેડા માટે મારો મોંઘેરો ફોન થોડો બગાડાય ?
સળગતા દિમાગ સાથે એ જ એકદમ તાજજી પિચકારીની બાજુમાંથી પસાર થયો . રોડ પર એક લાલ-ચટ્ટાક ડાઘ પડી ગયેલો . પેલી હારબંધ પિચકારીઓની સરખામણીમાં મને આ એક ” શિક્ષિત પિચકારી ” વધુ વસમી લાગતી હતી . અજાણતાં જ મારી નજર પાછી વળી , પેલા ટોળા બાજુ , અને મન બોલી પડ્યું : ” એમાં તમારી કોઈ ભૂલ નથી ! ”
આજની_જ_સત્યઘટના.
———————–
મારા ફેસબુક વૈભવ અમીને આ પોસ્ટ મુકેલી. છેલ્લી લીટી ફરી વાંચો: ” એમાં તમારી કોઈ ભૂલ નથી ! ”
મતલબ: આખા દેશનો કેટલાયે વર્ષોનો ઘાણવો દાજેલો છે!
એની વે. સોલ્યુશન છે. આપણા દેશના,આખા વિશ્વના, અરે….આખી માનવજાતના દરેક પ્રોબ્લેમનું એક મસ્ત મજાનું, સાવ સહેલું સોલ્યુશન છે. એ સોલ્યુશન આજકાલ આપણે યુવાનોએ વાંચ્યા-જાણ્યા-સમજ્યા-પચાવ્યા વગર વખોડી-હસી નાખેલો બંદો આપી ગયો હતો. એ સોલ્યુશન કહું એ પહેલા બીજી સાચી ઘટના કહી દઉં:
હું મારી બાઈક લઈને વડોદરા ટ્રાફિકમાં જઈ રહ્યો હતો. મારી થોડે આગળ સાઠેક વરસનો માણસ બાઈક લઈને જઈ રહ્યો હતો. અચાનક તેને બિચારાને ચક્કર આવ્યા હશે, તેણે બાઈકનો કંટ્રોલ ગુમાવ્યો અને તે નીચે પડ્યો. તેને વધુ વાગ્યું નહી, પણ તેના હાથ-પગ ડામર સાથે ઘસાવાથી લોહી નીકળવા માંડ્યા. મેં મારી ગાડી ધીમી કરીને જોયું. કોઈ ઉભું ના રહ્યું. સૌ કોઈ ઉભા રહેવાનો વિચાર કરતા હતા, પરંતુ ખચકાઈને લીવર આપી દેતા હતા. મેં બાઈક રસ્તાની સાઈડમાં ઉભી રાખી, અને બાજુમાં દોડી ગયો. કાકાને બેઠા કર્યા. તેમના હાથ પર મારો રૂમાલ બાંધી દીધો. તરત જ મારી બાજુમાં એક બહેન સ્કુટી ઉભી રાખીને મને મદદ કરવા લાગ્યા. બે જ મિનીટમાં બીજી દસ બાઈક ઉભી રહી અને સૌ કોઈ મદદ કરવા લાગ્યા. એમ્યુલન્સ આવી. હું એમ્બ્યુલન્સમાં પેલા કાકા સાથે બેઠો. કાકાને હોસ્પીટલમાં સારવાર કરાવી હું પાંચ કલાક પછી મારી બાઈક લેવા રોડ પર આવ્યો. થોડા દિવસ પછી એ કાકાએ મને ચા પીવા બોલાવ્યો. અમે દોસ્ત બન્યા. મારી વાતો હંમેશા મોટી-મોટી અને દુનિયા બદલવાની હોય છે. એવી જ એક વાત પછી કાકાએ મને કહ્યું: તું આ લોકોને-દુનિયાને ક્યારેય બદલી નથી શકવાનો જીતું-બેટા!
હું મુસ્કુરાયો એમની સામે.
એમને પ્રૂફ જોઈતું હતું. મેં કહ્યું: ખબર છે અંકલ…તે દિવસે તમને મદદ માટે હું ઉભો રહ્યો, પછી માત્ર બે જ મિનીટમાં બીજા દસ લોકો દોડી આવેલા? ખરેખર તો તમારી હાલત જોનારા દરેકની અંદર દયાભાવ હતો, મદદની ખેવના હતી, પણ તમને ખબર છે મેં શું કર્યું? હું ઉભો રહ્યો. મારી અંદર પડેલા લાગણીના સમુદ્રમાં જે મોજું ઉદભવ્યું એ બીજા લોકોની અંદરના રણકાર કરતા મોટું હતું. બસ મેં દુનિયા ત્યારે જ બદલી નાખી…જયારે હું બદલાવ બન્યો, દુનિયા બદલી ગઈ. હું મદદ બન્યો, દુનિયા મદદ માટે આવી ગઈ. હું તમારી પીડાને રૂમાલ બાંધવા લાગ્યો, દુનિયા મને પોતાનો રૂમાલ આપવા લાગી. અંકલ…તે દિવસે હું ઉભો ના રહ્યો હોત તો દુનિયા અલગ હોત. તમારું લોહી થોડું વધારે નીકળ્યું હોત. બીજું કોઈ જરૂર ઉભું રહ્યું હોત, પણ અત્યારે થોડા માણસોની અંદર પડેલા લાગણીના મોજાઓને વધુ ઉછાળવાનું આત્મ-ગૌરવ મને મળ્યું છે. અંકલ ભલે તમે ના માનો…પણ હું આ વાત તમને કહું છું ત્યારે પણ હું દુનિયા બદલું છું. અને આ ક્ષણે હું દુનિયાને છાતી ઠોકીને કહી શકું છું કે- દોસ્ત…ફર્ક પડે છે. આ દુનિયાને તમારાથી બદલી શકાય છે. જખ મારીને દુનિયાને બદલવું પડે છે. બસ તમારા હૃદયમાં ખેવના હોવી જોઈએ. નાનકડો સારો બદલાવ લાવવાની ખેવના. અંકલ મેં તે દિવસે પેલા દસ માણસોને બીજાઓને મદદ કરતા કરી દીધા છે. ખબર છે?
—–
તમને ખબર છે…મારા એ શબ્દોએ એ માણસને બદલેલો. મને એ બદલાવ આજકાલ તેને મળીને દેખાય છે. મારા શબ્દો વાંચીને તમારા વાંચકોના હૃદયમાં રહેલા લાગણીના સમુદ્રને પણ મેં ઉછાળ્યો છે. થોડો બદલ્યો છે. મેં એકવાર કહેલું, ફરી કહું: અબજો વર્ષોથી અવિરત ચાલતી આ પૃથ્વીને તારા મરવાથી કશો ફરક પડવાનો નથી, પરંતુ તારા જીવવાથી ફરક પડે છે. તારા જીવવાના અંદાજથી ચોક્કસ તું કેટલાયે જીવનને અસર કરતો જઈશ. એટલે તારા દરેક લખણ-સત્કાર્ય-ભ્રષ્ટાચાર-કૌભાંડ-કોશિશો અને શબ્દો આ વિશ્વને થોડું બદલાવતા જતા હોય છે.
અને હા…પેલો મહાત્મા…આપણો જ ગાંધી…કહેતો કે Be the change you want to see in the world! ખુબ સાચો છે.
નવરો પડીશ એટલે ગાંધીએ આપેલી આ ચાવી વાપરતા શીખવતો જઈશ.
એક હિન્ટ આપું?
મારી દોસ્ત કહે છે તેમ- આપણા દેશમાં પાદીને ને પણ તમે મોટેથી એક્સક્યુઝમી બોલો…તો બીજે દિવસે બીજા દસ માણસો પાદીને એક્સક્યુઝમી બોલવા લાગે!! :)
[image error]
Filed under: Uncategorized Tagged: Articles, future, gujarati writing, jitesh donga, life, motivation, Philosophy, Sarcasm, World, Young spirit


