Jitesh Donga's Blog, page 7
April 14, 2016
અંતરવલોણું – Antarvalonu- A Story book by JiteshDonga.
This is a cover of my upcoming short-story book.:)
યાદ છે 2016 ની શરૂઆતમાં મેં કહેલું કે ‘વિશ્વમાનવ’ પછી મારી બીજી નવલકથા આવવામાં સમય લાગી જશે, અને તે પબ્લીશ થતા સુધીમાં 2017 પણ આવી જાય! પરંતુ વચ્ચે એક નાનકડી-હળવી-અને મીઠી મજાની વાર્તાઓ ભરેલી એક બુક આવશે.
તો એ બુક ટૂંક સમયમાં જ આવી રહી છે. હાલમાં તો પ્રિન્ટમાં છે, પણ આવશે એટલે કહીશ. WBG Publication તેને પબ્લીશ કરી રહ્યું છે.
આ બુક મને સ્પર્શેલી, અને મારા અંતરને વલોવી ગયેલી નાનકડી વાર્તાઓ અને લાઈફની ફિલોસોફીનું કલેક્શન છે. એથી જ એનું નામ ‘અંતર-વલોણું’ રાખ્યું છે.:) તમને સ્પર્શે તો મને કહેજો, નહીતર રૂપિયા પાછા માગી જજો
March 18, 2016
ફેસબુક નામે એક માસ્ક!
ફેસબુક!
મને ખુબ સીરીયસ લાગતા આ એક ઈશ્યુ પર મારા વાંચકો અને ‘ગાંડા ફોલોઅર્સ’ ને આ વાત કહેવી છે. મને અનુસરવાનું બંધ કરો!
હા…આજકાલથી નહી, પરંતુ ઘણા સમયથી હું જોઉં છું કે અમુક થોડી-ઘણી લાઈક્સ મેળવી શકતા લેખકો કે પછી પ્રસિદ્ધ થવાની બળતરામાં લોકોને ગમે તેવું લખ્યા કરતા માણસોની પ્રોફાઈલ/ટાઈમલાઈન જોઇને એવા કેટલાયે તરુણ/યુવાનો છે જે આ બધાને અનુસરવાનું ચાલુ કરે છે! મોટીવેટ થાય છે! મને કેટલા બધા યુવાનોના ફોન આવે છે. કહે છે: કે તમારા જીવનની સ્ટ્રગલવાળી પોસ્ટ કે તમારો મોટીવેશન વાળો લેખ વાંચીને મને નોકરી છોડી દેવાનું કે ભણવાનું છોડી દઈ તમારી જેમ ખુશીવાળી લાઈફ જીવવાનું મન થાય છે!
વોટ ધ ફક? ગાંડા થયા છો? પહેલા તો મૂળ વાત: ફેસબુકમાં દેખાતો માણસ રીયલ લાઈફમાં ‘મોટેભાગે’ મળીને ‘પૈસા પડી જાય’ એવો જ હોય છે. ફેસબુક એક માસ્ક છે. અહી ‘મોટાભાગના’ લાઈક્સ અને પ્રસિદ્ધિ પામેલા માણસો ખરેખર ‘લાઈક્સ’ માટે પોતાની કહાનીઓ અને વાતોને ‘ફિક્શન’ બનાવીને જોરશોરથી લખતા હોય છે. ‘સત્ય’ તે એકલો જાણે છે! સત્ય એ છે કે અહી મોટીવેશનના ફુવારાઓ છોડતા માણસો ખુદની જિંદગીઓમાં ખરે સમયે હારેલા હોય છે. કોમન-સેન્સ વાપરો તો ખબર પડશે કે તેમણે લાઈફમાં કશું ‘નક્કર’ ઉકાળ્યું હોતું જ નથી. (આ માણસોમાં હું પણ આવી ગયો) એમણે લખેલા શબ્દો ‘પોર્ન’ જેવા હોય છે (જે થોડીવાર ઉત્સાહિત કરી દેશે, અને પછી બધું જનુન ગાયબ!) મહેરબાની કરીને તેમની ‘પ્રભા’માં આવીને ખુદના હૃદયનો અવાજ સાંભળવાનું બંધ ન કરશો. મારો કિસ્સો કહું: મેં કોલેજમાં ચેતનભગત વાંચેલો, પછી એમ જનુન ચડ્યું કે અંગ્રેજીમાં લખીને એના જેવો પ્રસિદ્ધ લેખક બનું. એની એવી તે અસર થઇ કે હું ખુદ ‘કુલ’ દેખાવા ખાતર અંગ્રેજી બ્લોગ લખતો થયો, અને હું ના ચાલ્યો! ખુબ નિરાશ થયો. આવું જ જય વસાવડા અને બક્ષીને વાંચીને થયું. એમના શબ્દોના વિશ્વ આખો દિવસ મારા દિમાગમાં ઘર કરી રહેતા. (અલબત, એમણે કહેલી ફિલોસોફી ખોટી નથી હોતી, પરંતુ સત્ય એ છે કે મારે ‘જયભાઈ કે બક્ષી’ નથી બનવાનું. કોઈ એક અવાજથી મારી જીંદગી નક્કી નથી કરવાની. એમના શબ્દો મને જરૂર સફળતા પામવામાં મદદ કરે, પરંતુ ‘માત્ર’ એ કહે એ સાચું માનીને જીવનના ડિસીઝન ન લેવા એ મને ખબર જ નહી. મારી પહેલી બુકમાં પણ બક્ષીની અદાઓના પડઘા પડે છે! આતે કેવું જનુન! હજુ હમણાં સુધી હું મારી જાતને જય વસાવડા જેવી બનાવવા મથતો! આ ખોટું છે. ભલે એમના શબ્દો યોગ્ય રાહ દેખાડતા છતાં.)
સોલ્યુશન: મારી વિશ્વમાનવ વાંચીને સંજય છેલે કહેલું: ‘લોકલ ગુજરાતી અવાજને અનુસરતો નહી, ગ્લોબલ માણસ બનજે.’ એમની વાત સાચી હતી. આજે જ્યારે મને ઘણા અનુસરવા લાગ્યા છે ત્યારે એમને વહેલી તકે આ વાહિયાત ‘પ્રભા’ માંથી બહાર નીકળવાના રસ્તા કહી દઉં. કદાચ કોઈ ફેસબુક સેલીબ્રીટી જેવા દેખાતા જીતેશ કે જય કે કોઈ પણ બીજા વ્યક્તિના ‘જેવા’ બનવાના ચક્કર માંથી બહાર આવે.
૧) ફેસબુક-વોટ્સએપના મોટીવેશનથી દુર રહો પ્લીઝ. ફેસબુકનો વધુ ઉપયોગ નિરાશા આપશે. જીવન ‘ખાલી’ લાગશે, અને ખુદ પાછળ રહી ગયાનો પરપોટો પેદા થશે. (આ બધાને લીધે પછી તમે કોઈ પ્રખ્યાત માણસની પોસ્ટ્સને આંધળા બની ‘ફોલો’ કરશો. મરશો.)
૨) નવરા પડ્યે ખુબ વાંચો. ગ્લોબલ લિટરેચર વાંચો. માત્ર ગુજરાતી લેખકો નહી, જગતભરના વિચારો વાંચો. ખાસ તો- નોવેલ્સ વાંચો. કાલ્પનિક દુનિયા તમને તમારી પોતાની જાત શોધતા શીખવશે. કહાનીઓ તમને બીજી હજાર જીંદગીના અનુભવ દેશે. એ અનુભવ તમને પોતાની જાતને ખોદીને શોધવામાં મદદ કરશે (ફેસબુક પર વેંચાતું મોટીવેશન નહી કરે. ક્યારેય નહી.) કોઈએ ન વાચ્યું હોય એવું શોધી-શોધીને વાંચો. (જાપાનીઝ લેખક હારુકી મુરાકામીનું ક્વોટ છે: ‘જો બધા વાંચે છે એવું જ તમે વાંચશો, તો તમે બધા જેવા જ બની જશો!’ )
૩) ભલા માણસ…મને અમુક ફોન એવા આવે છે કે “તમે કોલેજ પછી 12 નોકરીઓ છોડી દીધી અને પછી ફૂલટાઈમ લેખક બની ગયા, હવે તો ખુશીની લાઈફ હશે ને?” લો બોલો. વળી આ અનુયાયીઓને પોતાની નોકરી પણ છોડવી છે! સાહેબ…12 નોકરી છોડતી વખતે જીતેશ દોંગાની શું હાલત હતી એ ખબર છે? ખિસ્સામાં રૂપિયો ન હોય ત્યારે ક્રિયેટીવીટી મરી જાય, મોટીવેશનના પુસ્તકો કામ ન આવે, બક્ષી યાદ ન આવે. આવા સમયે મદદ કરે ખુદની ‘બાઉન્સ બેક’ થવાની તાકાત. આ તાકાત કેમ લાવવી? ખુદની અંદર જવાબો શોધીને. સતત પોતાની જાત સાથે વાત કરીને. પરીસ્થિતી પ્રમાણે બુદ્ધિ અને શાણપણ વાપરીને. જગતને જાણ્યું હોય તો આ હાલતમાં માત્ર તમારા માટે કઈ ફિલોસોફી યોગ્ય છે એ તમારું હૃદય જ બોલશે. કોઈ જીતેશ દોંગાના જીવનથી લીધેલું ઇન્સ્પીરેશન કામ નહી આવે.
૪) ફેસબુકમાં કોઈ પોતાની નિષ્ફળતાઓ નહી લખે, તમને મારી સફળતા દેખાશે, મારા આંસુ નહી. એટલે મારી પોસ્ટ કે વાતને આંધળા બનીને અનુસરતા પહેલા યાદ રહે: માણસનું સ્ટ્રગલ ખુબ લાંબા સમયની પ્રોસેસ હોય છે, એને જ્યારે એ ૨૦ લીટીના લેખમાં લખે ત્યારે અંધારા નહી જ દેખાય, અજવાળામાં તમે અંજાઈ જશો. યોગ્ય વાત એ છે: કોઈ કશું શેર કરે તે સારું હોય તો બિરદાવો, પણ ફેન ના બનો. રીયલ બુક્સ વાંચો. ખુબ વાંચો. ખુદના રસ્તા ખુદ બનો. ખુદના પાયોનીયર ખુદ બનો. તમારા સવાલ પેદા થયો તે બધી જ ઘટનાઓ સમયે સાક્ષી તમે જ હતા તો જવાબ તમને ખબર જ હોય. જાતને સમજો.
૫) અહી જેટલા માણસોના હજારો લાઈક્સ ભરેલા પેજ/પ્રોફાઈલ દેખાય છે એ હજારો કલાકોની મહેનત કરીને કમાયા છે. થોડી-થોડી વારે પોતે મુકેલી પોસ્ટની લાઈક્સ અને કોમેન્ટ્સ જોવા આવતા નથી, કામ કરે છે. ક્ષણને જીવે છે. અને કડવું સત્ય એ છે કે આવા હજારો-લાખો લાઈક્સ વાળા જગતની વસ્તીના 0.5% જ છે, અડધોઅડધ વસ્તીને તો FB શું એ ખબર પણ નથી, એટલે બીજાની ચહેરા પહેરેલી જિંદગીઓ જોઇને ફસાવા કરતા ‘સર જુકાઓ, કામ કરો.’ અને મોજથી બધું શેર કરો, પણ મોજ-ખાતર જ. સીરીયસ બનીને કોઈના ભક્તના બનવું.
કડવું સત્ય: આ ઈંટરનેટ જ્ઞાનનો અખૂટ ભંડારો છે, અને માણસ આને ખોલીને ફેસબુક કે વોટ્સએપમાં મથતા રહીને સપાટી પર તરતો રહે છે. આમાં જ અડધો દિવસ (i.e) અડધી લાઈફ બગડી નાખે છે. અહી માણસ પોતાના ફોટાને પણ પાંચ વાર એડિટ કરીને મુકે છે તો પોતાની વાતોને કેટલીવાર એડિટ કરતો હશે? વિચારો.
Filed under: Life, Reading books, Truth Tagged: Facebook, jitesh donga, motivational stories, Vishwamanav, Writers on facebook
March 12, 2016
ઠંડુ માંસ.
(આ કહાની શાંતિથી વાંચવી. જીવ પકડીને બેસવું, અને છાતી-દિમાગ પહોળા રાખીને પચાવવી.)
————————————————————-
ઈશ્વરસિંહ જેવો હોટેલના રૂમમાં દાખલ થયો, કુલવંત કૌર પલંગ પરથી ઉભી થઇ. પોતાની ધારદાર આંખોથી તેણે તેની તરફ જોયું અને દરવાજાની સાંકળ અંદરથી બંધ કરી દીધી. રાતના બાર વાગી ચુક્યા હતા. શહેરનું વાતાવરણ કોઈ અજીબ રહસ્યમય ખામોશીમાં ડૂબી ગયેલું હતું.
કુલવંત કૌર પોતાના પલંગમાં પલાઠી વાળીને બેસી ગઈ. ઈશ્વરસિંહ હાથમાં પોતાની કિરપાણ લઈને વિચારોમાં ડૂબેલો ખુણામાં ઉભો હતો. આવી જ રીતે થોડી ક્ષણો ખામોશીમાં જ વીતી ગઈ. કુલવંતને થોડીવાર પછી પોતાનું આસન પસંદ ન આવ્યું એટલે એણે પોતાની બંને ટાંગ પલંગની નીચે લટકાવીને હલાવવાનું ચાલુ કર્યું. તો પણ ઈશ્વરસિંહ કશું બોલ્યો નહી.
કુલવંત લોહી ભરેલા માંસલ હાથ-પગ વાળી છોકરી હતી. પહોળા ગોળ કુલા માંસથી ભરપુર હતા. એની છાતી કઈક વધારે જ ઉપર ઉઠેલી હતી. તેજ આંખો, ઉપરના હોંઠ પર આછી લાલી, અને શરીરના વળાંકો પરથી ખબર પડે તેમ હતી કે તે કોઈ મોટા ઘરની છોકરી હતી.
ઈશ્વરસિંહ માથું નીચું કરીને એક ખૂણામાં ઉભો હતો. એના માથા પર કસીને બાંધેલી પાઘડી ઢીલી થઇ ગઈ હતી. એણે હાથમાં જે કિરપાણ પકડેલી હતી એમાં થોડી ધ્રુજારી હતી. એના આકાર અને બાંધા પરથી ખબર પડી જાય કે કુલવંત જેવી છોકરી માટે એ બરાબરનો મરદ હતો.
અમુક ક્ષણ આ રીતે જ વીતી ગઈ, કુલવંત થોડી ચિડાઈ ગઈ. પોતાની ધારદાર આંખોને નચાવીને એ એટલું જ બોલી: “ઈશ્વરીયા…”
ઈશ્વરસિંહે ગરદન ઉઠાવીને કુલવંત કૌરની તરફ જોયું, પરંતુ કુલવંતની બાહો સામે એકવાર જોઇને એ બીજી દિશામાં જોઈ ગયો.
કુલવંતે રાડ નાખી: “ઈશ્વરસિંહ…” પરંતુ તરત જ ચુપ થઇ ગઈ, પલંગ પરથી ઉઠી અને તેની તરફ ઉભી થઈને બોલી: “આટલા દિવસ સુધી તું ક્યાં ગાયબ હતો?”
ઈશ્વરસિંહે પોતાના સુકાઈ ગયેલા હોંઠો પર જીભ ફેરવી, “મને ખબર નથી.”
કુલવંત ફરી ચિડાઈ: “આતે કઈ જવાબ છે તારો?”
ઈશ્વરસિંહે પોતાની કિરપાણ એક તરફ ફેંકી દીધી, અને બેડ પર જઈને સુઈ ગયો. એવું લાગી રહ્યું હતું કે તે ઘણા દિવસોથી બીમાર હતો. કુલવંત કૌરે ઈશ્વરસિંહ સામે જોયું અને તેના પર તેને હમદર્દીની ભાવના પેદા થઇ.
બાજુમાં બેસીને ઈશ્વરના માથા પર હાથ રાખીને તેણે પ્રેમથી પૂછ્યું: “જાનું, શું થયું તને?”
ઈશ્વરસિંહ છત તરફ જોઈ રહ્યો હતો. તેની આંખો તેણે ત્યાંથી હટાવીને કુલવંતના ચહેરા તરફ રાખી, “કુલવંત…” તે બોલ્યો.
અવાજમાં દર્દ હતું. કુલવંત પોતાના હોઠને દાંત વચ્ચે દબાવતી બોલી, “હા જાનું.”
ઈશ્વરસિંહે પોતાની પાઘડી ઉતારી. કુલવંતની તરફ જોયું. તેના માંસલ કુલા ઉપર જોરથી થપાટ મારી અને પોતાનું માથું હલાવીને પોતાની જાતને જ કહ્યું, “આ છોકરીનું દિમાગ જ ખરાબ છે.”
માથું હલાવવાથી તેના વાળ ખુલી ગયા. કુલવંત પોતાની આંગળીઓ ઈશ્વરના વાળમાં ફેરવવા લાગી. આમ કરતા કરતા તેણે ખુબ પ્રેમથી પૂછ્યું, “ઈશ્વરસાહેબ, ક્યાં રહી ગયા હતા આટલા દિવસ?”
“મારા દુશ્મનની માં ના ઘરે.” ઈશ્વરસિંહે કુલવંતને ધુરીને જોયું અને તરત જ પોતાના બંને હાથોથી તેની ઉભરતી છાતીને મસળવા લાગ્યો- “કસમ વાહે ગુરૂકી કુલવંત…તું ભારે જાનદાર ઔરત છે.”
કુલવંત કૌરે પોતાની અદાથી ઈશ્વરસિંહનો હાથ એક તરફ કરી નાખ્યો અને પૂછ્યું, “તને મારા સમ, બતાવ તું ક્યાં રહ્યો? શહેરમાં ગયો હતો?”
ઈશ્વરસિંહે એક ઝાટકે પોતાના વાળને પકડીને બાંધતા જવાબ આપ્યો, “નહી.”
કુલવંત ફરીથી ચિડાઈ ગઈ, “નહી, તું શહેરમાં જ ગયો હતો, અને તે ખુબ બધા રૂપિયા લૂટ્યા છે, જે તું મારાથી છુપાવી રહ્યો છે.”
“જે તારી સાથે ખોટું બોલે એ ખુદના બાપની ઔલાદ ન હોય કુલવંત.”
કુલવંત થોડી ક્ષણો માટે ચુપ થઇ ગઈ, પરંતુ ફરીથી ભડકી ઉઠી, “પરંતુ મારી સમજમાં એ નથી આવતું કે એ રાત્રે તને થયું શું? આરામથી તું મારી સાથે સુતો હતો. તું શહેરથી લુંટીને લાવેલો એ બધા જ ઘરેણા તે મને પહેરાવીને રાખ્યા હતા. મને ચુંબન કરી રહ્યો હતો, અને અચાનક તને શું થયું કે તું ઉઠ્યો, કપડા પહેર્યા, અને બહાર નીકળી ગયો.”
ઈશ્વરસિંહનો ચહેરો ઝાંખો પડી ગયો. કુલવંતે આ જોયું અને તરત જ કહ્યું, “જોયું, તારો ચહેરો કેવો ઝાંખો પડી ગયો ઈશ્વરીયા, કસમ વાહે ગુરૂકી…દાળમાં જરૂર કશુંક કાળું છે.”
“તારા જીવના સોગંદ, કશું જ નથી.”
ઈશ્વરસિંહનો અવાજ નિર્જીવ હતો. કુલવંતની શંકા વધુ મજબુત થઇ. પોતાના ઉપલા હોંઠ ભીંસીને તેણે એક-એક શબ્દ પર ભાર દઈને જોરથી કહ્યું,”ઈશ્વરસિંહ, શું વાત છે? તું એવો મરદ નથી દેખાતો જેવો તું આજથી આઠ દિવસ પહેલા હતો.”
જાણે કોઈએ એના ઉપર હુમલો કર્યો હોય એમ ઈશ્વરસિંહ એકદમ બેઠો થયો, અને કુલવંતને પોતાના મજબુત હાથોમાં સમેટીને પોતાની પૂરી તાકાતથી હલાવવાનું શરુ કર્યું, “જાનું, હું એનો એ જ છું, તને આખી ચૂસીને તારી હાડકાની ગરમી કાઢી નાખનારો.”
કુલવંત કૌરે કશું કર્યું નહી, પરતું તે ફરિયાદ કરતી રહી, “તને એ રાત્રે શું થઇ ગયું હતું?”
“મને કશું નહોતું થયું.”
“કહીશ નહી?”
“કોઈ વાત હોય તો કહું ને.”
“જો ખોટું બોલ્યો તો મને તારા હાથોથી સળગાવી દેજે.”
ઈશ્વરસિંહે પોતાના હાથ કુલવંતના ગળાની બને બાજુ મુક્યા, અને તેના હોઠ પર પોતાના હોઠ ચિપકાવી દીધા. કુલવંત ઈશ્વરના ઝભાના બટન ખોલવા લાગી. ઈશ્વરસિંહે પોતાનો ઝભો કાઢ્યો, અને કુલવંતને વાસનાભરી નજરથી જોતો કહેવા લાગ્યો, “આવ જાનું, આજે તો તાશની બાજી થઇ જાય.”
કુલવંતના ઉપરના હોઠ પર પરસેવાની બુંદો ફૂટી નીકળી. એક અદા સાથે એણે પોતાની આંખો ઘુમાવી અને કહ્યું, “ચલ નીકળ અહીંથી.”
ઈશ્વરસિંહે એના ભર્યા-ભર્યા કુલા ઉપર જોરથી ચીમટો ભર્યો. કુલવંતને દુખ્યું એટલે એક તરફ ખસી ગઈ, “એવું ન કર ઈશ્વરીયા, મને દર્દ થાય છે.”
ઈશ્વરસિંહે આગળ વધીને કુલવંતના ઉપરના હોંઠ પોતાના દાંત નીચે દબાવી દીધા અને ચૂસવા લાગ્યો. અને કુલવંત કૌર એકદમ પીગળી ગઈ. ઈશ્વરસિંહે પોતાનો લેંઘો ઉતારીને ફેંકી દીધો અને કહ્યું, “તો પછી થઇ જાય એક બાજી.”
કુલવંત કૌરના ઉપરના હોઠ ધ્રુજવા લાગ્યા. અને જે રીતે બકરાની ખાલ ઉતરતી હોય એમ ઈશ્વરસિંહે કુલવંતની કમીઝનો છેડો પકડીને ઉતારીને એક બાજુ મૂકી દીધું. પછી એણે ફરીને કુલવંતના નગ્ન શરીરને જોયું, અને તેની કમર ઉપર જોરથી ચીમટો ભરતા કહ્યું, “કુલવંત, કસમ વાહે ગુરૂકી, જબરી માદક ઔરત છે તું.”
કુલવંત પોતાની કમર પર ચિમટાના ઉભરતા ડાઘને જોવા લાગી, “જબરો ઝાલીમ છે તું ઈશ્વરીયા.”
ઈશ્વરસિંહ પોતાની કાળી મૂછોમાં મલકાયો, “થવા દે આજે ઝાલીમ.” અને એટલું કહીને એને વધુ ઝુલ્મ કરવાનું શરુ કર્યું. કુલવંત કૌરના હોઠને ચૂસવા લાગ્યો, કાનની બુટીને બટકું ભર્યું, તેના ઉભરતા સ્તનોને ચોળવા લાગ્યો, અને એના માંસલ કુલાઓ ઉપર મોટા અવાજ પેદા કરતી થાપટ મારી, તેના ગાલ પર બચકા ભર્યા, અને એની છાતીને ચૂસી-ચૂસીને થુંકથી ભીની કરી દીધી. કોઈ આગ ઉપર ચઢાવેલી પાણીની હાંડીની જેમ કુલવંત કૌર જાણે ઉભરાવા લાગી. પરંતુ આ તમામ હરકતો છતાં ઈશ્વરસિંહ પોતાની અંદર આગ પેદા ન કરી શક્યો. જેટલા દાવ એને યાદ હતા, એ બધા જ દાવ એણે કોઈ પહેલવાનની જેમ વાપરવાના શરુ કર્યા પરંતુ કશું સફળ ન થયું. કુલવંત કૌરના શરીરના તાર ખેંચાઈને થાકી ગયા, અને બિનજરૂરી છેડછાડથી કંટાળીને તેણે કહ્યું, “ઈશ્વરીયા, બાંટ ખુબ મારી, હવે પતા ફેંક, મારાથી નથી રહેવાતું.”
આ સાંભળીને જ ઈશ્વરના હાથની પતાની થપ્પી જાણે નીચે પડી ગઈ, અને તે કુલવંતની બાજુમાં સુઈ ગયો અને એના માથા પર પરસેવો વળી ગયો.
કુલવંત કૌરે એને ગરમ કરવાની ઉપસાવવાની ખુબ કોશિશ કરી, પરંતુ નાકામ રહી. અત્યાર સુધી તો બધું બોલ્યા વિના પણ થઇ જતું હતું, પરંતુ જ્યારે કુલવંતના અંગો સામે ઈશ્વરસિંહનું અંગ ઢીલું દેખાયું ત્યારે એ ઝટકા સાથે પલંગ પરથી ઉભી થઇ નીચે ઉતરી ગઈ. સામેની ખીંટી પર એક ચાદર લટકતી હતી તે ખેંચીને ઝડપથી ઓઢી લીધી, અને પોતાના નસકોરા ફુલાવીને ધૃણા સાથે પૂછ્યું, “ઈશ્વરીયા, એ કઈ હરામજાદી ઔરત છે જેની પાસે તું આટલા દિવસ રહીને આવ્યો છે, અને તને એણે નીચોવી નાખ્યો છે?”
કુલવંત ગુસ્સામાં ઉકાળવા લાગી, “હું પૂછું છું કોણ છે એ રાંડ, કોણ છે એ પતા ચોરનારી?”
ઈશ્વરસિંહે થાકેલા અવાજમાં કહ્યું, “કોઈ નથી કુલવંત, કોઈ પણ નથી.”
કુલવંત કૌરે પોતાના ઉભરાયેલા કુલાઓ ઉપર હાથ રાખીને પૂરી દૃઢતા સાથે કહ્યું- “ઈશ્વરીયા, આજે હું સાચું ખોટું જાણીને જ રહીશ, તને વાહે ગુરુજીની સોગંદ: તારી બાજુમાં કોઈ ઔરત સુતી હતી?”
ઈશ્વરસિંહે કશુંક કહેવાની કોશિશ કરી, પરંતુ કુલવંતે મંજુરી ન આપી,
“સોગંદ ખાવા પહેલા વિચારી લે જે હું પણ સરદાર નિહાલસિંગની દીકરી છું, ટુકડા કરી નાખીશ જો ખોટું બોલ્યો તો. હવે ખા વાહે ગુરુજીની સોગંદ કે તારી પાસે કોઈ ઔરત સુતી હતી?”
ઈશ્વરસિંહે ખુબ દુખ સાથે માથું હલાવીને હા કહી. કુલવંત કૌર તો ગાંડા જેવી થઇ ગઈ. દોડીને તેણે ખૂણામાં પડેલી કિરપાણ ઉઠાવી. કિરપાણનું મ્યાન ખેંચીને એક તરફ ફેંક્યું, અને ઈશ્વરસિંહ ઉપર હુમલો કરી દીધો.
થોડી જ વારમાં લોહીના ફુવારા ઊડ્યા. કુલવંતને એનાથી પણ સંતોષ ન થયો તો એણે ઈશ્વરસિંહના ખુલ્લા વાળ ખેંચવાનું શરુ કર્યું. સાથે-સાથે પોતે ગુસ્સામાં ધ્રુજતી-ધ્રુજતી ગાળો દેવા લાગી. ઈશ્વરસિંહે થોડીવાર પછી પોતાના નબળા અવાજમાં વિનંતી કરી, “જવા દે હવે કુલવંત, જવાદે.”
અવાજમાં ખુબ દર્દ હતું. કુલવંત પાછળ હટી ગઈ.
લોહી ઈશ્વરસિંહના ગળા પરથી ઉડી-ઉડીને એની મૂંછો પર પડી રહ્યું હતું. એણે પોતાના ધ્રુજતા હોંઠ ખોલ્યા અને કુલવંત કૌરની તરફ આભાર અને ફરિયાદની ભેગી નજરથી જોયું.
“મારી જાન, તે ખુબ ઉતાવળ કરી નાખી, પરંતુ જે થયું તે ઠીક થયું.”
કુલવંતની ઈર્ષ્યા વધુ ભડકી, “પણ કોણ છે એ ઔરત? તારી માં?”
લોહી ઈશ્વરસિંહની જીભ સુધી પહોંચી ગયું, અને તેણે જ્યારે એનો સ્વાદ ચાખ્યો ત્યારે એના શરીરમાં જાણે વીજળીનો ઝટકો પડ્યો.
“…અને હું…પણ છ આદમીઓના ખૂન કરી ચુક્યો છું આ કિરપાણથી.”
કુલવંતના દિમાગમાં બીજી ઔરત હતી, “હું પૂછું છું કોણ છે એ હરામજાદી ઔરત?”
ઈશ્વરસિંહની આંખો ધૂંધળી પડી રહી હતી. એક હળવો ચમકારો એ આંખોમાં પેદા થયો અને કુલવંત કૌરને તેણે કહ્યું, “એ ઔરતને ગાળ ના દઈશ.”
કુલવંત હવે રાડ નાખવા લાગી, “હું પૂછું છું કોણ છે એ?”
ઈશ્વરના ગળામાં અવાજ બેસી ગયો. “કહું છું.” કહીને એણે પોતાની ડોક પર હાથ ફેરવ્યો, અને પોતાનું વહી જતું ખૂન આંગળીઓ ઉપર લઈને હસ્યો, “માણસની જાત પણ અજીબ ચીજ છે.”
કુલવંતને જવાબની રાહ હતી, “ઈશ્વરીયા, તું મુદાની વાત કર.”
ઈશ્વરસિંહની મુસ્કુરાહટ તેની લોહી ભીની મૂછો પર વધુ ફેલાઈ, “મુદાની જ વાત કરું છું. ગળું ચિરાયું છે મારું, હવે તો ધીમે ધીમે જ બધી વાત કરીશ.”
અને એ જ્યારે બતાવવા લાગ્યો ત્યારે એના કપાળ પર ઠંડા પરસેવાના ટીપા બાઝવા લાગ્યા. “કુલવંત, મારી જાન- હું તને નથી બતાવી શકતો કે મારી સાથે શું થયું. માણસની ભૂખ પણ અજીબ ચીજ છે. શહેરમાં લુંટ ફેલાઈ તો બધાની જેમ મેં પણ ભાગ લીધો. ઘરેણા, પૈસા, મિલકત જે કઈ પણ હાથ લાગ્યું એ બધું જ મેં તને આપી દીધું, પરંતુ મેં તને એક વાત ન કહી?”
ઈશ્વરસિંહે ઘા ની અંદર દર્દ મહેસુસ કર્યું, અને કરહવા લાગ્યો. કુલવંત કૌરે એના તરફ દયા પણ ન ખાધી અને બેરહમીથી પૂછ્યું, “કઈ વાત?”
ઈશ્વરસિંહે મૂછો પર જામી ગયેલા લોહીના ટીપા ઉડાડતા કહ્યું, “જે મકાન પર…મેં હુમલો કરેલો હતો…એમાં સાત…એમાં સાત આદમી હતા. છ મેં મારી નાખ્યા…આ જ કિરપાણથી, જેનાથી તે મને….છોડ એ બધું…સાંભળ…એક છોકરી હતી, ખુબ જ સુદર, એને જીવતી ઉઠાવીને હું મારી સાથે લાવ્યો.”
કુલવંત ચુપચાપ સાંભળતી રહી. ઈશ્વરસિંહે એકવાર ફરી ફૂંક મારીને મૂછો પરનું લોહી ઉડાડ્યું- “કુલવંત જાન…હું તને શું કહું, કેટલી સુંદર હતી એ છોકરી. હું એને પણ મારી નાખતો, પણ મેં વિચાર્યું- કે ના ઈશ્વરીયા…કુલવંત સાથે તો રોજે મજા માણે છે, આજે આ મીઠાઈ પણ ચાખીને જો.”
કુલવંત કૌરે માત્ર કહેવા ખાતર કહ્યું, “હં…”
“અને હું એને ખભા પર નાખીને ચાલવા લાગ્યો…રસ્તામાં…હું શું કહી રહ્યો હતો?…હા…રસ્તામાં…નહેરની પાસે…રસ્તાથી દુર…બાવળની ઝાડીમાં…એ ઝાડીમાં મેં એને સુવડાવી દીધી…પહેલા વિચાર્યું કે બધું કરી નાખું…પણ પછી ખબર પડી કે નહી…કે… ” આ કહેતા-કહેતા ઈશ્વરસિંહની જીભ સુકાઈ ગઈ.
કુલવંતે ગુસ્સામાં દિવાલ પર થુંક્યુ અને પૂછ્યું, “પછી શું થયું?”
ઈશ્વરસિંહના જડબા માંથી મુશકેલીથી આ શબ્દો નીકળ્યા, “મેં…મેં પછી…પછી બાજી રમી…પણ…પણ…”
એનો અવાજ ડૂબી ગયો.
કુલવંત કૌરે એને ઢંઢોળીને પૂછ્યું, “પછી શું થયું?”
ઈશ્વરસિંહે પોતાની બંધ થતી આંખો ખોલી અને કુલવંત કૌરના ગુસ્સામાં ધ્રુજતા શરીરની સામે જોયું અને કહ્યું, “એ…એ…મરી ગઈ હતી…લાશ હતી…એકદમ ઠંડુ માંસ…જાનું, મને તારો હાથ દે..”
કુલવંત કૌરે પોતાનો હાથ ઈશ્વરસિંહના હાથ પર રાખ્યો જે બરફથી પણ ઠંડો હતો.
(સઆદત હસન મંટોની ઉર્દુમાં લખેલી મને અતિ-અદભુત લાગતી સ્ટોરી ‘ठंडा गोश्त’ નો મેં અનુવાદ કરીને લખ્યો છે. કદાચ ઘણા માણસોથી સહન ન થાય એવી આ કહાનીને વાંચીને અલગ જ અનુભવ થયેલો. એવો જ અનુભવ અનુવાદ કરતા સમયે થયો. અનુવાદ કર્યા પછી જાણે મંટો નામની વીજળી ભરખી ગઈ હોય એવું લાગ્યું. હૃદયમાં વંટોળ પેદા થયેલો. માણસ-મનની માયાજાળમાં ફસાઈને શું કરતુ હોય છે એનો અહેસાસ આ કહાની કરાવતી ગઈ. )
આભાર મંટો. તું સાચું કહેતો: સઆદત કદાચ મરી જશે, મંટો અમર છે.
(કહાની ગમી હોય તો શેર કરજો.) :)
Filed under: Uncategorized
March 6, 2016
એક ઔર સપનું સાકાર!
So really great-great news is that I am hired by ‘Pratilipi’ as an ‘Author’s Co-ordination Manager’ & I am going to Bangalore for this Job. (Pratilipi એ કદાચ ભારતનું સૌથી ઝડપી વિકસતું અને સૌથી શ્રેષ્ઠ કન્ટેન્ટ ધરાવતું સેલ્ફ પબ્લીશીંગ અને રીડીંગનું પ્લેટફોર્મ છે.)
મારા માટે આ સપનું સાકાર થવાની વાત છે. પહેલીવાર હું એન્જીનીયર તરીકે નહી પરંતુ લેખક તરીકે હાયર થઇ રહ્યો છું, અને આખા દેશના અલગ-અલગ ભાષાના યુવાન લેખકો સાથે કામ કરવાનો મોકો મળી રહ્યો છે.
મને પ્રાઉડ છે કે હજુ તો એક જ પુસ્તક લખીને બેઠેલા અને ખરેખર તો લેખક પણ ન કહેવાય એવા આ જવાનીયા પર પ્રતિલીપીના મેનેજમેન્ટે કાબેલિયત જોઈ છે. :) પ્રતિલીપીના પ્લેટફોર્મ પર ગુજરાતી-મરાઠી-તામિલ અને બીજી કેટલીયે ભાષાના હજારો લેખકો છે. લાખો વાંચકો છે. મારે એ બધા લેખકોના કો-ઓર્ડીનેટર તરીકે ઘણું બધું કામ કરવાનું છે. હા…ત્યાં લેખક બનીને લખવાનું નથી, પરંતુ લેખકો સાથે કામ કરવાનું છે.
મારે માટે સૌથી મોટી ખુશી એ છે કે મને કંપની દ્વારા એન્જીનીરીંગમાં ક્યારેય સપનેય ન વિચારેલી એવી સેલેરી એક લેખક તરીકે મળી રહી છે! મારી લાઈફમાં પહેલીવાર મારા માં-બાપ આખા ગામને અભિમાન સાથે કહી શકે એવું કશુંક સિદ્ધ કર્યું છે.
અત્યારે હું ઉંમરના એવા મોડ પર છું જ્યાંથી આઠ મહિના પહેલા જ મેં નક્કી કરી લીધું હતું કે માત્ર મારા દિલને ગમતું હોય એવું જ કામ કરવું. મારા ‘માંહ્યલા’ ને જે સુઝે એમ જ જીવવું, અને એક પણ ‘અફસોસ’ની ક્ષણ જીવવી નહી. Life with No regrets. એન્જિનીયરીંગને લગતી દસ-બાર નોકરીઓ છોડ્યા પછી આઠ મહિના પહેલા એક દિવસ નક્કી કરી લીધેલું કે હવે બસ લખવું જ છે. છતાં લેખક તરીકે મને સૌથી મોટો ડર કમાણીનો જ હતો. આજે એ ડર નથી. પોતાના Conscious ને અનુભવીને જીવનારા અને કાળી મહેનત કરનારાઓ ને ઉપરવાળો બંદો રસ્તાઓ દેખાડી દેતો હોય છે. :)
ખેર…ચાર દિવસ પછી આ 25મી ફેબ્રુઆરીએ ગુજરાત છોડવું પડશે. હું લાંબા સમય માટે બેંગ્લોર જઈ રહ્યો છું. અહી ઘણુબધું છોડવું પડે એમ છે: દોસ્તો, વાંચકો, સગાઓ, અને સૌથી ભારે હૃદયે છોડવા પડશે: માં-બાપ. એ બંને ગામડે એકલા છે. પરંતુ એમને પણ પ્રાઉડ છે કે દીકરો કશુંક ‘ઉકાળી’ રહ્યો છે. :)
નવું શહેર. નવા લોકો. નવી દુનિયા. :) મને નવા માણસોને મળવું ખુબ ગમે છે. એમની કહાનીઓ સાંભળવી ગમે છે. એમને દોસ્ત બનાવવા ગમે છે. બેંગ્લોરમાં દિવસે Flipkart ના હેડ-ક્વાટર્સ પાસે જ આવેલા Pratilipi ના હેડક્વાર્ટર પર જોબ કરવાની છે, અને રાત્રે આ બીજી નવલકથાનું અધૂરું કામ પૂરું પાડવાનું છે. બીજા તો ઘણા સપનાઓ છે જે જીવવાના છે, સાકાર કરવાના છે. :) હજુ તો એક ગુજરાતી ફિલ્મ લખવી છે, હજુ તો એક ડોકયુમેન્ટરી લખવી છે. હજુ તો પ્રતિલીપીમાં મારી જાતને પ્રૂવ કરવાની છે :)
રોબર્ટ ફ્રોસ્ટની પેલી કવિતા સિદ્ધ કરવાની છે: But I have promises to keep,. And miles to go before I sleep … :)
Filed under: Jitesh Donga, Life, Uncategorized Tagged: gujarati novel, jitesh donga, Philosophy, pratilipi, Pratilipi Gujarati, writing
લગ્ન!
લગ્ન! :)
મને દેખાતી સૌથી બોગસ સીસ્ટમ! લાડવો ન ખાય એને પણ દુઃખ, અને ખાય એને પણ! બાય-ધ-વે લાડવો કઈંક ખાવાલાયક દેખાતો હોત તો અમે પણ ઉતાવળ કરતા, પણ આ સીસ્ટમને જોઇને જ ગુસ્સો એવો આસમાને ચડે છે કે હવે ધીમે-ધીમે એનાથી નફરત થઇ રહી છે! નફરત લગ્નથી નહી, પણ જે રીતે આપણે ત્યાં લગ્ન થાય છે એ પ્રથાઓની વાહિયાતનેસથી થઇ ગઈ છે.
સોલ્યુશન? Be the Change! તમારે ખુદને જ બદલાવ લાવવો પડે. એટલે આ જાહેરમાં કહું છું કે મારા લગ્ન (જો થશે તો.)માં કંકોતરીની અંદર જ નીચે મુજબના પ્રતિબંધ લખી નાખવામાં આવશે:
૧) મારા બાપાએ મારાથી મોટી ચાર બહેનોના મોંઘાદાટ અને સમાજની નજરમાં ‘ધામધૂમથી’ લગ્ન કરીને માથા ઉપર ટાલ વધારી છે તેના બોધપાઠ પરથી અમારે ત્યાં લગ્ન પૂરી સાદાઈથી થઇ રહ્યા છે, ખુબ આશાઓ લઈને આવવી નહી, કારણકે અમે કરોડોના લગ્ન કરનારાઓના જમણવારમાં ‘બીજું બધું તો ઠીક પણ દાળ મોળી હતી’ એવા ખોંસા કાઢનારા જોયા છે!
૨) અમારે ત્યાં લગ્નના મહિનાઓ પહેલા છોકરીને કંકુ-પગલા કરવા અગાઉથી બોલાવવામાં આવતી નથી. આ હમણાં જ ઘુસેલી બોગસ સીસ્ટમ છે, જે હજારોનો ખર્ચો કરાવી નાખતી હોય છે. કંકુ-પગલા લગ્ન કર્યા પછી લક્ષ્મી ઘરે આવે ત્યારે હોય છે, પહેલા નહી. (આ અગાઉથી કંકુ-પગલા કરીને છોકરીને ઘરે રોકવા બોલાવવા પાછળનો મૂળ-ઉદેશ તો છોકરી સ્વભાવે કેવી છે એનું ટેસ્ટીંગ કરવાનો હોય છે.)
૩) લગ્નના એક દિવસ અગાઉ અમારે ત્યાં ‘રાસ’ થાય છે, ‘ગરબા’ નહી. ગરબા ‘નવરાત્રી’ માટે હોય છે, રાસ પ્રસંગની ઉજવણી માટે થાય છે. એટલે અમે DJ બોલાવીને એના ઉપર એકતાલનો ગરબો વગાડવા કરતા ઘણા યોગ્ય રાસ રમીએ છીએ.
4) શરણાઈ-ઢોલની જગ્યાએ જે ‘DJ નું કલ્ચર’ ઘૂસ્યું છે એ એક હદે સ્વીકારી લઈએ, પણ આવા DJ? એક પણ સુર-તાલ નહી! મેશ-અપ વગડે તો પણ એક-એક મિનિટના દસ સોંગ એકસાથે! એમાં નાચવું હોય તો પણ એક જ ઢબમાં (એક હાથ આકાશ તરફ રાખીને કમર હલાવ્યા કરવાની!) અને કેટલું લાઉડ! બાજુમાં નાચનારાઓને બે દિવસ સુધી કાનમાં ધાક ન જાય! બેન્ડવાજાનું પણ એવું જ છે! તાલના નામે ધબડકો. એમાં પણ પેલા ગાવાવાળા ભાભા અને મેડમ! લતાજી કે રહેમાન સાંભળી ગયા હોય તો સુસાઈડ કરી લે. ઇનશોર્ટ: ધીમીધારે, મનને ગમે એવું DJ કે રાસ ગાનારા લગ્નને શોભાવે.
૫) અમે બેન્ડવાળા ઉપર કે ઢોલવાળા ઉપર રૂપિયા ઉડાડતા નથી. ના. ક્યારેય નહી. એમાં પણ પગ નીચે કચરાયેલા રૂપિયા વીણવા રાખેલા નાના બાળકો અમને દુઃખ પહોચાડે છે. દસ-દસની નોટોના બંડલ અમારી પાસે પણ છે, હાથોહાથ સેલેરી રૂપે બેન્ડને આપી દઈશું. (અને આ નોટો ઉડાડવાનો દેખાડો કોને માટે? આખી જાનને ઉત્સાહ જગાડવા માટે? વેલ…અમે જેમને અમારા લગ્નનો ઉત્સાહ જ ન હોય એમણે ખાલી જમણવાર વસુલ કરવા આવવો જ નહી, એ પણ સાદો જ હશે.)
૬) સેમ ગોઝ વિથ ફટાકડા! ધુમાડો- રૂપિયાનો અને દેખાડો ઔકાતનો. એના કરતા ફટાકડાના ભાગનો રૂપિયો અમે કોઈ જરૂરિયાતમંદ સંસ્થાને કે વિકલાંગો ને આપીને રાજી થઈશું. પ્લસ…જે કાગળો ઉડાડવાના ખેલ છે એ ખરેખર કચરો કરવાનું ઉતમ માધ્યમ સિવાય કશું જ નથી. વરઘોડા ઉપર કે નાચનારા ઉપર ઉડનારા કાગળના ફટાકડા પાછળથી એ રસ્તાઓની જે હાલત કરે છે તેને દસ ‘સ્વચ્છ ભારત મિશન’ પણ પહોંચી ન વળે. આભાર…અમે એવું નહી કરીએ.
૭) આ લગ્ન છે, સર્કસ નહી. વરરાજો ઘોડા પર બેસીને ખેલ કરે એ એની લાડવો ખાવાની મોજ માટે બરાબર છે, પરંતુ સ્પેશિયલ ટ્રેનીંગ પામેલી ઘોડીઓ પાસે નાચ નચાવવા કે ખાટલા ઉપર ચડાવીને ખેલ કરાવવા એમાં ખરેખર પેલો છોકરો વરરાજો નહી, પણ સર્કસ વાળો લાગે. ત્યારે ફરી સવાલ થાય? આ સર્કસ કોને દેખાડવા માટે? લગ્નનો ઉત્સાહ જગાડવા? હાહાહા.
8) અમારે ત્યાં લગ્નમાં ચાંદલા-પહ-કે ભેંટ તરીકે પણ રૂપિયા લખાવવા નહી. રીવાજો તોડો. હું તમારે ત્યાં પાંચસો એક લખાવીને ગયો હોઉં તો તમે મારે ત્યાં આવતા પહેલા એ નોટ જોશો, સામે એટલા જ લખાવશો. હિસાબ બરાબર! હવે ઓછા લખાવ્યા તો મને વાંધો, વધુ લખાવ્યા તો તમને બળતરા. આ લગ્નમાં ઘૂસેલો સૌથી ખરાબ રીવાજ છે. લાગણીઓના સંબંધ વચ્ચે રૂપિયો આવવો જ ના જોઈએ. બંધ કરો. તમે લગ્નમાં આવવા ટીકીટ બગાડી, સમય આપ્યો એ જ તમારો ચાંદલો.
૯) ખાસ. અમે લગ્ન કરીએ છીએ, કોઈ ફોટોગ્રાફી કોન્ટેસ્ટ નથી! ,મંડપમાં ચારેબાજુ જાણે ઘડમશીન લઈને ઉભા હોય એમ ફોટોગ્રાફરો વર-વધુ ને જે પોઝ અપાવતા હોય એ કેવું હાસ્યાસ્પદ છે! દરેક વિધિને ઉભી રાખીને પોઝ આપવાનો! ગોરદાદા પણ આજકાલ એ મુજબ વિધિ ટૂંકાવી નાખે છે! અરેરે…પેલો સિંદુર પૂરે તો પણ ફોટાવાળા કહે: ‘ત્યાં જ હાથ રાખો, કંકુ ઢોળતા નહી, ફોટો ખરાબ આવશે!’ અરે ભાઈ…મેકઅપના થથેડા કરીને આવેલા આ બંને કેદીઓ હસતા ચહેરા રાખીને થાકી જાય છે, આ લગ્ન છે, F-Tv નહી. વિધિ ચાલવા દો, અને નેચરલ મોમેન્ટ્સ ક્લિક કરો, વિધિ રોકો નહી.
10) દોસ્તો…આ અંધેરી નગરી છે, અને તમે ગંડુ રાજા. લગ્નના કરિયાવરના દેખાડા, અમુક તોલા સોનાના વજનની વાતો, જમણવારમાં થતો અન્નનો બગાડ, અને આ બધા વચ્ચે થતો સાચી લગ્ન-વિધિનો નાશ દુખ કરતા ગુસ્સો વધુ આપે છે.
મોંઘાદાટ રીસેપ્શનમાં પોઝ આપી-આપીને રૂપિયા ભરેલા કવર સ્વીકારી-સ્વીકારીને થાકેલા કપલને જ્યારે તમે સુહાગરાતનો અનુભવ પૂછો તો ખબર પડે એના માટે પણ હોટેલ બુક કરાવેલી હતી! અરે ભાઈ, સુહાગરાત સુહાગને ઘરે થાય! અને એમાં થાકી ગયા હોય તો સુઈ જવાય. ઇટ્સ ઓકે!
હજુતો ઘણું બાકી છે કાઢવા જેવું! તમને થશે કે આટલું બધું કંકોતરીમાં લખશું તો તે મોંઘી થશે, પણ આટલું લખ્યા પછી એનો કોઈ સ્વીકાર કરતુ હોય તો અમને મોંઘી કંકોતરી બનાવવી પોસાય એમ છે.
તમને ન ગમેલ, ખટકે તેવા રીવાજો-વાતો કોમેન્ટમાં શેર કરો. પ્લસ…આ લખ્યું એવું કરનારાઓ જોયા હોય તો તેમની સાથે આ પોસ્ટ શેર કરી નાખજો (મારી પોસ્ટના શેરીંગ વધે એટલે નથી કહેતો, પણ ખરેખર બદલાવ જરૂરી છે એટલે કહું છું)
આભાર :)
Filed under: Indian Marrige System, Marrige, Uncategorized Tagged: Arranged marrige, Gujarati Marrige, gujarati novel, jitesh donga, Kathiyavad, Marrige
January 2, 2016
વિશ્વમાનવનું એક વર્ષ: મારી જર્ની…
થેંક યુ. :)
સવારમાં ઉઠીને કેલેન્ડર જોયું, અને યાદ આવ્યું કે બરાબર એક વરસ પહેલા આજના દિવસની સવારે મેં મારી પહેલી નવલકથા ‘વિશ્વમાનવ’ ઈ-બુક તરીકે લોંચ કરી હતી. મનમાં થયું આજે તમને આખી સફર કહું.
હું કોઈની પરવાનગી વિના ક્યારેય ટેગ કરતો નથી, પરંતુ એ નિયમ તોડીને ટેગ કર્યા છે એટલે માફ કરજો. :)
એન્જીનીરીંગના સાતમાં સેમમાં શરુ કરેલી બુક કોલેજ પૂરી થયાને એક વરસ પછી પૂરી થઇ. કોલેજ પૂરી થઇ ગઈ હતી. બેરોજગારી હતી. હું કોલ-સેન્ટરમાં કામ કરતો હતો, અને ખિસ્સા ખાલી હતા. પેટમાં જનુન હતું લેખક બનવાનું! વાસ્તવ અલગ હતો.
Jay Vasavada ની જય હો બુકમાંથી તેમનો નંબર કાઢીને ફોન કર્યો. જે લેખકને વાંચીને લખતા થયા હોઈએ એમની સાથે વાતો કરવામાં ફાટી પડે! તેમની પાસે મેં મારા બધા સપનાઓ ઓકી નાખ્યા. બધું જ જનુન કહ્યું. બુક વિષે વાતો કરી, અને એક સવાલ પૂછ્યો: ‘આને પબ્લીશ કઈ રીતે કરું?’
જયભાઈએ રિયાલીટીનું ભાન કરાવ્યું: “ગુજરાતી નવલકથા છે. લાંબી છે. છાપામાં પણ આવી નથી. કોઈ તમને જાણતું નથી. અને આખી લાઈફ લેખક બનીને ફરવાના સપના જુઓ છો? કોઈ પબ્લીશર હાથ નહી પકડે.” પરંતુ તેમણે એક ધ્રુજાવી દેતી વાત કરેલી: “તું મચક ન આપતો. આ શરૂઆત છે. કોઈ હાથ ન પકડે તો એકલા ચાલો. સેલ્ફ-પબ્લીશ કરો. પહેલા નોકરી શોધો અને રૂપિયા ભેગા કરો.”
નોકરી શોધી. ત્રણ મહિનામાં 50000 ભેગા કર્યા. વચ્ચે-વચ્ચે જયભાઈને કેટલીયે વાતો કરતો રહ્યો. તેઓ ઘણીવાર મારી ઉતાવળ અને વધારે પડતી હવા ભરેલી વાતો સાંભળી ખીજાઈ ગયા. “મારા હજાર કામ વચ્ચે તારો ફોન ઉપાડીને તારી બોઘા જેવી વાતો સાંભળું?” તેઓ કહેતા. એમના વાક્યોમાં સત્ય હતું.
સામે અંધારું દેખાતું હતું. મહેનત પાણીમાં દેખાતી હતી. એકલા-એકલા રડવું આવી જતું હતું. ખેડૂતના દીકરા તરીકે ઘરે પણ રૂપિયા મોકલવાની જરૂર હતી. મારા બાપુજીએ એક રૂપિયો પણ માગ્યો નથી, પરંતુ નબળા વર્ષોમાં ઘરની તિજોરીમાં મેં હાથ ફેરવેલો છે. ધૂળ હોય છે :)
50000 ભેગા થયા એ પહેલા એક-પછી-એક પબ્લીશરને મળી આવ્યો. દરેક પબ્લીશર સ્પાઈરલ કરેલી બુક લઇ લે. પછી કોઈ જવાબ નહી! દસ દિવસ પછી હું ફોન કરું ત્યારે દસ ફોન પછી એક ફોન ઉપાડીને કહે: અમે આ પુસ્તક નહી છાપી શકીએ. એક પબ્લીશરને તો ફોન કરેલો અને કહે: અમારે અહી લેખકોની તાણ નથી, હવે ફોન ના કરતા!
પબ્લીકેશનની દુનિયા તમને લાગે એટલી સહેલી નથી. લુંટારાઓ પણ છે અને સારા માણસો પણ છે. પરંતુ બુક લખવા કરતા પબ્લીશ કરવી અઘરી છે! હું દિવસે-દિવસે હારી રહ્યો હતો, પરંતુ આત્મો કહેતો હતો: “મચક ના આપતો. તારા સપનાઓ સામે જો, અને જોર કરતો રહે.”
એકદિવસ જયભાઈ અમદાવાદમાં એક જગ્યાએ સ્પીચ દેવા આવેલા. સ્પીચ પૂરી થઇ એટલે હું તેમની પાછળ દોડ્યો. મારું નામ કહ્યું. તેમણે મને ઓળખ્યો, અને બાજુમાં ઉભેલી એક મોટી પાર્ટીને કહ્યું: “આ દોસ્તની બુક પબ્લીશ કરી આપો. એમના જેવા યુવાનોને મદદ કરો.” એ વ્યક્તિ કોણ હતો એ મને આજે યાદ નથી, પરંતુ જયભાઈના ચાલ્યા ગયા પછી એ ભાઈએ મને બુક વિષે પૂછીને એક વાક્ય કહ્યું: “આજકાલ ગુજરાતી નવલકથા કોઈ વાંચતું નથી!” અને મારી અંદરથી જનુની જવાબ નીકળી ગયો: “હું વંચાવીને રહીશ. પબ્લીશ કર્યા પહેલા, અને કોઈની મદદ વિના.”
ફેસબુક ખોલ્યું. એક મજાનો માણસ Murtaza Patel મળ્યો. તેઓએ બુક પબ્લીશ કરવામાં અને ફેસબુકને કઈ રીતે માધ્યમ બનાવીને આગળ વધવું તેમાં જબરદસ્ત માહિતી આપી. એ માર્કેટિંગનો માણસ! જયારે મેસેજ કરું ત્યારે કહી દે: “લોકોને મફતમાં બુક આપી દે. ઇન્શાલ્લાહ. સારી વાર્તા હશે તો દુનિયા જવાબ દેશે!”
બસ…એકદિવસ નોકરીએથી આવીને ફેસબુક પર ખુબ સારું લખતા અને વાંચતા વિરલાઓ શોધી કાઢ્યા! તેમને આજીજી કરી કે મારી બુક વાંચશો? પહેલો વાંચકVaibhav Amin જે હવે મારો જીગરી દોસ્ત છે, તે બોલી ગયો કે બુક ભુક્કા કાઢશે. (આજે પણ બુકના કવર પર વૈભવ અમીનનું એક વાક્ય છે!) પછી તો Siddharth Chhaya અને ભૂમિકા કેયુર શાહ સાથે ફોન પર વાત થઇ અને બંનેએ અદભુત ગાઇડન્સ આપ્યું. મેં એક સાથે સીતેર વાંચકોને મેઈલ કર્યા અને કહ્યું કે બુકનો રીવ્યુ ફેસબુક પર શેર કરજો. જેવી લાગે તેવી નાગું સત્ય લખજો, અને મને ટેગ કરજો કે જેથી મારા વાંચકો વધે!
એક અઠવાડિયામાં ઢગલો રીવ્યુ આવ્યા. બુકના ખુબ વખાણ થયા. બુક ગુજરાતી પ્રાઈડ એપ્લીકેશન પર Mahendra Sharma એ પબ્લીશ કરી આપી. ત્યાં ખુબ ચાલી. માનવજાત ક્યારેય સાચી વાત કરનાર સાથે દગો નથી કરતી. કોઈ વાંચકે બુકની એક પ્રિન્ટ પણ ન કાઢી, અને મને પૂછીને પોતાના ગ્રુપમાં શેર કરી.
વચ્ચે Mukesh Modi અને Dipak Soliya જેવા ધુરંધરોની સાચી સલાહ મળી. મુકેશભાઈ મને ગુજરાતી સાહિત્યમાં સૌથી ટોચના માણસ લાગ્યા. તેમની એકલા સાથે ફોન પર મારી હાલત કહેતા-કહેતા હું રડી પડેલો. મારા પર તેમણે એક લેખ પણ લખેલો.
એ સમયે એક પબ્લીશર મળ્યા Chetan Sangani જેમને મેં બુક પબ્લીશ કરવા કહ્યું, પણ તેઓને બુક ગળે ન ઉતરી. પણ મારું જનુન તેમને દેખાયું હશે, તેમણે કહ્યું કે હું તમને બુક પ્રિન્ટ કરાવી દઈશ, અને તમે જાતે વેચી લેજો. અંધારામાં કોઈ પ્રકાશ દેખાયો. એક જ મહિનામાં બુક પ્રિન્ટ કરી આપવાનું નક્કી થયું.
બુક હાર્ડ-કોપી બહાર આવે એ પહેલા ફેમેલીમાં એવી ઘટના બની કે મારા ખિસ્સાના 50000 મારે બાપુજીને આપી દેવા પડ્યા. મને એમાં ખુશી જ હતી. પણ હવે પ્રિન્ટ વાળાને કેમ ચુકવવા! મારા કુટુંબી કાકા Natvarlal-Nirala પાસેથી 40000 માંગ્યા. એમાં એક સેલેરી નાખીને 60000 ભેગા કર્યા. બુકનું કવર Sumeet Chaudharyનામના વડોદરાના પેઈન્ટરે એક રૂપિયો લીધા વિના માત્ર બુકની સ્ટોરી સાંભળીને બનાવી આપ્યું.
માત્ર મને ખબર હતી કે જો આવનારી 1000 હાર્ડકોપી બે-ત્રણ મહિનામાં ન વેચાઈ તો હું કાકાને 40000 ચૂકવી નહી શકું. (તેઓને તો પાછા પણ નહોતા જોઈતા, કારણકે મારી અંદર તેમને પોતાનું સપનું જીવતું દેખાતું હતું. તેઓ ખુદ ફાડું લેખક છે)
એકબાજુ હાર્ડકોપીમાં બુક આવવાની હતી, એકબાજુ ઈ-બુક તરીકે બુક ધમાકાભેર ચાલી રહી હતી. મારા એકાઉન્ટમાં ફ્રેન્ડ રીક્વેસ્ટનો ઢગલો થઇ રહ્યો હતો. એક રાત્રે સુતા પહેલા જબરદસ્ત વિચાર આવ્યો! બુકને ઓનલાઈન લોંચ કરવાનો. એ પણ એવા માણસો પાસે જેમના ફ્રેન્ડ લીસ્ટમાં હજારો વાંચકો હોય. મેં Bhupendrasinh Raol Divyansh Parmar Jayendra Ashara Bhavin ‘shikhar’ Kishan BadiyaniBhavya Raval Gaurang Amin જેવા ખરેખર અદભુત એવા જવાનિયાઓને ચેટ પર જ વિનવ્યા કે તમે બુક વાંચીને જેવી લાગે તેવો રીવ્યુ શેર કરો, અને બુકને ઓનલાઈન લોંચ કરો.
બસ…ધડ..ધડ..ધડ. આ બધાએ આશરે એક હજાર નવા વાંચકો આપ્યા! મારી તાલાવેલી જોઇને ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ ના ડાયરેક્ટર Abhishek Jain સામેથી મદદ કરવા આવ્યા. બુકનો રીવ્યુ તેમણે શેર કર્યો. હું તેમને પર્સનલી પણ ઓફીસ પર મળી આવ્યો. (પાછળથી મારી નાનકડી ભૂલને લીધે મારો ભરોસો તૂટી ગયો. છતાં આજે પણ તેઓ મારા સવાલોના જવાબ આપ્યે રાખે છે. ધેટ્સ અ ગ્રેટનેસ ઓફ અ પર્સન)
જો ધરતી પર તમે છપ્પરફાડ મહેનત કરો તો ઉપરવાળો છપ્પર ફાડીને જ આપે! મેં વડોદરામાં નવી જોબ લીધી. અમદાવાદમાં 1000 બુક પ્રિન્ટ થઈને મારી મોટીબહેનના ઘરે પહોંચી ગઈ. હું ખુદ જ ફ્લીપકાર્ટ પર સેલર બની ગયો! અને બુક એક જ દિવસમાં 290 કોપી વેચી કાઢી. સેલર હોવાથી જાતે રાત્રે જોબ પરથી આવીને બુકના પેકિંગ કર્યા. એક અઠવાડિયામાં 400 બુક માત્ર ઓનલાઈન વેચાઈ ગઈ! રીવ્યુના લીધે!
પછી મદદે આવ્યું GLF – Gujarat Literature Festival જેના આયોજકોએ સામેથી કહ્યું કે બુકને લોચ કરવા કહ્યું. મેં આખી સફર કહેવા જય વસાવડાને ફોન કર્યો. બુક લોંચ કરી આપવા કહ્યું. તેમનો જવાબ ચોખ્ખો હતો: “મેં તારી બુક વાંચી નથી, પણ એક દોસ્ત તરીકે તારે માટે અને તારી અથાગ મહેનતને દાદ દેવા માટે હું આવીશ.”
મારાથી ખુશ થઈને Dipak Soliya એ પણ સ્ટેજ પર મારી જર્નીની વાતો કરી. કેટલાયે વાંચકો ત્યાં હાજર રહ્યા. પહેલીવાર બુકલોંચ કોઈ એક બુક લખનારો માણસ બુક સાઈન કરી રહ્યો હતો! એ રાત્રે એક ૯૪.૩ રેડીયોમાં ઈન્ટરવ્યું આપવાનો હતો એ કેન્સલ કરી નાખ્યો, અને ઘરે આવીને રૂમ બંધ કરીને ખુબ રડ્યો. સપનાઓ સાકાર કરવામાં નિચોવાઈ ગયો હતો એની એટલી ખુશી હતી કે ધ્રુસકે-ધ્રુસકે રડ્યો.
Sanjay Chhel જેવા લેખકોએ એમના પપ્પાના અવસાન છતાં સમય કાઢીને બુક વાંચીને રીવ્યુ શેર કર્યો. કાજલ ઓઝા વૈદ્ય અને જયભાઈ પ્રસ્તાવના લખવાના હતા, પરંતુ બંનેની વ્યસ્તતા હું સમજતો હતો, એટલે મેં જાતે જ પ્રસ્તાવના લખી મારી હતી.
દોસ્તો…થેંક યુ. આજે જે કઈ પણ છું તે તમારા લીધે છું. તુમ હો તો હમ હે, સિર્ફ હમ હે તો કુછ ભી નહી હે. હજુ તો લાંબી સફર ખેડવાની છે, હજારો માઈલ-સ્ટોન પાર કરવાના છે. નિષ્ફળતાઓ ભોગવવાની છે. રડવાનું છે. ભાંગી-ભાંગીને પણ રાખ માંથી બેઠું થવાનું છે. માણસ એકલો પાંગળો છે. તમે બધા ન હોત તો હજુ પેલા 40000 ચૂકવાયા ન હોત. અત્યારે બીજી બુક લખાઇ ન રહી હોત. ગુજરાતી કોઈ વાંચતું નથી એવા ભ્રમ ખોટા છે. સારી વાર્તા કોઈ રચતું નથી તો કોઈ વાંચતું નથી એ સત્ય છે. હજુ આ સાહિત્ય-જગતમાં કેટલોયે પરસેવો પાડવાના અભરખા છે. મારે ફિલ્મો લખવી છે. બધા નિયમો તોડતી નવલકથાઓ લખવી છે. લેખક તરીકે ફેંકાઈ જવું છે, અને પાછા ધીંગાણા ખેલીને કમબેક કરવી છે. હજારો લોકો વચ્ચે સ્ટેજ પર માતૃભાષામાં સ્પીચ આપવી છે, અને તાળીઓ સાંભળવી છે. એ કઈ ન થાય તો પણ જીવનભર લડતા રહેવું છે. નવા યુવાનોને કહેવું છે કે: ગુજ્જુ લેખક બનીને જીંદગી કાઢવી સહેલી નથી. ખિસ્સામાં રૂપિયો ન હોય તો ક્રિએટીવીટી ફાટી પડે છે. મરી જાય છે. છતાં છેક સુધી ન હારીને અવિરતપણે ગાંડા હાથીની જેમ ઉધામા કરનારો ખુબ માન-પાન-ધન- અને પ્રેમ મેળવે છે. આજે હું મારા ગામમાં નીકળું ત્યારે પચાસ માણસ માનથી બોલાવે છે, અને કેટલાયે યુવાનો દોસ્તી કરે છે.
લાઈબ્રેરીમાં ‘જીતેશ દોંગા બુક્સ’ નામનો સેક્શન હોય એવું સપનું છે. મોટા છાપામાં મારી કોલમ હોય અને છેક કોઈ રીક્ષાવાળો કે ગામડામાં કપાસ વીણતા મજુર સુધી હું પહોંચી શકું એવી ખેવના-તમન્ના છે. વર્ક ઇન પ્રોગ્રેસ છે, ઇન પ્રોસેસ છે. એવું કઈ ન થાય તો કોઈ રંજ નથી, પણ સપના જોવા એ માણસનો પહેલો ધર્મ છે.
આજે એક વરસ પૂરું થયું છે, અને લાગે છે કે કઈંક તો ઉકાળ્યું જ છે. મારા આ ઉકાળાનું બળતણ બનવા માટે દિલોજાન વાંચકોના ચરણોમાં વંદન. અહી ટેગ કરેલા માણસોને સલામ.
હું પૂછ્યા વિના કોઈને ટેગ કરતો નથી, પણ એ માટે માફ કરજો. ચીયર્સ.
Filed under: Uncategorized
May 30, 2015
A little guide on Writing: Jitesh Donga
(વિશ્વાસ નામના તેર વરસના એક છોકરાએ મારી બુક વાંચી અને મને ઘરના લેન્ડલાઇન પરથી કોલ કર્યો. મને પછી પોતાનું સપનું કહ્યું. તેને પોતાને લેખક બનવું છે. ખુબ વાંચે છે. પર્સનલ ડાયરી લખે છે. મેં કહ્યું: એક જ બુક લખી હોય તેવા લેખક પાસેથી ક્યારેય સલાહ ન લેવી. મેં તેને સલાહ લેવાની ના પાડી, પણ એનો પ્રેમ-સપના અને ઉત્સાહ સાંભળીને રહેવાતું નથી એટલે તેને ઓનલાઈન સલાહ આપું છું. વળી વિશ્વાસે કહેલું છે કે રોજે એક જસલાહ આપવી કે જેથી તે પચાવી શકે! આખું અઠવાડિયું આપવી!!)
Dear Vishwas.
As I promised you on phone, here I am writing a guide for a Novelist!
તો વિશ્વાસ લેખક-નોવેલ રાઈટર બનવા માટેની પહેલી સલાહ:
સલાહ ૧)
” Write in the language in which you dream.” બંગાળની મહાન લેખિકા મહાશ્વેતાદેવીએ મને Jaipur Literature Festival માં મને આ વાક્ય કહેલું. તમને જે ભાષામાં સપના આવે એ ભાષામાં લખો. ધેટ્સ ઓલ. મને સપના ગુજરાતીમાં આવે છે, મારું ઈમેજીનેશન ગુજરાતી દુનિયા રચે છે. મારું હૃદય ગુજરાતીમાં પીડાય છે અને આંખોમાં આંસુ કે ચહેરાની મુસ્કાન ગુજરાતીમાં વધુ કાતિલ હોય છે એટલે હું ગુજરાતીમાં લખું છું. તું એવું ન વિચારતો કે કઈ ભાષામાં લખીશ તો નોવેલ વધુ લોકોને પહોચશે કે વધુ વેચાશે. લેખકનો પહેલો ધર્મ: પોતાનો આત્મો ખુશ થાય એને માટે અને એવી રીતે લખવું. જે લખાણ તને ખુશ કરશે તે આખી દુનિયાને ખુશ કરશે. પીરીયડ.”
——————————————————————————————————
Dear Vishwas.
Here is my Rule-2 to be a Writer!
સલાહ ૨)
-એક વાર તે તારી લખવાની ભાષા નક્કી કરી લીધી પછી બીજું સ્ટેપ ખુબ સીધુંસાદું છે: “લખવું!” યસ…મને ઘણા પૂછતાં હોય છે કે મારે લેખક બનવું છે તો હું શું કરું? મારો જવાબ એક જ વાક્ય માં છે: લખો.
થોડું ઊંડાણમાં કહું:
મેં એક જગ્યાએ સફળતાના પાંચ સ્ટેપ જોયેલા: 1) I wish to be writer 2) I will be writer 3) I am writing 4) I completed writing 5) I am writer!
૧) તારું સ્ટેજ પહેલું છે. મોટા ભાગના માત્ર ઈચ્છા જ કરી શકે છે લેખક બનવાની. વાતો.
૨) બીજા સ્ટેજમાં પણ તેઓ પાસે વાર્તા/કન્ટેન્ટ હોવા લખવાનું ચાલુ કરી શક્યા નથી હોતા.
૩) ત્રીજુ સ્ટેપ, જે ખુબ જ ડીસીપ્લીન અને મહેનત માગે છે અને બોરિંગ છે તેમાં તું આશા રાખી શકે કે તું લેખક બનીશ! કેમ? કારણ કે એમાં પણ લોકો Writer’s Block નો ભોગ બની કે આળસ અથવા આત્મ વિશ્વાસની ઉણપને લીધે અડધું લખેલું મૂકી દે છે.
4) ચોથા સ્ટેપમાં તે લખવાનું પૂરું કર્યું! પરંતુ હજુ પબ્લીકેશન અને બીજી હજાર પળોજણ બાકી છે! એનાથી ડરવું નહી પણ તારા હાથમાં તારી બુક આવે ત્યારે તારું પાંચમું સ્ટેપ ક્લીયર થાય!
હવે આ બીજો નિયમ બરાબર ગળે ઉતારજે:
લખ. માત્ર લખવા ખાતર નહી પરંતુ તારી ખુશી માટે લખ. રોજે લખ. ફરીથી: રોજે લખ. ગમે તેવી સ્થિતિ હોય પરંતુ લખવાનું છોડ નહી. જો કંટાળો આવે તો બે-ત્રણ પેજ જ લખ. જો મોજ વછૂટે વીસ-ત્રીસ પેજ લખ. કબજિયાત હોય તો પણ લખ. તાવ ચડ્યો છે તો પણ લખ. જીવનમાં ફેઈલ થયો ત્યારે પણ લખ, અને જન્મદિવસ હોય તો પણ લખ. કોઈ સગું મરી ગયું છે તો પણ લખ, અને તું મરવાપડ્યો છે તો પણ લખ.
આવું કેમ? મેં મારા ખેડૂત પપ્પા પાસેથી સિમ્પલ નિયમ શીખ્યો છે: ‘ખેતરમાં હળ હાંકતા શીખવું હોય તો રોજે ઉઠીને જુતવું પડે. ન ગમે તો પણ રોજે ગાંડી મહેનત કરવી પડે ત્યારે જઈને એકાદ ચાસ સીધો થાય!’ લખવાનું એવું જ છે. ધાર કાઢવી પડે. મસલ્સ મજબુત બનાવવા પડે. દિવસે-દિવસે તું લખીશ તેની ધાર-ગ્રીપ-શાર્પનેસ એવી નશીલી બની જશે કે પછી તને એટલીસ્ટ લેખક બનતા તારી જાત પણ રોકી નહી શકે.
હજુ એક પોઈન્ટ કહી દઉં: લાઈફની રોજ-બરોજની ટ્રેજેડીને સર્જનમાં ફેરવ. તારો શબ્દ તારા જીવનના અનુભવો માંથી ઉલેચ. કઈ રીતે? ગર્લ-ફ્રેન્ડ છોડી ગઈ? લખો! કુતરી મરી ગઈ? લખો. જોબ છૂટી ગઈ? લખો. ઘર ભાંગી ગયું? લખો. કોઈને કિસ કરી? લખો. કોઈએ કિક મારી? લખો. લાઈફની વાટ લાગી ગઈ? લખો. રસ્તે રખડવું પડ્યું? લખો. ખુશ છો? લખો. રડવું આવે છે? લખો. સેક્સ કરવાનું મન છે? લખો.
ઓકે…હું ઉભો રહું છું. ઇન-શોર્ટ જીવનના દરેક રંગને જીવતો જા…લખતો જા…ઉભો ન રે બસ…
——————————————————————————————————–
Dear Vishwas,
Here is the third rule to be a Writer!
હવે આવે છે કન્ટેન્ટ. સ્ટોરી. લેખકને જે લેખક બનાવે તે વાત. સીધા શબ્દોમાં ‘શું લખવું? અને કેવી રીતે લખવું’
ક્વેશ્ચન: શું લખવું અને કેવી રીતે લખવું?
Ans: આનો કોઈ નિયમ નથી! આમાં તો નિયમો તોડવાના હોય! સાહિત્યના જુના પેટાળમાં પાટું મારીને નવું પાણી કાઢવાનું હોય. જુના લેખકોએ લખ્યું એના બધા નિયમો તોડીને, બધી સરહદો વટાવીને, પ્રસિદ્ધિ કે ક્રિટિસિઝમને ‘થું’ કહીને તારે તારા વિશ્વનું સર્જન કરવાનું છે. બસ. તારા દિલના પુરા ઊંડાણથી પૂરી પ્રમાણિકતાથી તારે તારા પાત્રોને સર્જવાના-જીવાડવાના-મારવાના અને ઉજવવાના છે. આમાં કોઈને પૂછવાનું નથી કે કેવી રીતે લખું. તારા પાત્રોનો જીવવાનો અંદાજ, તેમનો મરવાનો અંદાજ, તેમનો પ્રેમ કે સેક્સ કરવાનો અંદાજ, તેમનો રડવાનો અને રાડો નાખવાનો અંદાજ, તેમના શરીરની ગંધ અને દિમાગની હવસ..આ બધામાં સુગંધ તારે ભરવાની છે. સાથે-સાથે લખતી સમયે તને એ પણ મનમાં ન હોવું જોઈએ કે મારો વાંચક આ બધું વાંચીને શું વિચારશે. લખતા લેખક માટે થોડા સમય પુરતો વાંચક મરી જવો જોઈએ. તું જ મનમાંથી વાંચકને મારી નાખ.
કહેવાનો સાર: Choice of words is all yours!
હું મારો અનુભવ કહું તો મેં બે વિચાર કરીને વિશ્વમાનવ લખેલી: ૧) જાણે પુરા કોસમોસમાં, પુરા યુનિવર્સમાં માત્રને માત્ર ‘હું’ આ કહાની કહેવા માટે ઘડાયો છે. આ કહાનીની આખી દુનિયામાં કોઈને ખબર નથી અને મારે પહેલી જ વાર આ કહાનીને વિશ્વ સમક્ષ શબ્દો વડે રચીને મુકવાની છે. અને…
૨) મારે બાળકની જેમ આ કહાનીને કહેવાની છે. બાળક જેવું ભોળપણ-પ્રામાણિકતા-લાગણીઓ અને સાચાપણું રાખીને મારે આ કહાની જાહેર કરવાની છે.
પરંતુ વિશ્વાસ…આ નિયમો નથી. મારી કહાની કહેવાની આદત છે. આ બાળક આવતીકાલે યુવાન કે શેતાન કે સ્ત્રી કે બુઢો કે વ્યંઢળ કે રંડીબાજ બનીને પણ કહાની કહેશે. ફરી કહું છું: કોઈ નિયમ નથી કે કેવી રીતે લખવું.
અને આવું જ દોસ્ત કઈંક આખી લાઈફનું છે! અહી જીવવાના કોઈ નિયમ નથી. તું તારી મોજથી નિયમો બનાવીને જીવી શકે. તું જીવનને ઉત્સવ બનાવી શકે અને સુકું રણ પણ! તું જીવનને કોઈ એક કામ માટે ફના કરી શકે અને હજાર પ્રયોગોને ટેસ્ટ કરી શકે. તું જીવાતી લાઈફને D.C કરંટની જેમ સીધીસાદી જીવીને પણ ખુશ રહી શકે અને A.C કરંટની જેમ હિલોળે ચડાવીને પણ જીવી શકે. તું પાંચ માણસને પ્રેમ પણ કરી શકે અને તારી નનામી ઉઠાવનારા પણ ના હોય એવી સ્થિતિ પણ પેદા કરી શકે.(અને કોઈ કાંધો દેવા વાળું નથી તેનો અફસોસ ન હોય એવા અંદાજભર્યું પણ જીવી શકે) અને ધાર કે તને લાગે કે હજુ કઈ કર્યું જ નથી…તો પણ અહી ક્યાં મોડું થયું છે. મંડી પડ. એકડે એકથી.
લેખકને તો બસ આ જીવાતા જીવનનું પ્રતિબિંબ જ પાડવાનું છે!
જો કે એ પણ નિયમ નથી.
——————————————————————————————————————
Dear Vishwas…
Here is Rule-4 to be a writer!
શું રુલ ફોર? કાકા ચાર દિવસથી તને આ લખવા વિષેની ફિલોસોફી આપી આપીને મને હું કોઈ યોગી-બાબા બની ગયો હોય એવું લાગે છે!
છાનો-મુનો દુનિયાને ‘શું કરવું ને કેમ કરવું’ એવું પૂછ્યા વિના લખવા માંડ…
લખવું એ જૂની દારુ જેવું છે…જેમ પીતો જઈશ એમ અંદરથી ખેલ નીકળ્યા કરશે. :) બી ડ્રંક :)
Filed under: Jitesh Donga, On Writing Tagged: Best seller gujarati book, gujarati novel, gujarati writing, How to be Writer, jitesh donga, Vishwamanav, writing
May 8, 2015
Page-2 : Diary of a drunk writer: Jitesh Donga
Page: 2
આજકાલ આ છોકરી જોવાનું તુત માથે પડ્યું છે ત્યારે મને સગાઓ પૂછે કે ‘કેવી છોકરી જોઈએ છે‘ ત્યારે મગજ સાતમાં આસમાને જઈને પછી હળવેકથી ફાંટી પડે છે! બાયોડેટા માગે ત્યારે તો પૂરું જ! અરે ભાઈ…અહી કોઈ જોબ માટે એપ્લાય કરી રહ્યું છે?
આ ગમાર સગાઓ …કેવી છોકરી જોઈએ મતલબ શું? કઈ શોપિંગ કરવા જવાનું છે? એના કાઈ ફીચર્સ કહું? મને તો અરેંજ મેરેજ જ જાણે પહેલાના જમાનામાં ‘મતવા’ (ભેંસના પ્રોફેશનલ દલાલો) ઘરે ભેંસના સાંટા/ખરીદી કરવા આવતા તેવો કન્સેપ્ટ લાગે છે (જો કે હું એરેન્જ મેરેજ વિરોધી નથી, પણ આપણી સીસ્ટમનો સમર્થક પણ નહી!)
ઉદાહરણ આપું? ધ્યાનથી સરખાવજો: છોકરી Vs ભેંસ ! બંનેની ખરીદી!
૧) જેને ખરીદવાની છે તે વ્યક્તિ મતવાઓ સાથે ગાડીમાં આવે (જેમ છોકરી જોવા મુરતિયા સાથે વચેટિયાઓ ભેગા ભર્યા હોય એમ!)
૨) ઇન અ મીન ટાઈમ…ઘરે માલિકે ભેંસને ધમારી-તેલ લગાડીને- ચમકતી કરી દીધી હોય! (જેમ છોકરીઓ તે જ દિવસે આઈ-બ્રો વેક્સ ઠોકી દે. જે હું તો તરત નોટીસ કરી લઉં. અને પછી સાડી પહેરે પેલી વાર! સાડી પહેરે ત્યારે મારી નજર ચહેરા પહેલા કમર પર જાય!)
૩)મતવાઓ ભેંસ પાસે જઈને તપાસે: આંચળ-વળાંકો-રૂપ- અને શીંગડા. (છોકરીના કેસમાં છોકરી ‘ચા’ દેવા આવે! છોકરો આછી-પાતળી નજર નાખી લે બોડી પર :) આગળ વધવાનું અડધું ડીસીઝન તો અહી જ લેવાઈ જાય! )
4)મતવાઓ સામે ઘરની મુખ્ય બાઈ ભેંસ દોઈને બતાવે કેટલું દૂધ આપે છે તે ચેક કરવા! (આપણા કિસ્સામાં બેય પક્ષ પગાર-ભણતર-છોકરી નોકરી કરશે કે નહી વગેરે સતાવીસ વાતો કરી લે)
૫) હવે આવે છે ઓરીજનલ પોઈન્ટ! ભેંસ ખરીદનારો બધા જ માણસોને દુર ઘરમાં બેસવા કહે અને પછી એકલી ખીલે ઉભેલી ભેંસ પાસે જઈને એની બધી જ ઉલટતપાસ કરી લે. (આપણા કેસમાં છોરો-છોરી રૂમમાં પાંચ-દસ મિનીટ માટે બંધ થાય અને એટલી વારમાં તમારે તમારી લાઈફનું સૌથી મહત્વનું ડીસીઝન લઇ લેવાનું!)
૫) અને પછી જો ભેંસ ગમી જાય તો આપે “સુંથી”!! પ્રાયમરી સર્ટીફીકેટ કે અમે ભેંસને દોરી જઈશું. (આપણા કેસમાં એને રૂપિયો-નાળીયેર કહે છે!)
૬) છેલ્લે ભેંસને ઘરે લઇ જઈ માલિક ખુદ દોવે! સારી નીકળે તો ભેંસ…ખરાબ નીકળે તો ડોબું. સારી નીકળે તો આખા ગામને કહે…ખરાબ નીકળે તો બિચારું મૂંગું પ્રાણી ખીલે બંધાતું રહે. એક દિવસ ફરી વેંચાઈ જાય (આપણા કેસમાં છોકરો બધું ચકાસી લે…ઘરવાળા છોકરીને આખા ગામમાં ચા પીવા લઇ જાય…અને એક સ્વતંત્ર યુવતી…એક મેગ્નીફીસેન્ટ છોકરીનું શોપિંગ થઇ જાય…જીવનરૂપી ખીલે બંધાય…મૂંગી રહે…દુજણી(છોકરા વાળી!) ભેંસ બની જાય… :(
આ ઉપરનું બધું સાચું ન જ હોય શકે. આવું બધા કિસ્સામાં નથી હોતું. હવે તો સમય બદલાઈ રહ્યો છે અને છોકરો-છોકરી એકબીજાને પારખવાની રીતો પણ ખુદ બદલી રહ્યા છે. ખાસ તો છોકરીઓ હવે પૂરી ખુદારી અને ખમીરથી પોતાની ચોઈસ મુકે છે..પોતાના સપના શેર કરે છે..છોકરો થોડો પણ બાયલો-ગેમાર દેખાય એટલે ફટ દઈને ના કહી દે છે. રૂપિયો નાળીયેર દીધા પછી પણ ડીસીઝન બદલી લે છે. સેલ્યુટ.અને મને તો ત્યાં સુધી આશા છે કે આવતા બે-પાંચ વરસમાં માં-બાપ પણ સમયના પરિવર્તનને સ્વીકારીને વધુને વધુ પારદર્શક અરેંજ મેરેજ અને ઓનેસ્ટ લવ-મેરેજને પૂરો સપોર્ટ કરતા થઇ જવાના છે. આવતીકાલ મને સોના જેવી દેખાય છે. (ડુ આઈ મીન- ઓનલાઈન શોપિંગ ઓફ ગર્લ્સ? થોડું થોડું :D )
અહી છોકરીને ભેંસ સાથે સરખાવીને મેં તમને દુભવ્યા હોય તો મને માફ કરજો…પણ આઈ મીન ઈટ. આ બધું ઓબ્સર્વેશન મને ત્રિકાળજ્ઞાનથી નથી દેખાયું પરંતુ હજુ સમાજની મોટા ભાગની છોકરીઓ અને છોકરાઓ આ ‘દલાલી’ ટાઈપની અરેંજ સીસ્ટમમાં વડીલોના ઈશારે શોપિંગ કરી નાખે છે. કાઠીયાવાડમાં તો ખુબ ચાલે છે આ બધું. મને ખુદને આવા બે-ત્રણ વંચેટીયા ભટકાયા છે અને એમના પરનો ગુસ્સો મેં ભૂલથી મારા મમ્મી પર કાઢ્યો હતો જેનું હજુ મને દુખ છે. જો કે તે ગુસ્સામાં કહેવાયેલી વાતો પછી હું પણ રડી પડેલો મમ્મી-પપ્પા પાસે. એમનો કોઈ વાંક નથી. સમાજનો પણ કોઈ વાંક નથી. એ બધા મારા સારા માટે જ છોકરી બતાવતા હોય છે. પરંતુ વાંક છે બદલાતા સમયનો. મારા માં-બાપના સત્યો ચાલીસ વરસના એમની આસપાસના વાતાવરણને જોઇને બન્યા છે. મારા સત્યો જન્મ્યા એ સમય અલગ છે. બે સત્યો-વિચારધારાઓ ટકરાઈને મારા-તમારા દિમાગમાં રોષ પેદા કરે છે સમાજ તરફનો. ગુસ્સો સ્વાભાવિક છે…પણ એ સમજવું ખુબ અગત્યનું છે કે ‘ધિક્કાર’ પેદા ન થવો જોઈએ. ગુસ્સો આવતીકાલ બદલાવશે…ધિક્કાર બધું બગાડશે. ગુસ્સો કરશો તો પણ સમજી જશો એટલે માં-બાપની પ્રેમથી માફી માગી લેશો કે રડી લેશો…ધિક્કાર સમય આવ્યે તેમને ઘરડાઘર અને તમને આતમથી દુર કરશે. મેં હવે પેલા દલાલોને ધિક્કારવાનું બંધ કર્યું છે…ગુસ્સો તો છે અને રહેશે.
પરંતુ શું બદલવું જોઈએ? છોકરી-છોકરાએ એકબીજામાં શું જોવું જોઈએ? મારા વિચારો હું કહીશ આવતા સમયમાં. બ્લોગ કે મારી ફેસબુક પ્રોફાઈલ ચેક કરતા રહેજો. અહી નીચે કોમેન્ટમાં તમારા વિચારો પણ કહી શકો છો.
Filed under: Diary of a drunk Writer, Indian Marrige System, Marrige Tagged: Arranged marrige, Diary of a drunk writer, Indian girl, Indian Marrige System, jitesh donga, Love marrige, Marrige
May 6, 2015
Page-1 : Diary of a drunk writer: Jitesh Donga
Page : 1
This is an experiment. Yes…an experiment. અત્યારે આ ચાલુ કરી રહ્યો છું લખવાનું ત્યારે મન ડરી રહ્યું છે. ખચકાઈ રહ્યું છે. પણ આ એ જ અંત:આત્મા છે જેણે છેલ્લા અઠવાડિયાથી મને રોજે, દર કલાકે કહ્યું છે કે દોસ્ત…તું એક ડાયરી લખ. ઓનલાઈન. ઓનેસ્ટ. એટલી પ્રમાણિક કે તેના દરેક શબ્દમાં તારું નર્યું સત્ય જ માત્ર હોય. નગ્ન સત્ય. જેમાં લખાયેલો દરેક શબ્દ ભલે તારી પબ્લિક ઈમેજ કે પારિવારિક લાઈફને અસર કરે. પણ લખ. ભલે તારી વાતો વાહિયાત ઠરે. ભલે તારી નબળાઈઓ છતી થાય સેંકડો લોકો વચ્ચે. પણ લખ. શરત એટલી જ કે આ ડાયરી લખતી સમયે કોઈ પણ શબ્દ ‘ક્યાં કહેંગે લોગ’ વિચારીને બેકસ્પેસ ના લાગવો જોઈએ. કડવું-ગંદુ-દેખાતું સત્ય. લખ્યા પછી તારે માત્ર આ ડીજીટલ વિશ્વમાં તરતું મુકવાનું છે. કોઈની પરવા કર્યા વિના તેને કરોડો શબ્દોના કલાઉડમાં વિલીન થવા દેવાનું છે. લોકોને જે સમજવું હોય તે સમજે. બોલવું હોય તે બોલે. કહેવું હોય તે કહે…પણ લખતી સમયે મારો ધર્મ સત્ય હોવો જોઈએ. લખ્યા પછી મારો ધર્મ એને ભૂલી જવું એ જ હોવો જોઈએ. જે થશે એ જોયું જશે.
મન હજુ કચવાઈ છે…પણ હું લીધેલા કામ પુરા કરવામાં પાવરધો બની ગયો છે. હવે આવતા નેવું દિવસ સુધી આ ડાયરી લખતો રહીશ. જીવનના બધા રંગ રેલાવીશ સચ્ચાઈની ઉલટી કરતી આ આંગળીઓ અને કી-બોર્ડ પરથી. એકાદ બે દિવસના ગાળે પેજ-બાય-પેજ લખતો રહીશ. જયારે મનને ખાલી થવાની ઈચ્છા થશે ત્યારે લેપટોપ ખોલીને નર્યું લખીશ. લખતી સમયે બીજો એક પણ વિચાર મને પ્રમાણિક બનતા નહી રોકી શકે. આત્મા પર મને વિશ્વાસ છે.
હું પણ આ બધું દુનિયા સામે કેમ શેર કરી રહ્યો છું? મારી પર્સનલ ડાયરીમાં પણ લખી શકાય. ના. એનો મનમાં કોઈ જવાબ નથી. અઠવાડિયા પહેલા ઓનલાઈન ડાયરી લખવાનો વિચાર બસમાં બેઠા-બેઠા આવ્યો ત્યારે આ સવાલ થયેલો. ત્યારે મન કહેતું હતું: સત્ય અને ઓનેસ્ટી વાપરીને લખીશ એ કાતિલ હશે. મીઠું હશે. કાતિલ મીઠાશ હશે. લોકો હસશે તારા પર. ફેસબુક પર તને વાંચીને કે વિશ્વમાનવ વાંચીને લોકોના મનમાં જે જીતેશ દોંગા છે તે ભાંગીને ચુથો થઇ જશે. તારો માસ્ક ઉતરી જશે. તું નાનકડી સેલીબ્રીટી માંથી ફરી સામાન્ય બની જઈશ.
બસ… આ જ જોઈએ છે મારે. મારે નથી જોઈતું કે વિશ્વ મને કોઈ માસ્ક સાથે જુએ. કોઈ વિચારક કે લેખક તરીકે મારી જે ઈમેજ છે તેને લઈને મને ટ્રીટ કરે. Fuck it. Fuck the mask which is not you. Hell with that image. પરંતુ આજે મન એવું પણ કહી રહ્યું છે કે સાચું બોલીશ તો લોકો વધુ ઉંચે પણ મૂકી દેશે. ક્યાંક કશુક નવું વાંચ્યાનો અહેસાસ તેમને થશે અને તને વધુ ચાહવા/ધિક્કારવા લાગશે. વેલ…એવું થશે તો મને કોઈ ગિલ્ટી ફિલ નહી થાય. નાગો દેખાઇશ. ખુબ સારું. મારી નગ્નતા કોઈને ગમશે. ખુબ સારું. કદાચ આ નગ્નતા બીજા સેંકડો લોકોના રોજીંદા જીવન સાથે મેચ થાય અને એમને પણ આ ડાયરી ટચ કરી જાય. ખુબ સારું. અને ફાઈનલી…મને મારા વખાણ-નિંદાની કશી પડી નથી. એ નર્યું સત્ય છે.
ખેર…જે થવું હોય તે થાય. ફૂંકી-ફૂંકીને આજ સુધી ક્યારેય જીવ્યો પણ નથી તો પછી લખવામાં ખાક શરમ રાખું? ક્યારેય નહી.
આ ડાયરીનું ટાઈટલ આવું કેમ રાખ્યું? બસ..મનમાં આવ્યું કે પીધેલો માણસ સૌથી વધુ પ્રમાણિક હોય છે. સાચું બોલી જાય છે. મારે અનુભવ પણ છે. એટલે પીધેલા વ્યક્તિની જેમ મારે અહી સાચું લખવાનું છે. બસ…
શું લખવાનું છે? મારો ગુસ્સો. મારી ખુશી. મારી રોજીંદી વાતો. વિચારો. ગાળો. ગાળો. ગાળો. પોતાની સાથેની વાતો. પોતાની નબળાઈઓ. સપનાઓ. સારા પાસાઓ. ઝંખનાઓ. બધું જ…
****************************************************************************************************
અર્પણ… ત્રણ વ્યક્તિને…
૧) જયારે હું બે ત્રણ વરસનું બાળક હતો. રસોડામાં મારી બા મારી સામે રાંધતી હતી. હું સામે ભીંતે બેસીને મોટે-મોટેથી રડતો હતો. વેન કરેલું. બા ને મોડું હતું. બપોરનો એક વાગી ગયો હતો. ખેતરે દાડિયાના આઠ જણના ભાત બાંધવાના હતા. એ બા…તું રોટલી કરતી હતી. સાથે સાથે મને છાનો રાખવા ગીત ગાતી હતી…કાના ને માખણ ભાવે રે… એય બા…હું છાનો રેતો જ ન હતો. તારે રાંધવાનું મોડું થતું હતું. બાપુજી ખેતરેથી ભાત લેવા આવવાના હતા. પચાસ રોટલી બનાવવાની હતો. પરિસ્થિતિએ તો તારી આંખમાં પણ આંસુ આપી દીધેલું. પણ જયારે હું રડતો બંધ ના થયો ત્યારે એય બા…મને યાદ છે તું તારા લોટ વાળા હાથને ઉભી થઈને રડતી મારી પાસે આવેલી અને મને તારી બાહોમાં ઉપાડી લીધેલો. તારે માટે દીકરો રડતો હોય ત્યારે ભાત પડતું મુકીને મને રમાડવાનું પ્રથમ સ્થાને હતું. હજુ છે. બસ…આ તારા ચરણોમાં.
તારા દીકરા તરીકે તનેય ક્યારેય રડવા નહી દઉં. પ્રોમિસ. પાકું પ્રોમિસ.
૨) મારી દોસ્તને… તેનું નામ હું લખી નથી શકતો. કારણ ડાયરીમાં કહીશ ક્યારેક. એવી દોસ્ત જેણે મને જીવનમાં ઘણું શીખવ્યું…પણ એક વાત શીખવતા ભૂલી ગઈ- કે જયારે તે મારી દોસ્તીને ધીમે-ધીમે પડતી મૂકી રહી છે ત્યારે મારે પણ એ સમજીને કઈ રીતે મુવ-ઓન થઇ જવું. ગાંડી…તું મને તારી દોસ્તી ભૂલવાનું શીખવતા ભૂલી ગઈ. તને પણ આ બધું અર્પણ…
૩) Reader Beauty ને અર્પણ. વિશ્વમાનવ વાંચીને મને મેસેજ કરતી છોકરી. હવે ખુબ સારી દોસ્ત. ઓયે બ્યુટી…મેં તને ક્યારેય કહ્યું નથી પણ આ ડાયરીમાં સાચું જ બોલવાનું છે એટલે કહું છું: તારું ફેસબુક ડીપી જોઇને માલ લાગેલી એટલે મેં વોટ્સએપમાં જલ્દી-જલ્દી બધા જવાબ આપેલા. મનમાં થયેલું: આ પટવાની! સાચે જ. અને તને ખબર છે જ…હું તને પતાવવાની ટ્રાય કરતો હતો. બાય-ધ-વે…તારા બીજા કેટલાયે ફોટો જોયા પછી તું કઈ એવી ક્યુટ-ક્લાસિક દેખાતી નથી. હવે આ વાંચીને મારી સાથે બોલવાનું બંધ ના કરતી. મને દોસ્તીમાં મુવ-ઓન થતા નથી આવડતું. પેલી દોસ્ત શીખવતી નથી ગઈ.
Contd…
For all the updates follow this blog or visit my FB profile: https://www.facebook.com/jitesh.donga.18
Filed under: About, Diary, Jitesh Donga, Life, Truth Tagged: Diary, Diary of a drunk writer, jitesh donga, life, Love;philosophy;life, personal, Vishwamanav
April 25, 2015
Books I read in this Summer. Part- 3
“How ever, I’ve learned that the heart can’t be told when and who and how it should love. The heart does whatever the hell it wants to do. The only thing we can control is whether we give our lives and our minds the chance to catch up to our hearts.”― Colleen Hoover, Maybe Someday
દોસ્તો…બે દિવસ પહેલા મેં એક વાક્ય લખેલું: 24 is the Worst age!
માંડીને વાત કરું આ અહેસાસ પાછળની વાત. હું ફેસબુક કરતા વધુ ટાઈમ ગુડ-રીડ્સ પર ફાળવતો હોઉં છું. બે દિવસ પહેલા જ એક રેન્ડમ બુક ડાઉનલોડ કરી, અને અમસ્તા જ લેખકની ત્રેવડ જોવાના ઈરાદે વાંચવાની શરુ કરી. બસ…પછી ખબર નહી કેમ પેલી લેખક જાણે મને એના વિશ્વમાં એવી તે અપહરણ કરી ગઈ કે ભટકી જવાયું અને લખાઇ ગયું… 24 is the Worst age!
આ એક એવી રોમાન્સ નોવેલ છે જેના પાત્રો તમારા હૃદયમાં ‘પ્રેમ અને દોસ્તી’ નામના ‘પાનું અને પકડ’ લઈને એવા ઘુસી જાય છે કે એકવાર તમે તેને તમારા હૃદયમાં એન્ટ્રી આપો એટલે એ અંદર ઘૂસીને માત્ર શબ્દોની તાકાતથી તમારા હૃદયને તોડી-મરોડી-પીંખી-ચૂંથી-ચીરી-વધેરી-ચોળી નાખે છે! વાંચક રડતો થઇ જાય છે.
મારા જેવો મોડી રાત્રે ચાર વાગ્યે નોવેલને બાજુમાં મુકીને બાલ્કનીમાં જઈને અંદરનો રોમાંચ-એડ્રેલીનનું વાવાઝોડું બંધ કરવા અંધારામાં રાડો નાખી લે છે. બુકના પાત્રો સાથે એવો પ્રેમ થઇ જાય છે જાણે વાંચતા-વાંચતા જ હૃદય હાથમાં આવી ગયું હોય અને શબ્દે-શબ્દે ધીમું-ફાસ્ટ થતું દેખાતું હોય એવું લાગે!
અને સૌથી બેસ્ટ…નવલકથાનું વચ્ચે-વચ્ચે આવતું મ્યુઝીક! જી હા, બુકનો હીરો તેના બેન્ડના ગિટાર+લીરીક્સ લખતો હોયને જ્યાં પણ વચ્ચે ગીત આવે ત્યારે વાંચકે યુ-ટ્યુબ પર એ ગીતને સાંભળવાનું! અહાહા…જાણે થોડીવાર પહેલા રડાવતા પાત્રો જાતે જ તમારા હૃદયને મલમ-બ્લેન્ડેડ લઈને પાછું રીપેર કરી નાખે! ખેર…કોઈ ચીલાચાલુ-ગર્લી ટાઈપ નોવેલ ન હોયને ઓનલાઈન વાંચવી હોય તો ૭૦૦ પેજ માટે લેપટોપ સામે બેસવાની ત્રેવડ જોઈએ. પણ એના કરતા એમેઝોન પરથી ખરીદીને લેખકને ફેવર કરી શકાય!
છેલ્લા વખાણ: જો પ્રેમને ખુબ નજીકથી એક-એક તાંતણે અનુભવવો હોય તો બુકની લેખિકા કોલીન હુવરને વાંચવી જ રહી.
૨) The Ocean at the end of Lane: “I lived in books more than I lived anywhere else.” હજુ થોડા પેજ બાકી છે આ બુકના…તેમ છતાં કહી દઉં: લેખક બનવા માંગતા દરેક યુવાને એકવાર તો નેઈલ ગેઈનમેનને વાંચવો જ રહ્યો. મને તો આ લેખકડો જ એટલો ગમે છે જે મારી બુકમાં પણ સેન્ડમેન સીરીઝનો એક પેરેગ્રાફ મુકેલો. ઈમેજીનેશન ની અલગ જ દુનિયામાં ખેંચી જતી અને નેઈલના દરેક વર્કથી તદન અલગ એવી આ બુક હું તો કહું છું કે ઉપરનું વાક્ય પૂરું સાર્થક કરે છે. જાણે પાને-પાને તેના પાત્રોના જીવનને જીવીને તમને થાય: “I lived in this book more
than I lived anywhere else.”
3) The Atlas shrugged: આ બુક પર જ બીજી બુક લખી શકાય! હું બે આર્ટીકલ જરૂર લખીશ. વેઇટ. લાંબી ૧૦૦૦ પેજની બુક છે… પૂરી થવામાં થકવી નાખશે. વેઇટ!
Last Shot on reading: “You don’t have to burn books to destroy a culture. Just get people to stop reading them.”
― Ray Bradbury
Filed under: Reading books Tagged: atlas shrugged, Books, jitesh donga, literature, Neil gainman, Reading, Vishwamanav


