વચનો અને યાદો

જયારે મારે જનમ થયો, હું રડ્યો. કદાચ મને નવી દુનિયાનો ભય હતો. પણ જીવનમાં મને પરિવાર, મિત્રો, યાદો, આનંદ, ઉત્તેજના અને ઘણું બધું મળ્યું.
જ્યારે હું પહેલી વાર શાળાએ ગયો, હું શંકાશીલ હતો. સૈંકડો નવા ચહેરાઓ જોયા, પણ જીવનમાં મને ત્યાંથી વફાદાર સાથીઓ મળ્યાં.
જ્યારે મે પહેલીવાર સાયકલ ચલાવી, મને પડવાનો ડર હતો. પણ જીવનમાં મને એનાથી અઝાદી અને પ્રવાસ મળ્યાં.
જ્યારે હું બીજી ભાષા સીખ્યો, ઍ ભાષાના ઉપયોગ માટે અનિચ્છિત હતો. પણ જીવનમાં એણે નવા જ્ઞાનના દરવાજા ખોલ્યા.
મેં મિત્રો સાથે દલિલ કરી, ઝઘડા પણ કર્યા, પણ એ જ મિત્રો સાથે મજાનો સમય ગાળ્યો અને અનેક યાદો બનાવી.
વર્ષો વિત્યા, સંબંધો ગહેરા બન્યા, વિશ્વાસ વધ્યો, પણ જીવને કેટલાક લોકો અને સંબંધો છીનવી લીધા.
મિત્રો સાથે સાયકલ ચલાવવાની યાદો મોપેડ અને ગાડીઓ ચલાવવામાં ખોવાઈ ગયી.
મારા મનપસંદ ફેરિયાઓ, ઠેલાઓ, બસો, મંદિરો, બંગલાઓ, રસ્તાઓ, જાહેરાતો, ગાયો, કુતરાઓ, ખાડાઓ, ગટરો બધાની આદત પડી. જીવનમાં આગળ વધ્યા અને બધું પાછળ છૂટી ગયું.
દરેક સંઘર્ષની મજા જીવનની સહેલાઇમાં તણાઈ ગયી.
હું વિશ્વાસ કરતા શીખ્યો. હું પ્રેમ કરતાં શીખ્યો. હું મદદ લેતા શીખ્યો.પણ જીવને મને ઘણા દગા આપ્યા.
જીવનનું તો કામ છે દગાખોરી કરવાનું. જીવનની આદત છે વચન આપવાની અને પછી વચન તોડવાની. કેટલાક વચનો સારા તો કેટલાક ખરાબ હોય છે. કેટલાક વચનો ફાયદો કરાવે તો કેટલાક નુકશાન. કેટલાક વચનો ઉત્તેજીત કરે, કેટલાક કંટાળો અપાવે, કેટલાક આગળ લઈ જાય, કેટલાક પાછળ ખેંચે, કેટલાક યાદો બનાવે તો કેટલાક યાદો ભુંસવે.
જયારથી જનમ થયો છે ત્યારથી જીવન આપણને વચનો આપે છે અને આપણે એની યાદો બનાવીએ છીએ. એ યાદોને વાગોળીને જીવન જીવીએ છીએ. જે સમયે આપણે યાદો બનાવવાનું ઓછું અને વાગોળવાનું વધારે કરીએ ત્યારે જીવન અંત તરફ આગળ વધવા માંડે છે. આપણું જીવન ત્યારે જ પતી જાય છે જ્યારે આપણે યાદો બનાવવાનું બંધ કરી દઈએ છીએ. એ દિવસ પછી જીવન ના કોઈ વચન આપશે કે ના કોઈ વચન તોડશે. એટલા માટે નહીં કે જીવનમાં વચનો તોડવાની શક્તિ નથી પણ જીવનમાં તોડવા લાયક વચનો જ નથી બચ્યા. હા, જીવનમાં તૂટેલા વચનોની ભરમાર છે અને એ જ યાદો બને છે. યાદો એવી કે જે આપણને જીવિત રાખે છે.