Page-1 : Diary of a drunk writer: Jitesh Donga

Page : 1


This is an experiment. Yes…an experiment. અત્યારે આ ચાલુ કરી રહ્યો છું લખવાનું ત્યારે મન ડરી રહ્યું છે. ખચકાઈ રહ્યું છે. પણ આ એ જ અંત:આત્મા છે જેણે છેલ્લા અઠવાડિયાથી મને રોજે, દર કલાકે કહ્યું છે કે દોસ્ત…તું એક ડાયરી લખ. ઓનલાઈન. ઓનેસ્ટ. એટલી પ્રમાણિક કે તેના દરેક શબ્દમાં તારું નર્યું સત્ય જ માત્ર હોય. નગ્ન સત્ય. જેમાં લખાયેલો દરેક શબ્દ ભલે તારી પબ્લિક ઈમેજ કે પારિવારિક લાઈફને અસર કરે. પણ લખ. ભલે તારી વાતો વાહિયાત ઠરે. ભલે તારી નબળાઈઓ છતી થાય સેંકડો લોકો વચ્ચે. પણ લખ. શરત એટલી જ કે આ ડાયરી લખતી સમયે કોઈ પણ શબ્દ ‘ક્યાં કહેંગે લોગ’ વિચારીને બેકસ્પેસ ના લાગવો જોઈએ. કડવું-ગંદુ-દેખાતું સત્ય. લખ્યા પછી તારે માત્ર આ ડીજીટલ વિશ્વમાં તરતું મુકવાનું છે. કોઈની પરવા કર્યા વિના તેને કરોડો શબ્દોના કલાઉડમાં વિલીન થવા દેવાનું છે. લોકોને જે સમજવું હોય તે સમજે. બોલવું હોય તે બોલે. કહેવું હોય તે કહે…પણ લખતી સમયે મારો ધર્મ સત્ય હોવો જોઈએ. લખ્યા પછી મારો ધર્મ એને ભૂલી જવું એ જ હોવો જોઈએ. જે થશે એ જોયું જશે.


મન હજુ કચવાઈ છે…પણ હું લીધેલા કામ પુરા કરવામાં પાવરધો બની ગયો છે. હવે આવતા નેવું દિવસ સુધી આ ડાયરી લખતો રહીશ. જીવનના બધા રંગ રેલાવીશ સચ્ચાઈની ઉલટી કરતી આ આંગળીઓ અને કી-બોર્ડ પરથી. એકાદ બે દિવસના ગાળે પેજ-બાય-પેજ લખતો રહીશ. જયારે મનને ખાલી થવાની ઈચ્છા થશે ત્યારે લેપટોપ ખોલીને નર્યું લખીશ. લખતી સમયે બીજો એક પણ વિચાર મને પ્રમાણિક બનતા નહી રોકી શકે. આત્મા પર મને વિશ્વાસ છે.


હું પણ આ બધું દુનિયા સામે કેમ શેર કરી રહ્યો છું? મારી પર્સનલ ડાયરીમાં પણ લખી શકાય. ના. એનો મનમાં કોઈ જવાબ નથી. અઠવાડિયા પહેલા ઓનલાઈન ડાયરી લખવાનો વિચાર બસમાં બેઠા-બેઠા આવ્યો ત્યારે આ સવાલ થયેલો. ત્યારે મન કહેતું હતું: સત્ય અને ઓનેસ્ટી વાપરીને લખીશ એ કાતિલ હશે. મીઠું હશે. કાતિલ મીઠાશ હશે. લોકો હસશે તારા પર. ફેસબુક પર તને વાંચીને કે વિશ્વમાનવ વાંચીને લોકોના મનમાં જે જીતેશ દોંગા છે તે ભાંગીને ચુથો થઇ જશે. તારો માસ્ક ઉતરી જશે. તું નાનકડી સેલીબ્રીટી માંથી ફરી સામાન્ય બની જઈશ.


બસ… આ જ જોઈએ છે મારે. મારે નથી જોઈતું કે વિશ્વ મને કોઈ માસ્ક સાથે જુએ. કોઈ વિચારક કે લેખક તરીકે મારી જે ઈમેજ છે તેને લઈને મને ટ્રીટ કરે. Fuck it. Fuck the mask which is not you. Hell with that image. પરંતુ આજે મન એવું પણ કહી રહ્યું છે કે સાચું બોલીશ તો લોકો વધુ ઉંચે પણ મૂકી દેશે. ક્યાંક કશુક નવું વાંચ્યાનો અહેસાસ તેમને થશે અને તને વધુ ચાહવા/ધિક્કારવા લાગશે. વેલ…એવું થશે તો મને કોઈ ગિલ્ટી ફિલ નહી થાય. નાગો દેખાઇશ. ખુબ સારું. મારી નગ્નતા કોઈને ગમશે. ખુબ સારું. કદાચ આ નગ્નતા બીજા સેંકડો લોકોના રોજીંદા જીવન સાથે મેચ થાય અને એમને પણ આ ડાયરી ટચ કરી જાય. ખુબ સારું. અને ફાઈનલી…મને મારા વખાણ-નિંદાની કશી પડી નથી. એ નર્યું સત્ય છે.


ખેર…જે થવું હોય તે થાય. ફૂંકી-ફૂંકીને આજ સુધી ક્યારેય જીવ્યો પણ નથી તો પછી લખવામાં ખાક શરમ રાખું? ક્યારેય નહી.


આ ડાયરીનું ટાઈટલ આવું કેમ રાખ્યું? બસ..મનમાં આવ્યું કે પીધેલો માણસ સૌથી વધુ પ્રમાણિક હોય છે. સાચું બોલી જાય છે. મારે અનુભવ પણ છે. એટલે પીધેલા વ્યક્તિની જેમ મારે અહી સાચું લખવાનું છે. બસ…


શું લખવાનું છે? મારો ગુસ્સો. મારી ખુશી. મારી રોજીંદી વાતો. વિચારો. ગાળો. ગાળો. ગાળો. પોતાની સાથેની વાતો. પોતાની નબળાઈઓ. સપનાઓ. સારા પાસાઓ. ઝંખનાઓ. બધું જ…


****************************************************************************************************


                                                                            અર્પણ…  ત્રણ વ્યક્તિને…


૧) જયારે હું બે ત્રણ વરસનું બાળક હતો. રસોડામાં મારી બા મારી સામે રાંધતી હતી. હું સામે ભીંતે બેસીને મોટે-મોટેથી રડતો હતો. વેન કરેલું. બા ને મોડું હતું. બપોરનો એક વાગી ગયો હતો. ખેતરે દાડિયાના આઠ જણના ભાત બાંધવાના હતા. એ બા…તું રોટલી કરતી હતી. સાથે સાથે મને છાનો રાખવા ગીત ગાતી હતી…કાના ને માખણ ભાવે રે… એય બા…હું છાનો રેતો જ ન હતો. તારે રાંધવાનું મોડું થતું હતું. બાપુજી ખેતરેથી ભાત લેવા આવવાના હતા. પચાસ રોટલી બનાવવાની હતો. પરિસ્થિતિએ તો તારી આંખમાં પણ આંસુ આપી દીધેલું. પણ જયારે હું રડતો બંધ ના થયો ત્યારે એય બા…મને યાદ છે તું તારા લોટ વાળા હાથને ઉભી થઈને રડતી મારી પાસે આવેલી અને મને તારી બાહોમાં ઉપાડી લીધેલો. તારે માટે દીકરો રડતો હોય ત્યારે ભાત પડતું મુકીને મને રમાડવાનું પ્રથમ સ્થાને હતું. હજુ છે. બસ…આ તારા ચરણોમાં.


તારા દીકરા તરીકે તનેય ક્યારેય રડવા નહી દઉં. પ્રોમિસ. પાકું પ્રોમિસ.


૨) મારી દોસ્તને… તેનું નામ હું લખી નથી શકતો. કારણ ડાયરીમાં કહીશ ક્યારેક. એવી દોસ્ત જેણે મને જીવનમાં ઘણું શીખવ્યું…પણ એક વાત શીખવતા ભૂલી ગઈ- કે જયારે તે મારી દોસ્તીને ધીમે-ધીમે પડતી મૂકી રહી છે ત્યારે મારે પણ એ સમજીને કઈ રીતે મુવ-ઓન થઇ જવું. ગાંડી…તું મને તારી દોસ્તી ભૂલવાનું શીખવતા ભૂલી ગઈ. તને પણ આ બધું અર્પણ…


૩) Reader Beauty ને અર્પણ. વિશ્વમાનવ વાંચીને મને મેસેજ કરતી છોકરી. હવે ખુબ સારી દોસ્ત. ઓયે બ્યુટી…મેં તને ક્યારેય કહ્યું નથી પણ આ ડાયરીમાં સાચું જ બોલવાનું છે એટલે કહું છું: તારું ફેસબુક ડીપી જોઇને માલ લાગેલી એટલે મેં વોટ્સએપમાં જલ્દી-જલ્દી બધા જવાબ આપેલા. મનમાં થયેલું: આ પટવાની! સાચે જ. અને તને ખબર છે જ…હું તને પતાવવાની ટ્રાય કરતો હતો. બાય-ધ-વે…તારા બીજા કેટલાયે ફોટો જોયા પછી તું કઈ એવી ક્યુટ-ક્લાસિક દેખાતી નથી.  હવે આ વાંચીને મારી સાથે બોલવાનું બંધ ના કરતી. મને દોસ્તીમાં મુવ-ઓન થતા નથી આવડતું. પેલી દોસ્ત શીખવતી નથી ગઈ.


Contd…


For all the updates follow this blog or visit my FB profile: https://www.facebook.com/jitesh.donga.18


Filed under: About, Diary, Jitesh Donga, Life, Truth Tagged: Diary, Diary of a drunk writer, jitesh donga, life, Love;philosophy;life, personal, Vishwamanav
 •  0 comments  •  flag
Share on Twitter
Published on May 06, 2015 00:14
No comments have been added yet.