મારા જીવનનો વિલાપ

એક કુશળ અને આકર્ષક જાદુગરની જેમ
તે એક પછી એક નવા અજુબા બતાવ્યા
સરવાળા અને ગુણાકારના કેવા કેવા વ્હેમ
ઊંચી ઇમારતોમાંથી રેતીના ઢેર બનાવ્યા
હથિયાર અને બારુદ સાથે વર્ષો વિતાવ્યા
યુદ્ધના વિનાશ કે પુનઃ નિર્માણનો સમય
મારા ભાઈબંધુઓને મેં બંનેમાં ગુમાવ્યા
સુખ અને દુખમાં સંતુલનનો નિશ્ર્ચય
મારા જીવનની દરેક ક્ષણમાં હતો ભય

એક પછી એક મિત્રોના નામ ભુલાયા
જ્યારે જ્યારે પરિવારજનોની ઘટ પડી
એ શોક-વ્યથામાં પારકા પોતાના બન્યાં
સગાવ્હાલાઓએ સંભાળી દરેક ઘડી
આગાહી વગર વરસી મોતની કડી
ચબુતરાના પક્ષીઓએ મને હસાવ્યો
મારી સાથે બધી ચકલીઓ પણ રડી
સર્વનાષ પછી સર્જનનો સમય આવ્યો
મારા જીવનમાં વિચ્છેદનો વંટોળ વાયો

લાગણીનો મહેરામણ, નિરાશાની ગાગર
ઊંઘનો અભાવ અને છૂટી ગયેલો પ્રેમ
યુદ્ધ શ્રેત્રમાં હતો તકલીફનો મહાસાગર
છતાં હું જીવ્યો જીવન મારુ હેમખેમ
પાછી લાવું એ સમજણ કરીને કેમ?
ગુમાવી મારા સમાજે જે તોપમારામાં
નવા તહેવારો ઉજવ્યાં અમે જેમ તેમ
મણકાથી માળા જોડવાની ખુશી ચહેરામાં
મારા જીવનનો આનંદ હતો જીવવામાં

ના પોતાના બચ્યા છે કે ના પારકા
આજે હું મરણશય્યા ઉપર ઊંધું છું
અચાનક તો નહીં જવું હું દ્વારકા
પાછળ રડવાવાળી આંખો શોધું છું
આ દુનિયા છોડવા માટે તૈયાર છું
યુદ્ધ, શાંતિ, વિનાશ કે પુનઃનિર્માણ
દરેક ઉતારચઢાવનો આભારી છું
આ મારો વિલાપ છે મારું લાખાણ
મારા જીવનનો આજે છે નિર્વાણ

 •  0 comments  •  flag
Share on Twitter
Published on August 23, 2021 00:13
No comments have been added yet.