હું વિરોધ કેમ કરું છું?

હું વિરોધ કરું છું કારણ કે મને ડર છે. મને ડર છે બદલાવથી. મને ડર છે હારવાનો. મને ડર છે એમનો.
હું વિરોધ કરું છું કારણ કે મને નફરત છે. મને નફરત છે બદલાવથી. મને નફરત છે હારથી. મને નફરત છે એમનાથી.
હું વિરોધ કરું છું કારણ કે મને આદત છે. મને આદત છે વિરોધની દિનચર્યાની. મને આદત છે એમના તરફ તિરસ્કારની.
હું વિરોધ કરું છું કારણ કે હું તાલીમબધ્ધ છું. મને તાલીમ મળી છે એમની સામે પડવાની.
હું વિરોધ કરું છું કારણ કે મને સ્વીકૃતિ મળે છે. મારા મિત્રો મને સ્વિકારે છે જ્યારે હું એમની ધ્રુણા કરું છું.
હું વિરોધ કરું છું માન્યતાઓના આધારે. હું ક્યાં એમને જાણુ છું?
હું વિરોધ કરું છું કોઈકના કહેવાથી. પ્રતિકાર તો મારે એમનો કરવો જ પડે.
હું વિરોધ કરું છું કારણ કે હું નબળો છું. મારામાં શક્તિ નથી એમને બદલવાની.
હું વિરોધ કરું છું કારણ કે હું એક પ્યાદો છું એટલે નહીં કે મારામાં સામર્થ્ય છે.
હું વિરોધ કરું છું એક યોજનાના ભાગ રૂપે. મારા અભિપ્રાયો બનાવવામાં આવ્યા છે એમની સામે.
હું વિરોધ કરું છું વિરોધ કરવા ખાતર. વિરોધ કરવા ખાતર કરેલો વિરોધ એમને ધ્રુજાવી દેશે.
એક દિવસ હું એમનું રૂપ લઈને એમને સમજવા માટે એમનામાં ભળી ગયો.
એમની પાસે પણ એક વાર્તા હતી. એમનો ઇતિહાસ એમને ડરાવતો ગયો.
એમના ઘા રુઝાયા ન હતા. એમને આખી દુનિયા પર અવિશ્વાસ હતો.
એમણે બળ ભેગું કર્યું હતું. એમને વિરોધની તાલીમનો આભાસ ન હતો..
એમને પણ મારો ડર હતો પણ એમણે વિરોધનો વિકલ્પ નતો રાખ્યો.
એ મને દબાવવામાં સાચા હતા કે હું એમના તરફની નફરતમાં સાચો હતો?
એમના ઘા જોયા પછી મને એમના તરફ સહાનુભૂતિ થઈ હતી.
હવે હું એમને મિત્ર બનાવું, એમની અવગણના કરું કે એમનો વિરોધ કરું?
હું સાચો છું, એ સાચા છે. મારી સમજણ ક્યાં ગાયબ થઈ ગઈ હતી?
હું એમને પ્રેમ નથી કરતો. હું એમને નફરત કરી નથી શકતો. હું એમને શું જણાવું?
શું હું સમજદાર વ્યક્તિ બનીને મારા મિત્રો ગુમાવું?
આદત, તાલીમ, નબળાઈ, નફરત, ડર, માન્યતા, યોજના. હું એમને મારો વિરોધ કઈ રીતે સમજાવું?
હું મારી દુનિયામાં જ ઠીક હતો. હું એક પ્યાદો બનીને જ ખુશ હતો. મેં મારી અસમજણમાં એમનો વિરોધ કર્યો રાખ્યો હોત અને એમના વિરોધમાં જીવનનો લુત્ફ લીધે રાખ્યો હોત.