ઈન્દ્રધનુષને પેલે પાર

વાદળોના પડદા જમીનને અડ્યા અને સુર્યના કિરણો એને ચીરતા આવ્યા
ક્ષિતિજની સોનેરી રંગછટાના પડછાયાથી કાદવ અને રેતના પથ્થરો ઝગમગ્યા
લાલ, કથ્થઈ, લીલા અને ભૂખરા રંગોની જમીનના સ્તરો જાદુઈ બન્યા
ઈન્દ્રધનુષને પેલે પાર સાતેય રંગથી મઢેલ નવી દુનિયાના દરવાજા ખુલ્યા
લાંબી ગોકળગાય પાણીમાં તરી, વિશાળ પક્ષીઓ આકાશમાં ઉડ્યા
ગામ જેટલી પહોળી નદીઓમાં પાણીના તોફાની વમળો ચડ્યા
ડાઇનોસોર ના વિનાષ બાદ એમના અશ્મિભૂત અવશેષો બન્યા
ઈન્દ્રધનુષને પેલે પાર સાતેય રંગથી મઢેલ નવી દુનિયાના દરવાજા ખુલ્યા
મકાઇ અને કઠોળની ખેતી, જંગલી જાનવરોના શિકારથી પેટ ભર્યા
જમીનની નીચે અને ગુફાની અંદર એક નવા સમાજના એંધાણ થયા
યુદ્ધ, રોગચાળો અને દુષ્કાળથી એ સમાજના શુરવીર ના બચી શક્યા
ઈન્દ્રધનુષને પેલે પાર સાતેય રંગથી મઢેલ નવી દુનિયાના દરવાજા ખુલ્યા
વાતાવરણના બદલાવ, વાદળોની અછત, નદીઓના વહેણ બદલાયા
રણપ્રદેશ વિસ્તર્યો અને સંસ્કૃતિઓ ભુસાઈ, શાંતિના શણગાર સજ્યા
દુર્ગમ પ્રદેશના કઠીન જીવનમાં માત્ર કેટલાક પશુ-પક્ષી-છોડ બચ્યા
ઈન્દ્રધનુષને પેલે પાર સાતેય રંગથી મઢેલ નવી દુનિયાના દરવાજા ખુલ્યા
આધુનિક જગતના નિયમો સાથે ઔદ્યોગિક સાધનો છેવટે પહોંચ્યા
ખનીજોનું ખોદકામ અને પથ્થરોની ખાણના ઉત્પાદન વધતા ગયા
નફાની લાલસાના પાલવે આગગાડી, રસ્તાઓ અને શહેરો બન્યા
ઈન્દ્રધનુષને પેલે પાર સાતેય રંગથી મઢેલ નવી દુનિયાના દરવાજા ખુલ્યા
આજે આ જમીન પર હુ ઊભો જ્યાં ઇનિહાસે કેટલાય પાઠ લખ્યા
સદીઓની વાતો, સભ્યતાઓનું ગોરવ રેતી પર લખેલ શબ્દો નીકળ્યા
પર્યટનનું આકર્ષણ અને પ્રવાસીઓના મનોરંજનના પ્રકરણ જ બચ્યા
ઈન્દ્રધનુષને પેલે પાર સાતેય રંગથી મઢેલ નવી દુનિયાના દરવાજા ખુલ્યા