એરેંજ મેરેજ કે કોંટ્રાક્ટ મેરેજ ?
મેં આ લેખનું નામ અંગ્રજીમાં લખ્યું છે, તેનું એક કારણ છે, જે તમે લેખ પુરો કરશો ત્યાં સુધીમાં સમજાઇ જશે…! હવે, આપણે આગળ વાત કરી ચુક્યા તેમ, લગ્ન ઘણા પ્રકારના હોય છે, જેમાનો એક પ્રકાર છે, ગોઠવેલા લગ્ન એટલે કે એરેંજ મેરેજ..! બે પરિવાર ભેગા મળીને નિર્ણય લે કે પોતાના ઘરનું પાત્ર સામેના ઘરના પાત્ર માટે યોગ્ય છે અને એ બંન્ને પાત્રો એકબીજાને મળીને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે અને પછી એ નિર્ણય પર આવે કે આપણે લગ્ન ગ્રંથીથી જોડાવું જોઇએ, તેને કહેવાય ગોઠવેલા લગ્ન અથવા એરેંન્જ મેરેજ..!
ગોઠવેલા લગ્નનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં બંન્ને પરિવારની સંમતી હોવાથી બંન્ને પાત્રોના મા-બાપ અને કુટુંબીઓના આશિર્વાદ સાથે હોય છે..! જે એક હકારાત્મક વાતાવરણના નિર્માણનું કારણ બને છે..! બંન્ને પાત્રો એકબીજાને સમજવાનો સમય આપે છે..! અને ઘણી વખત લગ્ન બાદ કે તેના થોડા સમય પહેલા એકબીજાના પ્રેમમાં પણ પડે છે..! એક રિતે જોવા જઈએ તો આ લગ્ન સમજી વિચારીને કરવામાં આવતા હોવાથી, આ લગ્નના સફળ થવાનાં કિસ્સા વધારે જોવા મળે છે..! (અહીં જ્યાં મા-બાપ પરાણે દિકરી કે દિકરાના લગ્ન પોતાના મનપસંદ પરિવારમાં કરાવતા હોય છે તેને અપવાદ કહી શકાય..! અથવા તેને બળજબરીથી કરાવવામાં આવેલા લગ્ન કહી શકાય.!)
પણ હવે આપણે આ પ્રકારના લગ્નનો થોડા ઉંડાણથી જોઇએ..! પહેલા આ પ્રકારના લગ્ન માટે તૈયાર થનાર બે પાત્રોની માનસીકતાની ચર્ચા કરી લઈએ..! મારા અનુભવો અને નિરિક્ષણોમાં મે મોટાભાગે જોયું છે કે જે લોકો લગ્ન જેવી બાબતમાં રિસ્ક લેવા નથી માંગતા તે આ નિર્ણય તેમના મા-બાપ પર નાખે છે અને પોતે તેના મુક પ્રેક્ષક બને છે.! ઘણી વખત પોતે કોઇ પાત્ર શોધવામાં અસમર્થ હોય ત્યારે પણ તે પરિવારનો સહારો લે છે..! કે તેમની આબરૂને ધ્યાનમાં રાખીને પોતાની સાથે લગ્ન કરવા કોઇ હા પાડી દે અથવા મળવા તો તૈયાર થાય તો ઘણી વખત સંસ્કાર આડા આવે છે કે આ નિર્ણય લેવાનો અધિકાર તો મા-બાપનો જ હોય..!
ઉપરના ત્રણેય કિસ્સામાં બે આત્માના મિલનની ક્યાંય વાત નથી આવતી. બંન્ને પાત્રોની એવી માનસીકતા જરૂર હોય છે કે તે લોકો જેમની સાથે લગ્ન કરશે તેમને વફાદાર થઈને રહેશે, તેમને આખી જીંદગી પ્રેમ કરશે..! તેમની સાર-સંભાળ રાખશે પણ હકિકતમાં જોવા જઈએ તો આ બધી વાતોનું ધ્યાન ઉપર ઉપરથી રાખવામાં આવે છે..! મતલબ કે બંન્ને પાત્રો એકબીજા સાથે કોંટ્રાક્ટમાં ઉતરે છે..! જેને હું સમજોતો કહીશ..!
હવે મુદ્દો એ છે કે શું દરેક એરેંજ મેરેજ આ પ્રકારના હોય છે.? તો ના, પણ હા મોટાભગના તો હોય છે..! ભારતમાં લગ્નનો અર્થ કદાચ સૌથી સારામાં સારી રિતે સમજાવવા આવે છે પણ તેનો અમલ એટલી જ ખરાબ રિતે થાય છે નહિતર પતી-પત્ની પર આટલા બધા ટુચકુલા ના બનાવવામાં આવતા હોત..! તો વાત અહીં એ છે ખામી ક્યાં રહી જાય છે..? તો આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ.
મા-બાપની મહાત્વાંકાંક્ષા, લગ્ન કરનાર પાત્રોની નાસમજ અને લાલચ આ લગ્ન જેવી મહાન સંસ્થાના ભંગાણનું કારણ છે..! બધાને સારું પાત્ર જોઇએ છે પણ સારું પાત્ર એટલે શું? તેની વ્યખ્યા શું? જે પાત્રો પોતાની સુખ-સગવડતાનું ધ્યાન રાખી સામેવાળાને સુખ-સગવડતા આપવાનો પ્રયત્ન કરે તેને તમે આદર્શ પાત્રો કહેશો..? જ્યારે છોકરી છોકરાને મળતા પહેલા જ એ જાણી લે છે કે છોકરાની ભૌતીક લાયકાત કેટલી છે? કેટલો દેખાવડો અને ભણેલો છે અને છોકરાઓ એ જાણી લેવાનો પ્રયત્ન કરતા હોય કે છોકરી કેટલી રૂપાળી છે? કેટલી ભણેલી છે?
જેમ નોકરીઓની ભરતી માટે જાહેરાત બહાર પડે તેમ અહી જે તે જ્ઞાતીમાં કોઇને કોઇ રિતે જાહેરાત બહાર પડતી હોય છે કે જે તે ઘરની દિકરી માટે મુરતીયો શોધાઇ રહ્યો છે..! બસ પછી એપ્લીકેશનનો મારો ચાલું થઈ જાય છે..! મારી કાસ્ટમાં હજી બાયોડેટાની સિસ્ટમ નથી આવી પણ મારા ઘણા મિત્રોને મે લગ્ન માટે પોતાનો બાયોડેટા મોકલતા જરૂર જોયા છે..! ત્યારે આ પ્રશ્ન હું એક વાર જરૂર કરું કે નોકરી માટે અરજી કરે છે..? પણ જવાબ એવો કંઇક મળે કે આ જરૂરી છે અને થોડા દિવસો બાદ મને જાણવા મળે કે ભાઇને શોર્ટ લિસ્ટ થઈ ગયાં છે અને સામે વાળાનો બાયોડેટા મારા મિત્ર પાસે પહોચી ગયો છે..! જો બંન્નેને એકબીજાનો બાયોડેટા પસંદ આવે તો મુલાકાત ગોઠવવામાં આવે..! એટલે કે ઇંન્ટર્વ્યુ..!
અહીં બંન્ને પાસે એ અધિકાર હોય છે કે પોતાને ના પસંદ પડે તો ના પાડી શકે..! પણ આ મુલાકાત દરમિયાન પુછવામાં આવતા પ્રશ્નો મને વધારે મુંજવે છે..! મુખ્ય પ્રશ્નો પર નજર નાખીએ તો તમારા શોખ શું છે?, તમારી મનપસંદ વાનગી કંઇ છે..? તમને રસોઇમાં શું બનાવતા આવડે છે..? તમારો આગળની કારકિર્દી માટેનો શું વિચાર છે..? તમે સિટીમાં રહેવાનું પસંદ કરશો કે ગામડે.? તમારો કોઇ ફોરેન જવાનો પ્લાન ખરો..? તમારું ભુતકાળમાં કોઇ પ્રેમ પ્રકરણ હતું કે નહી..? તમને સંયુક્ત કુટુંબમાં રહેવાની કેટલી ઇચ્છા છે..? વગેરે આ સવાલો પરથી લોકો પોતાનો જીવનસાથી નક્કી કરતા હોય છે..!
પણ આમાં ક્યાંય એ પ્રેમતત્વનું નિશાન હોતું નથી..! એટલે એરેંન્જ મેરેજમાં મોટાભાગે બે પાર્ટીઓ મળી એળીને એકબીજાને ખુશ રાખવાનો કોંટ્રાક્ટ કરે છે…!
હવે એક વખત આ કોંટ્રાક્ટ ફાઇનલ થઈ જાય એટલે સગાઇ ગોઠવવામાં આવે છે અને બંન્ને પાત્રો એકબીજાને આરામથી હળી-મળી શકે છે..! અમુક જ્ઞાતીઓમાં સગાઇ ઘણો લાંબો સમય રાખવામાં આવે છે, જ્યારે અમુક જ્ઞાતીઓમાં જટ મંગની પટ બ્યાહ જેવી પરિસ્થીતી હોય છે..! અહીં જ્યાં સગાઇ લાંબો સમય સુધી રહે છે, તેમાં એકબીજાને સમજવાનો સમય વધારે હોવાથી લગ્ન સફળ જવાની સંભાવના વધારે રહે છે એમજ સગાઇ ટુટવાનો પણ એટલો જ ભય રહે છે..! કારણ કે સારા દેખાવાનું નાટક થોડો જ સમય ચલાવી શકાય..!
એરેંન્જ મેરેજમાં છોકરા –છોકરી બંન્ને પોતે પસંદ કરેલું પાત્ર સર્વશ્રેષ્ઠ જ છે, એવું માની બેઠા હોય છે..! જ્યારે માન્યતા પાક્કી હોય ત્યારે શંકા કરવાનો વિચાર જ નથી આવતો અને ત્યાં જ થાપ ખવાઇ જાય છે, માતાં-પીતાનાં આશિર્વાદથી પોતે પસંદ કરેલા પાત્રોમાં અટુટ વિશ્વાસ જ ઘણી વખત આખી જીંદગીના પસ્તાવાનું કારણ બને છે.
મોટાભાગના કિસ્સામાં પછી એ લવ મેરેજ હોય છે એરેંજ મેરેજ બંન્ને પાત્રો જાણતા કે અજાણતા લગ્ન પહેલા હંમેશા કોમ્પ્રોમાઇઝ (જતું કરવાનું વલણ) અપનાવતાં હોય છે અથવા પોતાનો સાચો સ્વભાવ છુપાવતાં હોય છે. લગ્ન બાદ સ્વભાવ અને પરિસ્થીતી બંન્ને એકબીજાની સામે જ હોય છે અને સહનશિલતાનું પ્રમાણ સૌથી ઓછું હોય છે. મને ઘણી વખત એવું લાગે કે જાણે બંન્ને પાત્રોએ દોડની સ્પર્ધામાં ભાગ લીધો હોય, એટલે દોડ પહેલા પુરી મહેનત કરી હોય પણ એક વખત જીતી ગયા પછી ટ્રોફી રૂમનાં કોઇ ખુણાંમાં શુશોભનનું સાધન બની ગયું હોય છે.
જેમ ધંધાના ભાગીદારો હળીમળીને ધંધો ઘણા વર્ષો સુધી ચલાવે, તેમજ આ પ્રકારના લગ્નોનોનું હોય છે..! પશ્વીમી દેશોમાં તલાકનું પ્રમાણ વધારે છે કારણ કે જ્યારે એક પાત્રને લાગે કે બીજું પાત્ર તેને બરાબર સહકાર નથી આપી રહ્યું એટલે છુટ્ટા થઈ નવા પાત્રની શોધમાં નીકળી જવાનું..!
ભારતની આ પરંપરા નહોતી..! અહી સાત જન્મોનું બંધન હતું, પતિને પરમેશ્વર અને પત્ની લક્ષ્મી ગણવામાં આવતી હતી..! જ્યાં પોતાના સ્વાર્થ પહેલા સામેવાળાની સગવડતા જોવામાં આવતી હતી..! પણ હવે એપલ અને જીન્સ સાથે આપણે એમના સંસ્કારો પણ ગ્રહણ કરી લીધા છે અને એટલે જ લગ્ન હવે લગ્ન મટી કોંટ્રાક્ટ બની ગયાં છે..!


