બાની રોટલી…

સોડાની એ નાનકડી બારીમાંથી શિયાળાની ઠંડી હવા આવતી. બા રોટલી બનાવતા હોય. હું એની સામે જોઇને બેઠો હોય.

“જીતું…જાને બટા…જર્સી પે’રી લેને.” એ મારી સામે જોઇને કહેશે. હું એના રોટલી વણતાં નાજુક હાથને જોયા કરતો. ઉભો ન થાઉં.


વર્ષોથી એ જ થતું. એ રોટલી બનાવ્યા કરે, અને હું એને જોયા કરું. બંને ચુપચાપ. ઠંડી હવા આવ્યા કરે. રોટલી વણાતી જાય. ચુલાની તાવડી પર મુકાતી જાય. ચીપિયા વગર પણ બા પોતાની જરા દાજેલી આંગળીઓથી એ ફૂલેલી રોટલીને ફેરવતી જાય. રોટલીમાં ક્યાંક કાણું પડી જાય અને ગરમ વરાળની સેર નીકળે. રસોડાના ઝાંખા અંધકારમાં એ વરાળ હવામાં ઉપર ઉઠતી દેખાય. એ વરાળની સુગંધ હતી. શેકાયેલા ઘઉંનું સુગંધ. માની મમતાની સુગંધ. એ મારી હુંફ હતી. બાની બાજુમાં બેસીને મારે જર્સી પહેરવી ન પડે.


બાળપણથી એ જોતો આવ્યો છું. હજુ એ દૃશ્યો યાદ છે. નાનકડો હતો. થોડી ગરીબી હતી. ગેસ ન હતો, ચૂલો હતો. બા ભૂંગળી લઈને ફૂંક માર્યા કરતી. પરસેવો લુંછ્યા કરતી. હું થોડે દૂર ઘોડિયામાં બેઠો હોઉં. એ એક પગ લાંબો કરીને પગની આંગળી સાથે ઘોડિયાની દોરી બાંધીને મને હીંચકાવે અને સાથે રોટલી પણ બનાવે. એ પગ આગળ-પાછળ કર્યા જ કરે. હું ઘોડિયા માંથી ઉભો થઇ ગયો હોઉં તો પણ એ અજાણતા હીંચકાવ્યા જ કરે. હું એના પગને, એના ચહેરાને, દડાની જેમ ફૂલતી રોટલીને, ચુલાના લાલ કોલસાને જોયા જ કરું.


થોડો મોટો થયો અને સ્કુલમાં જતો ત્યારે પણ તેની બાજુમાં બેસીને લેસન કર્યા કરું. બાની હુંફ, રોટલીની ગરમ વરાળ, અને રસોડાની બારીમાંથી આવતો પેલો ઠંડો પવન. હજુયે આ બધું જ જીવે છે. સમય બદલાતો ગયો.


એક વર્ષ રસોડામાં જ્યાં ચૂલો હતો ત્યાં ઉપર છત માંથી પાણી પડવા લાગ્યું. એ ચૂલાની જગ્યાએ મોબાઈલ ચૂલો આવ્યો. પછી ગોબરગેસ આવ્યો. ગોબરગેસમાં ઓછો ગેસ આવે એટલે બીજે દિવસે બા ઉપાધી કર્યા કરે. કુંડીમાં સરખુંથી છાણ ડોવે.


મોટો થયો. બાએ પાંચ સંતાનોને મોટા કર્યા. એકલે હાથે બધાની કૂણી-કૂણી રોટલીઓ એ ગેસ પર બનાવતી ગઈ. બધું બદલાયું. બાને કમર દુઃખવા લાગી. વર્ષો સુધી દુખી. પછી પગ દુખવાનું ચાલુ થયું. મને એમ જ લાગતું કે અમને પાંચ ભાઈ-બહેનને વર્ષો સુધી ઘોડિયામાં હિચકાવીને જ તેને પગનો દુખાવો થઇ ગયો હશે.


હાલ તે નીચે નથી બેસી શકતા. ઉભું રસોડું થઇ ગયું. બધી બહેનો સાસરે જતી રહી. દાદા ધામમાં જતા રહ્યા. ઘરમાં માત્ર હું, બા, અને બાપુજી. હજુ કમર અને પગ દુખ્યા કરે. હવે તે ખુરશી પર બેસીને રોટલી વણે છે. બેઠા-બેઠા સહેજ ત્રાંસા થઈને બાટલાં-ગેસ પર રોટલી ચોડવે છે. પરંતુ રોટલી ફૂલવાનો સમય થાય એટલે તરત જ ઉભા થઇ જાય, અને ખુબ કાળજીથી રોટલીને આંગળીઓથી ફેરવે. પેલી વરાળ ઉપર ઉઠે. બારીમાંથી શિયાળાની ઠંડી આવે. હું હજુયે બાજુમાં બેઠોબેઠો બાને, વરાળને, અને આ વર્ષોના એના અવિરત તપને જોયા કરું.


વળી એટલું જ નહીં. રોટલીને ભરપુર ઘી નાખીને ચોપડે. બધું તૈયાર થઇ જાય એટલે મને કહે: “જીતું…તારા બાપુજીને બોલવને. ખાવા બેસીએ.”


હું અને મારા બાપુજી છેલ્લા તેર-ચૌદ વર્ષથી એક જ થાળીમાં ખાઈએ છીએ. બા થાળી તૈયાર કરીને અમારી સામું જોઇને બેસે.


હા…જેમ હું એને રોટલી બનાવતી જોયા કરું, એમ એ મને ખાતો જોયા કરે. પરાણે ખવડાવે. થાળીમાં કશું જ પૂરું ન થવા દે. પાંચ જાતના અથાણાં મૂકી દે. આજકાલ હવે તે ખુરશી પર ખાય છે. એની થાળીમાં ઓછું શાક લે. કેમ? કારણકે પેલા હું અને બાપુજી ધરાઈને ખાઈ લઈએ પછી વધેલું શાક એ લે.


વર્ષો પહેલાનું કાચું રસોડું, છત માંથી પડતું પાણી, ચૂલો, પેલી બારીની ઠંડી હવા, અને રોટલીની વરાળ…બધું જ હજુ જીવે છે. ગામડે જઈને બાની બાજુમાં પડ્યો રહું એટલે ઘણા કહે કે જીતું માવડીયો છે. મને એ શબ્દ ખુબ ગમે છે.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 12, 2017 06:06
No comments have been added yet.