એ સામાન્ય હાલતમા ‘પીધેલી’ લાગે !
એ સામાન્ય હાલતમા ‘પીધેલી’ લાગે, અને હું પીધેલો હોઉં તો પણ ‘સામાન્ય’.
એ મોટા અવાજની માણસ, અને હું બોલું ધીમેધીમે.
એના પડઘા પડે, અને મારા ભણકારા વાગે.
એને સાઉથની ફિલ્મો ખુબ ગમે. હું ગ્લોબલ સિનેમા-ભક્ત.
હું Soulful મ્યુઝિકમાં મસ્ત રહું, એ Popsongs માં વ્યસ્ત રહે.
પુસ્તકો મારો જીવ, અને હું આ છોકરીનો જીવ. હું એકલો-એકલો વાંચ્યા કરું, અને એ મને એકલાને વાંચ્યા કરે.
હું અથાક રખડ્યા કરું, અને એ ક્યારેક બેઠીબેઠી પણ થાકી જાય !
મને કુદરત સાથે ગાંડો પ્રેમ, અને ‘ગાંડો પ્રેમ’ કરવો એ જ એની કુદરત.
હું લાગણીઓ દેખાડ્યા કરું, બોલ્યા કરું, લખ્યા કરું. એ લાગણીઓ છુપાવ્યા કરે. કશું જ કહે નહીં.
હું મોટા સપનાઓ જોયા કરું, એ સપનાઓની દુશ્મન.
કેટલો વિરોધાભાસ છે અમારે! વસંત અને વરસાદ જેવો. સુરજ અને ચાંદ જેવો.
હું ગુસ્સાવાળો, એ ઠરેલી. હું ધૂની બાવો, એ જિંદગીના રંગોની રંગોળી.
હું ફકીરીમાં જીવ્યા કરું. મારી જડતા-જીદ-ઈગો સામે લડ્યા કરું.
અને એ? એ જાણે વર્ષો જૂનો જ્વાળામુખી. અંદર હજાર યુદ્ધ કરે, બહાર શાંત લીલીછમ ધરતી.
તો આટલા વિરોધાભાસ વચ્ચે માણસ એકબીજાને પ્રેમ કઈ રીતે કરી શકે? એ પણ એરેન્જડ મેરેજ! એ પણ અજાણ્યા માણસને! એ પણ અચાનક?
લોકો તો કહેતા હોય છે ને કે Choices, Interests, Likes મેચ થવા જોઈએ, અને મન મળવા જોઈએ, અને ગ્રહ મળવા જોઈએ, અને વોટ નોટ!
લોકો તો કહેતા હોય છે ને કે સમજણ, લાગણીઓ, રસના વિષયો, અને સ્વભાવ મળવા જોઈએ, અને સમજણ કેળવવી પડે, અને મન મનાવવા પડે, અને વોટ નોટ !
ના.ના.ના.ના.
તમારે માટે એ સાચું હશે, અમારે માટે તો પ્રેમ એટલે જગતના દરેક નિયમને તડકે મુકીને જે અંદરથી ઉભું થાય એ. 



