લગ્ન!

લગ્ન! :)

મને દેખાતી સૌથી બોગસ સીસ્ટમ! લાડવો ન ખાય એને પણ દુઃખ, અને ખાય એને પણ! બાય-ધ-વે લાડવો કઈંક ખાવાલાયક દેખાતો હોત તો અમે પણ ઉતાવળ કરતા, પણ આ સીસ્ટમને જોઇને જ ગુસ્સો એવો આસમાને ચડે છે કે હવે ધીમે-ધીમે એનાથી નફરત થઇ રહી છે! નફરત લગ્નથી નહી, પણ જે રીતે આપણે ત્યાં લગ્ન થાય છે એ પ્રથાઓની વાહિયાતનેસથી થઇ ગઈ છે.


સોલ્યુશન? Be the Change!  તમારે ખુદને જ બદલાવ લાવવો પડે. એટલે આ જાહેરમાં કહું છું કે મારા લગ્ન (જો થશે તો.)માં કંકોતરીની અંદર જ નીચે મુજબના પ્રતિબંધ લખી નાખવામાં આવશે:


૧) મારા બાપાએ મારાથી મોટી ચાર બહેનોના મોંઘાદાટ અને સમાજની નજરમાં ‘ધામધૂમથી’ લગ્ન કરીને માથા ઉપર ટાલ વધારી છે તેના બોધપાઠ પરથી અમારે ત્યાં લગ્ન પૂરી સાદાઈથી થઇ રહ્યા છે, ખુબ આશાઓ લઈને આવવી નહી, કારણકે અમે કરોડોના લગ્ન કરનારાઓના જમણવારમાં ‘બીજું બધું તો ઠીક પણ દાળ મોળી હતી’ એવા ખોંસા કાઢનારા જોયા છે!


૨) અમારે ત્યાં લગ્નના મહિનાઓ પહેલા છોકરીને કંકુ-પગલા કરવા અગાઉથી બોલાવવામાં આવતી નથી. આ હમણાં જ ઘુસેલી બોગસ સીસ્ટમ છે, જે હજારોનો ખર્ચો કરાવી નાખતી હોય છે. કંકુ-પગલા લગ્ન કર્યા પછી લક્ષ્મી ઘરે આવે ત્યારે હોય છે, પહેલા નહી. (આ અગાઉથી કંકુ-પગલા કરીને છોકરીને ઘરે રોકવા બોલાવવા પાછળનો મૂળ-ઉદેશ તો છોકરી સ્વભાવે કેવી છે એનું ટેસ્ટીંગ કરવાનો હોય છે.)


૩) લગ્નના એક દિવસ અગાઉ અમારે ત્યાં ‘રાસ’ થાય છે, ‘ગરબા’ નહી. ગરબા ‘નવરાત્રી’ માટે હોય છે, રાસ પ્રસંગની ઉજવણી માટે થાય છે. એટલે અમે DJ બોલાવીને એના ઉપર એકતાલનો ગરબો વગાડવા કરતા ઘણા યોગ્ય રાસ રમીએ છીએ.


4) શરણાઈ-ઢોલની જગ્યાએ જે ‘DJ નું કલ્ચર’ ઘૂસ્યું છે એ એક હદે સ્વીકારી લઈએ, પણ આવા DJ? એક પણ સુર-તાલ નહી! મેશ-અપ વગડે તો પણ એક-એક મિનિટના દસ સોંગ એકસાથે! એમાં નાચવું હોય તો પણ એક જ ઢબમાં (એક હાથ આકાશ તરફ રાખીને કમર હલાવ્યા કરવાની!) અને કેટલું લાઉડ! બાજુમાં નાચનારાઓને બે દિવસ સુધી કાનમાં ધાક ન જાય! બેન્ડવાજાનું પણ એવું જ છે! તાલના નામે ધબડકો. એમાં પણ પેલા ગાવાવાળા ભાભા અને મેડમ! લતાજી કે રહેમાન સાંભળી ગયા હોય તો સુસાઈડ કરી લે. ઇનશોર્ટ: ધીમીધારે, મનને ગમે એવું DJ કે રાસ ગાનારા લગ્નને શોભાવે.


૫) અમે બેન્ડવાળા ઉપર કે ઢોલવાળા ઉપર રૂપિયા ઉડાડતા નથી. ના. ક્યારેય નહી. એમાં પણ પગ નીચે કચરાયેલા રૂપિયા વીણવા રાખેલા નાના બાળકો અમને દુઃખ પહોચાડે છે. દસ-દસની નોટોના બંડલ અમારી પાસે પણ છે, હાથોહાથ સેલેરી રૂપે બેન્ડને આપી દઈશું. (અને આ નોટો ઉડાડવાનો દેખાડો કોને માટે? આખી જાનને ઉત્સાહ જગાડવા માટે? વેલ…અમે જેમને અમારા લગ્નનો ઉત્સાહ જ ન હોય એમણે ખાલી જમણવાર વસુલ કરવા આવવો જ નહી, એ પણ સાદો જ હશે.)


૬) સેમ ગોઝ વિથ ફટાકડા! ધુમાડો- રૂપિયાનો અને દેખાડો ઔકાતનો. એના કરતા ફટાકડાના ભાગનો રૂપિયો અમે કોઈ જરૂરિયાતમંદ સંસ્થાને કે વિકલાંગો ને આપીને રાજી થઈશું. પ્લસ…જે કાગળો ઉડાડવાના ખેલ છે એ ખરેખર કચરો કરવાનું ઉતમ માધ્યમ સિવાય કશું જ નથી. વરઘોડા ઉપર કે નાચનારા ઉપર ઉડનારા કાગળના ફટાકડા પાછળથી એ રસ્તાઓની જે હાલત કરે છે તેને દસ ‘સ્વચ્છ ભારત મિશન’ પણ પહોંચી ન વળે. આભાર…અમે એવું નહી કરીએ.


૭) આ લગ્ન છે, સર્કસ નહી. વરરાજો ઘોડા પર બેસીને ખેલ કરે એ એની લાડવો ખાવાની મોજ માટે બરાબર છે, પરંતુ સ્પેશિયલ ટ્રેનીંગ પામેલી ઘોડીઓ પાસે નાચ નચાવવા કે ખાટલા ઉપર ચડાવીને ખેલ કરાવવા એમાં ખરેખર પેલો છોકરો વરરાજો નહી, પણ સર્કસ વાળો લાગે. ત્યારે ફરી સવાલ થાય? આ સર્કસ કોને દેખાડવા માટે? લગ્નનો ઉત્સાહ જગાડવા? હાહાહા.


8) અમારે ત્યાં લગ્નમાં ચાંદલા-પહ-કે ભેંટ તરીકે પણ રૂપિયા લખાવવા નહી. રીવાજો તોડો. હું તમારે ત્યાં પાંચસો એક લખાવીને ગયો હોઉં તો તમે મારે ત્યાં આવતા પહેલા એ નોટ જોશો, સામે એટલા જ લખાવશો. હિસાબ બરાબર! હવે ઓછા લખાવ્યા તો મને વાંધો, વધુ લખાવ્યા તો તમને બળતરા. આ લગ્નમાં ઘૂસેલો સૌથી ખરાબ રીવાજ છે. લાગણીઓના સંબંધ વચ્ચે રૂપિયો આવવો જ ના જોઈએ. બંધ કરો. તમે લગ્નમાં આવવા ટીકીટ બગાડી, સમય આપ્યો એ જ તમારો ચાંદલો.


૯) ખાસ. અમે લગ્ન કરીએ છીએ, કોઈ ફોટોગ્રાફી કોન્ટેસ્ટ નથી! ,મંડપમાં ચારેબાજુ જાણે ઘડમશીન લઈને ઉભા હોય એમ ફોટોગ્રાફરો વર-વધુ ને જે પોઝ અપાવતા હોય એ કેવું હાસ્યાસ્પદ છે! દરેક વિધિને ઉભી રાખીને પોઝ આપવાનો! ગોરદાદા પણ આજકાલ એ મુજબ વિધિ ટૂંકાવી નાખે છે! અરેરે…પેલો સિંદુર પૂરે તો પણ ફોટાવાળા કહે: ‘ત્યાં જ હાથ રાખો, કંકુ ઢોળતા નહી, ફોટો ખરાબ આવશે!’ અરે ભાઈ…મેકઅપના થથેડા કરીને આવેલા આ બંને કેદીઓ હસતા ચહેરા રાખીને થાકી જાય છે, આ લગ્ન છે, F-Tv નહી. વિધિ ચાલવા દો, અને નેચરલ મોમેન્ટ્સ ક્લિક કરો, વિધિ રોકો નહી.


10) દોસ્તો…આ અંધેરી નગરી છે, અને તમે ગંડુ રાજા. લગ્નના કરિયાવરના દેખાડા, અમુક તોલા સોનાના વજનની વાતો, જમણવારમાં થતો અન્નનો બગાડ, અને આ બધા વચ્ચે થતો સાચી લગ્ન-વિધિનો નાશ દુખ કરતા ગુસ્સો વધુ આપે છે.

મોંઘાદાટ રીસેપ્શનમાં પોઝ આપી-આપીને રૂપિયા ભરેલા કવર સ્વીકારી-સ્વીકારીને થાકેલા કપલને જ્યારે તમે સુહાગરાતનો અનુભવ પૂછો તો ખબર પડે એના માટે પણ હોટેલ બુક કરાવેલી હતી! અરે ભાઈ, સુહાગરાત સુહાગને ઘરે થાય! અને એમાં થાકી ગયા હોય તો સુઈ જવાય. ઇટ્સ ઓકે!


હજુતો ઘણું બાકી છે કાઢવા જેવું! તમને થશે કે આટલું બધું કંકોતરીમાં લખશું તો તે મોંઘી થશે, પણ આટલું લખ્યા પછી એનો કોઈ સ્વીકાર કરતુ હોય તો અમને મોંઘી કંકોતરી બનાવવી પોસાય એમ છે.

તમને ન ગમેલ, ખટકે તેવા રીવાજો-વાતો કોમેન્ટમાં શેર કરો. પ્લસ…આ લખ્યું એવું કરનારાઓ જોયા હોય તો તેમની સાથે આ પોસ્ટ શેર કરી નાખજો (મારી પોસ્ટના શેરીંગ વધે એટલે નથી કહેતો, પણ ખરેખર બદલાવ જરૂરી છે એટલે કહું છું)

આભાર :)


Filed under: Indian Marrige System, Marrige, Uncategorized Tagged: Arranged marrige, Gujarati Marrige, gujarati novel, jitesh donga, Kathiyavad, Marrige
 •  0 comments  •  flag
Share on Twitter
Published on March 06, 2016 09:15
No comments have been added yet.