Jitesh Donga > Quotes > Quote > Parth liked it

Jitesh  Donga
“હું તમને મહાનતાનો એક રસ્તો બતાવું છું. તમે સપનાઓ જુઓ. મોટા સપનાઓ જુઓ. પછી બસ મુઠી વાળીને તે સપનાઓ પાછળ ભાગવાનું ચાલુ કરી દો. તમે નિષ્ફળ થશો. રડવા લાગશો. પડી જશો. કંટાળી જશો. આ હકીકત છે, અને હું તમને બીજી એક કડવી હકીકત કહું છું- તમે અંધકારમાં ફસાઈ ગયા છો, અને ઈચ્છો છો કે તમને કોઈ આંગળી પકડીને લઇ જાય? ના. કોઈને પડી નથી તમે કેટલા ગાંડા છો, ભાંગી ગયા છો, તમને દુઃખ છે. ના. કોઈને તમારા દુઃખને માટે પોતાની સારી-સારી ક્ષણોને બગાડવાનો શોખ નથી. એટલે હવે પડ્યા પછી તમારા પ્રોબ્લેમ સંભળાવવાનું બંધ કરો. એક પણ એક્સક્યુઝ નહી. અંધારામાં ઉભેલા માણસ હંમેશા મજબુરી ભરી વાતો કરે છે, અને બહાના બતાવ્યા કરે છે. હું કહું છું- છોડો એ વાતો. ઉભા થાવ. મેં જોયું છે- કુતરાઓને પણ જયારે ખરજવું થાય, મરવા પડ્યા હોય, તો પણ છેલ્લા શ્વાસ સુધી, બહાર લબડતી જીભ સુકાય જાય ત્યાં સુધી, આંખો બંધ થાય ત્યાં સુધી દોડતા રહે છે. તમને કેમ બહાના કાઢીને બેસી ગયા છો? હું છાતી ઠોકીને કહું છું દોસ્ત...જ્યારે લાઈફ તમને કિક મારે છે, તમે રડવા લાગો છો, અને તમે પડી જાવ છો ત્યારે દુનિયાનો કોઈ પણ માણસ રેફરી બનીને તમારા માટે પરિસ્થિતિને રેડ-કાર્ડ બતાવવા નહિ આવે. તમને સાંત્વના દેવા બીજા ખેલાડીઓ આવશે, પરંતુ તમારે જાતે જ આંસુ લુંછીને રમતમાં ઉભું થવું પડશે.
મહાનતા જેવું કઈ હોતું જ નથી, અને જો હોય તો લોહી વાળા હાથે આંસુ લુંછીને મેદાનમાં ઉભા થનારો મહાન બંને છે. ઉભા થઈને દુઃખાવો સહન કરીને દોડનારો મહાન બંને છે. દોડીને પોતાના લક્ષ્ય તરફ, ગોલ મારવા માટે પોતાના હાડકા ખરી જાય ત્યાં સુધીની હિંમત લઈને ભાગનારા મહાન બંને છે. પોતાના શરીરમાં થતા દુખાવાની ફરિયાદ કર્યા વિના ફરી-ફરીને ઉભા થનારા મહાન બંને છે. જો એ મહાનતાના ગોલ-પોસ્ટ સુધી પહોંચવું હોય તો વારંવાર દોડવું પડે છે. અને આ બધું છતાં ઘણીવાર તમે એ ગોલ મારી શકતા નથી. સફળતાની એક ક્ષણ માટે હજારો વાર નિષ્ફળ થવું પડે છે. નિષ્ફળ થઈને મેદાન બહાર ગયા પછી દિમાગની નસોને કસી-કસીને શીખવવું પડે છે. છાતીમાં નવો લાવા શોધવો પડે છે. ફરીવાર વધુ જુસ્સા-જનુન અને નવી સમજ સાથે મેદાનમાં ઉતરવું પડે છે. ફરીથી દોડવું પડે છે. એકપણ ફરિયાદ વિના. બધીજ બાહોશી સાથે. બધા દાવ-પેચ લગાવીને. જરૂર પડે તો રસ્તામાં આવનારને ધક્કો મારીને. છેવટે એ ગોલ-પોસ્ટ સુધી પહોંચવાનું જક્કીપણું જીતી જાય છે. અને એ ગોલ થઇ જાય છે. પછી જીવન નામના મેદાનમાં ટી-શર્ટ કાઢીને નાચવાનું મન થાય છે! રાડો નાખી-નાખીને પોતાની સફળતા દુનિયાને- પ્રેક્ષકોને કહેવાનું મન થાય છે. લોકો તમને ઉત્સાહ-પ્રેમ-જુસ્સો આપે છે. એ સમયે એક પણ આંસુ, દુઃખતું શરીર, તૂટેલા હાડકા ...કોઈ દુઃખાવો મહેસુસ થતો જ નથી. સ્થિર માણસ નહી, હંમેશા દોડનારો જીતી જાય છે. મહાન બંને છે.
હું ફરી કહું છું. એ એક ક્ષણ માટે હજારો વાર હારવું પડે છે. મંજુર છે? હજારો એવી જ નિષ્ફળતા ભોગવવી પડશે. હારવું પડશે. મંજુર છે? એક સમયે તમારી પીઠ પર હાથ મુકનારા, તમને સલામ કરનારા જરૂર દેખાશે. કોઈ નહી તો તમારું હૃદય જરૂર તમને ખુશ કરી દેશે.”
Jitesh Donga, Vishwamanav

No comments have been added yet.