વીરજીને વઘારની સુગંધ ખૂબ જ ગમે. સાંજે રામબાઈ આખા ભીંડાનું શાક બનાવતી હોય ત્યારે ચૂલાની આગળ જ બેસી જાય. મગફળીના તેલમાં રાય-જીરું છંટાય. હળદર-મરચું વેરાય. ભીંડાની શીંગોનો તડતડ અવાજ ઊઠે અને વરાળ હવામાં ઊંચે જાય. વીરજી પોતાની આંખો બંધ કરીને રોજે સાંજે શાક કે દાળ બનવાની રાહ જુએ.