“હું તો અહીં જ છું. અહીં જ રહેવાનો છું... અવર-જવર તો આપણા મનની હોય છે પ્રિયે. બાકી, આવવું અને જવું એવી કોઈ પ્રક્રિયા હોતી જ નથી. હોય છે માત્ર એક બિંદુથી બીજા બિંદુનો સમયગાળો અને આ બે બિંદુની વચ્ચે ક્યાંક આપણું અસ્તિત્વ. આ ક્ષણે હું અને તું એકબીજામાં પરોવાયેલાં બેઠાં છીએ. આ ક્ષણનું સત્ય એટલું જ છે. ગઈ તે ક્ષણ અને આવનારી ક્ષણ — બે એવાં બિંદુ છે, જ્યાંથી આપણે આવ્યાં છીએ અને જે તરફ જઈ રહ્યાં છીએ. પ્રત્યેક ક્ષણ પ્રસ્થાનની ક્ષણ છે પ્રિયે. પ્રસ્થાન નિશ્ચિત છે. માત્ર ક્યારે? એ પ્રશ્નનો જ ઉત્તર નથી હોતો આપણી પાસે. અને એ ઉત્તર નથી એટલે જ બે બિંદુ વચ્ચેની આ યાત્રા આટલી રસપ્રદ છે, આટલી ગમતી છે, સમજી?”