અસ્તિત્વ – ‘હોવા’પણાનો સાર લોગોથૅરપી ખૂબ સ્પષ્ટ રીતે અને આગ્રહપૂર્વક જવાબદારપણા પર ભાર મૂકે છે. એક સૂત્ર છે, ‘તમે એ રીતે જીવો કે જાણે તમે બીજી વાર જીવી રહ્યા છો અને તમે જે રીતે પહેલી વાર ખોટી રીતે કામ કર્યું હતું, તે જ રીતે તમે કામ કરવાના છો.’ આ સૂત્ર સ્પષ્ટ સમજીએ. આ સૂત્ર એમ કહેવા માગે છે કે તમારો વર્તમાન સમય પણ ભૂતકાળનો બની જવાનો છે અને ભૂતકાળમાં કે વર્તમાનમાં તમે તો તમે જ છો, અને આચરણનો આ નિયમ તમને સમજાવે છે કે જીવન મર્યાદિત છે. આમ છતાં તે અંતિમ પણ છે. પોતાના જીવન સાથે અને પોતાનાથી શું કરી શકાય તે વ્યક્તિએ પોતે જવાબદારી સાથે વિચારવું જોઈએ.