જે વ્યક્તિને ભવિષ્યનું કશું ધ્યેય ન દેખાતું હોય તેને ભૂતકાળના જ વિચારો આવે. ભૂતકાળનાં સ્મરણોને વાગોળવાનું વલણ વ્યક્તિને તેના વર્તમાનના ભયાનક સમયથી થોડી અલગતા આપી શકે છે, વર્તમાનને થોડો ભ્રામક બનાવી શકે છે. કેદીઓમાં આ વલણ ખૂબ વ્યાપક હતું, પરંતુ ભૂતકાળના સ્મરણમાં વર્તમાન સમય તરફ આંખો મીંચી દેવામાં પણ એક જોખમ હતું. કેદી માત્ર ભૂતકાળ તરફ નજર નાખ્યા કરે તેમાં વર્તમાનના જીવનમાં જે કંઈક પણ વિધેયાત્મક હોય તે જોવાની, જે કાંઈ કરી શકાય તેમ હોય તે કરવાની તક તરફ પણ નજર ન પડે.