ગુજરાતી વાચકવર્ગને આ નાટકો નો પરિચય કરાવતા આનંદ થાય છે. આ નાટકો અનેક રીતે આપણા માર્યાદિત નાટકસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે અને તેનું કારણ તે એકાંકી છે કે ગદ્યમાં લખાયા એ નથી. એ વાત હવે આપણા સાહિત્યમાં નવી નથી રહી. પણ તે સાચેસાચું ગામડાનું વાતાવરણ અને ગામડાનું જીવન રજુ કરે છે એ છે. આપણામાં ગામડા-સંબંધી સાહિત્ય છે પણ તેમનું ઘણું ગામડું તો આવું હોય, તેવું હોય, ગામડું તો સુંદર હોય, નિર્દોષ હોય, તંદુરસ્તીવાળું હોય વગેરે માની લીધેલા પૂર્વગ્રહો ઉપર થી લખાયેલુ છે. તેમાં ગામડા નું સાચું ચરિત્ર નથી. તેમાં તલ્લીન થયા વિના તટસ્થ રહી, જાણે ગામડાની સુંદરતાની કદર કરવાની લાગણીમાં અથવા ગામડા તરફની દયાની લાગણીમાં કે તેની નિર્દોષતાના સમભાવમાં રાચવા માટે મનને હઠથી પ્રેરીને લખ્યું હોય તેમ જણાય છે. શ્રી ઉમાંશંકરે ગામડું જોયું છે. - રામાયણ વિશ્વનાથ પાઠક